- અમદાવાદ જિલ્લામાં દવાની ફેકટરીમાં કામ કરતા મહુધાના વ્યક્તિને કોરોના : નિયમો તોડી વતન આવતા ફરિયાદ નોંધાઇ દેથલી ગામના ત્રણ વર્ષનો બાળક કોરોનામાં પટકાયો : અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતો યુવાન પણ ઝપટે ચડયો
નડિયાદ,તા.7 મે 2020, ગુરુવાર
ખેડા જિલ્લામાં આજે પણ કોરોનાનો કેર અવિરત રહ્યો છે. જિલ્લામાં માત્ર ત્રણ વર્ષના બાળકને કોરોના જાહેર થતા અફડાતફડી મચી છે. જ્યારે ફરી એક વખત અમદાવાદ ગ્રામ્યમાં દવાની ફેક્ટરીમાં કામ કરતા સંક્રમિત વ્યક્તિ ખેડા જિલ્લામાં કોરોના દર્દી તરીકે નોંધાયા છે અને તેઓ લોકડાઉનના નિયમો તોડીને ચોરીછૂપીથી મહુધા તાલુકાના ગામડે આવી ગયા હોવાથી તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.નડિયાદ શહેરના વધુ એક કોરોના વોરીયર્સ યુવાન પોઝીટીવ જાહેર થયા છે.
આમ આજે પણ જિલ્લામાં હેલ્થ સેક્ટરમાં કામ કરતા બે સુપર સ્પ્રેડર કોરોના પોઝીટીવ નોંધાયા છે. આથી જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક ૨૧એ પહોંચ્યો છે. ખેડા જિલ્લાના ૨૧ કોરોના દર્દીઓ પૈકી ૧૩ કેસ નડિયાદ શહેરના નોંધાયા છે. જેમાં વધુ એક કેસ આવતા નડિયાદ શહેરના ૧૪ કોરોના દર્દીઓ પોઝીટીવ જાહેર થયા છે. આ ઉપરાંત જિલ્લાના કપડવંજ તાલુકાના ૪ દર્દીઓ, મહેમદાવાદ તાલુકામાંથી ૧, કઠલાલમાંથી ૧ અને વસોમાંથી ૧ કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા હતા. ત્યારે આજે માતર અને મહુધા તાલુકાના વધુ બે કોરોના પોઝીટીવ કેસ જિલ્લામાં નોંધાતા આજે જિલ્લામાં કુલ ૩ દર્દીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. આજે નવાઇભરી રીતે માતર તાલુકાના દેથલી ગામના ૩ વર્ષના બાળકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
દેથલીના ગાંધીપુરા વિસ્તારમાં રહેતા મુકેશ સોલંકી અને ક્રિષ્ણાબેન સોલંકીનો ૩ વર્ષનો દિકરો પરમ છેલ્લાં ઘણાં સમયથી તાવ અને ખેંચનો દર્દી હતો. ગત્ એપ્રિલની ૧૮થી ૨૧ તારીખ દરમ્યાન તેને નડિયાદની કેયા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ સારુ થતા તેને દેથલી પાછો લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ગઇકાલે તેને ફરીથી તાવ આવતા નડિયાદની હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યો હતો. જ્યાં તે શંકાસ્પદ જણાતા તેને તાત્કાલિક એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ગઇકાલે સેમ્પલ લીધા બાદ આજે તેનો કોરોના ટેસ્ટ પોઝીટીવ જાહેર થયો છે. આથી તેને હોસ્પિટલમાં આઇસોલેટેડ કરવામાં આવ્યો છે. જ્યારે દેથલીના ગાંધીપુરા વિસ્તારમાં રહેતા તેના પરિવારજનો અને આસપાસના શંકાસ્પદ સંક્રમિત ૧૯ વ્યક્તિઓને નડિયાદના કોરન્ટાઇલ સેન્ટરમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રબારી વાડ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર
તાલુકા મથક મહુધાના રબારીવાડમાં રહેતા ૪૯ વર્ષના હર્ષદભાઇ પ્રજાપતિ આજે કોરોના પોઝીટીવ જાહેર થયા છે. તેઓ અમદાવાદ ગ્રામ્યના ધોળકા પાસે આવેલ કેડીલાની ફાર્મસ્યુટીકલ કંપનીમાં નોકરી કરતા હતા અને ત્યાંજ રહેતા હતા. પરંતુ ગત્ ૧લી થી પાંચમી તારીખ દરમ્યાન તેઓ ચોરી છૂપીથી મહુધા પોતાને ઘેર આવી ગયા હતા. અને બે દિવસથી શર્દી તાવમાં સપડાતા સ્થાનિક ડોક્ટરને ત્યાં દવા લેવા ગયા હતા. તેમની તબિયત વધારે બગડતા મહુધા હેલ્થ બ્લોક ઓફિસરને તેની જાણ થઇ હતી. આથી તેમનું ગઇકાલે સેમ્પલ લેવામાં આવ્યું હતું અને આજે તેઓ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. આથી તેમને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને તેમના પરિવારના તથા આસપાસના ૧૦ જેટલા સભ્યોને નડિયાદના કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મહુધાના રબારીવાડ આસપાસના ૩૦૦ મીટર વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી સ્થાનિકોની અવર જવર સદંતર પ્રતિબંધિત કરવામાં આવી છે.
યુવાન કોરોનાના દર્દીની ક્વૉરન્ટાઇન પ્રક્રિયામાં સક્રિય રહેતો હતો
નડિયાદના અમદાવાદી બજારમાં આવેલ હરિદાસ હોસ્પિટલમાં ચાલતા અર્બન હેલ્થ સેન્ટરના ૨૮ વર્ષિય સેનેટરી ઇન્સ્પેક્ટર સંદિપ ધર્માભાઇ ચૌહાણ આજે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેઓ છેલ્લાં ચાર મહિનાથી હોસ્પિટલના ક્વાટર્સમાં જ એકલા રહેતા હતા. અને નડિયાદ શહેરના દરેક કોરોના પેશન્ટના કોરન્ટાઇલ પ્રક્રિયામાં સક્રિય રહેતા હતા. આથી તેઓ હાઇરીસ્ક સ્પ્રેડર હોવાથી તેમનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જે આજે પોઝીટીવ આવ્યો હતો. આથી સ્થાનિક આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રએ હરિદાસ હોસ્પિટલ અને તેની પાછળ આવેલા ક્વાટર્સને જડબેસલાક કન્ટેઇન્મેન્ટ કર્યું હતું.
ખેડા જિલ્લામાંથી ધાનેરા મામાના ઘરે આવેલા યુવકનું કોરોનાથી મોત
મૃતક યુવક કિડની, ટાઈફોઈડ અને ડાયાબીટીસ જેવી ગંભીર બિમારીથી પિડાતો હતો
પાલનપુર,ધાનેરા, તા. 7 મે 2020, ગુરુવાર
ઉત્તર ગુજરાતમાં કોરાનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને પાંચેય જિલ્લામાં કુલ કોરાનાને ૧૯૩ કેસ નોંધાયા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક અને ઉત્તર ગુજરાતમાં કુલ આઠ વ્યકિતના મોત નિપજ્યા છે.
જેમાં જિલ્લાના ધાનેરામાં મામાના ઘરે આવેલા ખેડા જિલ્લાનો ૨૦ વર્ષીય યુવક કીડની, ટાઈફોઈડ જેવી બીમારીઓ ધરાવતો હતો. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરુવારના રોજ મોત નિપજ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.જિલ્લામાં કુલ ૬૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં વિવિધ બીમારીમાં સપડાયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોય તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવી રહ્યો છે. જેમાં ગત ૨૯ એપ્રિલના રોજ ધાનેરામાં પોતાના મામાના ઘરે આવેલા ખેડાના ૨૦ વર્ષીય યુવક શાહરુખ મુસલા કિડની, ટાઈફોઈડ, ડાયાબિટિસ જેવી બીમારી ધરાવતો હોવાથી તેને પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા તેનું સેમ્પલ લઈને ટેસ્ટ કરાવતા બુધવારના રોજ તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે કોરોનામાં સપડાયેલા આ યુવકનું ગુરુવારના રોજ સારવાર દરમિયાન મોત નિપજતા જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો આંક ૨ થયો છે. જોકે અગાઉ પણ વિવિધ બીમારી ધરાવતા પાલનપુર તાલુકાના ભાગળ(જ) ગામની એક વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને કોવિડ હોસ્પિટલ, પાલનપુરમાં દાખલ કરાયા હતા. જેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cfzTiy
ConversionConversion EmoticonEmoticon