ખેડા જિલ્લામાં એનઆરઆઈઓના આગમન પહેલાં હોટેલોમાં 500થી વધુ રૂમ બુક


- ભારત સરકારે 10,000 એનઆરઆઇને સ્વદેશ લાવવાની પ્રક્રિયા હાથ ધરતા ક્વૉરન્ટાઇન કરવા તૈયારીઓ

નડિયાદ,તા. 7 મે 2020, ગુરુવાર

ખેડા જિલ્લામાં એનઆરઆઇના આગમન માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. વહીવટી તંત્રએ આ માટે જુદી જુદી હોટલોમાં ૫૦૦થી વધુ રૂમોનું બુકીંગ કરાવ્યું છે. આગામી ૧૦મી તારીખથી ભારત સરકાર દ્વારા ગુજરાતના ૧૦,૦૦૦  જેટલા એનઆરઆઇને વિદેશમાંથી પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ૧૦,૦૦૦ વિદેશી પ્રવાસીઓ પૈકી ખેડા જિલ્લાના નાગરિકો માટે ૧૪ દિવસ હોમકોરન્ટાઇલની સગવડ કરવા હોટલોનું બુકીંગ આજથી જ શરુ કરી દેવામાં આવ્યું છે. 

વિદેશમાં ફસાયેલા નાગરિકોને માદરે વતનમાં લાવવા માટે ભારત સરકારે ઘણાં દિવસથી મિશન વંદેમાતરમ્ યોજના હાથ ધરી છે. જેમાં હજારો ભારતીયો પોતાને વતન પહોંચી શકે તે માટે ખાસ ચાર્ટર્ડ ફ્લાઇટના આયોજન થયા છે. આ માટે આગામી ૧૦મી તારીખથી ગુજરાતના એરપોર્ટો ઉપર ૧૦,૦૦૦ જેટલા વિદેશમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પરત આવવાના છે. પરંતુ તેઓ વિદેશથી આવતા હોવાથી આવતાવેંત તેમને ફરજ્યાતપણે ૧૪ દિવસ કોરન્ટાઇલ કરવાના રહેશે.  આથી જિલ્લાના વહીવટીતંત્રને પણ રાજ્ય સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર આવા વિદેશી પ્રવાસીઓને કોરન્ટાઇલ કરવા માટેની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

આ માટે નડિયાદ શહેરની હોટલો અને વડતાલ યાત્રાધામનું અત્યાધુનિક યાત્રિકભવનમાં ૫૦૦ જેટલી રૂમોનું બુકીંગ પણ કલેક્ટર કચેરી મારફતે શરુ કરી દેવામાં આવ્યું છે. જેની વિગતો એવી છે કે નડિયાદના ડભાણ રોડ ઉપર આવેલી જલાશ્રય રીસોર્ટમાં ૨૦ રૂમો, પેટલાદ રોડ ઉપર આવેલી ટાઇટેનિયમ હોટલમાં ૪૩ રૂમો, રેલ્વે સ્ટેશન સામે આવેલ તુલસી મોટલમાં ૩૩ રૂમો, ખેડા હાઇવે ઉપર આવેલ પામ રીસોર્ટમાં ૭૫ રૂમો અને વડતાલના યાત્રીકનિવાસમાં ૩૦૦ રૂમોનું બુકીંગ આજથી જ વહીવટી તંત્રએ કરી દીધું છે. જો કે આ માટે વિદેશી પ્રવાસીઓ જોડેથી હોટલના ભાડા લેવામાં આવશે કે પછી સરકારી તંત્ર જ આ ખર્ચ ઉઠાવશે તે બાબતે હજી કોઇ સ્પષ્ટતા થઇ નથી. આગામી બે દિવસમાં આથી પણ વધારે હોટલો અને રૂમોનું બુકીંગ હાથ ધરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35EIskB
Previous
Next Post »