પોરસ પટેલને ખ્યાલ આવી ગયો કે : દીકરો મખમલનો તકિયો નથી, એ તો ગાભાનું ગોદડું છે!

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

પ્રેમવતી સૂટકેસ લઇને બહાર નીકળી. બોલી : 'મારો તો એળે ગયો અવતાર !!'

ત મે મને કહેશો કે હૈયામાં લાખલાખ અરમાનો ભરીને યુવતી પતિગૃહે આવે, ને પહેલી રાતે જ એને જાણવા મળે કે પતિએ પુરુષત્વના નામનું નાહી નાખ્યું છે, ત્યારે એની શી દશા થાય ? મને એ પણ કહો કે જે સમણાં લઇને સાસરવાટે આવી હોય એ સમણાંની ઝોળી જ ફાટેલી નીકળે તો એ બિચારીની શી દશા થાય ? માંહ્યલા ઓરડે ઢાળેલા ઢોલિયે એ ઘૂંઘટ તાણીને બેસે, ને જેને એણે મનનો માણીગર માન્યો હતો એ જ મર્દ હાથ જોડીને કરગરે : 'મને માફ કરી દે, માવડી! હું સો મણ રૂની તળાઈ નથી, હું તો ગાભાની ગોદડી છું, તો. એ બાપડીની શી દશા થાય ?'

બીજા કોઇની વાત નથી કરતી હું. હું તો મારી જ વાત કરું છું ! હું કોણ ? પ્રેમવતી ! સોહાગી સમણાંનો માળો ગુંથનારી, બાપની એકની એક લાડલી દીકરી, અને આ ગામના ધનથી, ઢોરથી અને ધરતીથી ધીંગા એવા વટના કટકા જેવા પોરસ પટેલના દીકરા વિલોચનની વહુ ! ખાનદાન ખોરડાના વારસની ધણિયાણી ! બાપુ તો કહેતા કે : 'પ્રેમ વતી દીકરી નથી, એ તો મારો દીકરો છે દીકરો! એને તો એવા ઘેર પરણાવીશ કે જેનો આખીય નાતમાં જોટો ન હોય ! એવા મુરતિયા હાર્યે એનો હથેવાળો કરીશ કે જેની જોડયનો કોઈ છોકરો બીજો ક્યાંય ન મળે !'

'હા, બાપુ, હા !'

મને એવો વર મળ્યો છે કે નાતમાં એના જેવો બીજો કોઈ ન હોય ! મને એવું વટના કટકા જેવું ઘર મળ્યું છે કે જે ઘરનો દીકરો તાળીઓ પાડે, તોય ઘરવાળાં કહેશે : 'કેટલી સરસ તાળીઓ પાડે છે !!'

પોરસ પટેલ.

મારા સસરા.

છસો વીઘાં ભોંના ધણી !

બે માળની મહેલ જેવી હવેલીના માલિક !

આખાય ગામ પર એક ચક્રી શાસન ચલાવનારા ! હાક અને ધાકના ધણી ! ઊંચો પુરો દેહ, સિંહને ય શરમાવી નાખે એવું ભારે ખમ માથું, પાટલા ઘો જેવી છાતી, ખાટલાના પાયા જેવા હાથ અને પૂરા સાત ઇંચની વાંકડી મૂછો : નાતમાં પૂછાતા ને પંકાતા મોટા માણસ !

એમનો દીકરો વિલોચન !

ગોરો ગોરો ખરો, પણ ઢીલો ઢીલો !

છોકરાં વરવહુની રમત રમે તો 'વહુ' એ જ બને ! નિશાળમાં નાટક ભજવવાનું હોય તો હીરોઇન એજ બને ! હીરોઇન તરીકે સરસ શોભે ! એને ગિલ્લીદંડા કરતાં ઢીંગલી હાર્યે રમવાનું બહુ ગમે ! અવાજ તીણો અને પાતળો ! એ સાતમા ધોરણમાં છ વાર નાપાસ થયો એટલે વિલોચને કહી દીધું : 'બાપા, હવે મારે નથી ભણવું !'

'કંઇ વાંધો નહિ !'

માસ્તરોને ભણાવતાં ન આવડે એમાં તારો શો વાંક ? ન જતો નિશાળમાં ! તું કંઇ રેંજી પેંજી બાપનો દીકરો નથી ! છસો વીઘાં ભોંના ધણીનો લાડકો દીકરો છે...તારે વળી ભણવાની ક્યાં જરૂર છે ?'

ને નિશાળને રામ-રામ કર્યા એણે !

નમસ્તે નિશાળ મેડમ !

હા, એના હાથ-મોંના ચાળા જોઇને પોરસ પટેલને ક્યારેક વહેમ પડતો : 'હેં ? ક્યાંક છોકરો મરદમાં ન હોય એવું હશે ?'

ને એ ચોવીસનો થયો ત્યારે પટેલને ખ્યાલ આવી ગયો કે દીકરો મખમલનો તકિયો નથી, આ તો ગાભાનું ગોદડું છે !

જરાક ખિન્ન પણ થયા.

પણ તરત જ અંદરની મોટાઈ ફેણ ચઢાવીને ખડી થઇ ગઈ : 'જે છે તે... આ તો ખાનદાન ખોરડાનો બેટો છે. એના માટે નાતમાંથી રૂપરૂપના અંબાર સમી અપ્સરા ન ગોતું તો મારા નામનું નાહી નાખજો !'

પટલાણીએ પણ ધીમેથી કહ્યું : 'દીકરો -'

'જાણું છું.'

'હવે શું કરીશું ?'

'એનાં લગ્ન !'

'પણ આવા છોકરાને કયો બાપ દીકરી આપશે ?'

'આ તું બોલે છે ? દીકરો કોનો ?'

'પોરસ પટેલનો !'

'પોરસ પટેલ કોણ ?'

'ગામનાને નાતના ધીંગા આગેવાન ! છસો વીઘાં પાડાની કાંધ જેવી જમીનના ધણી ! બે માળની હવેલીના માલિક ! એમની ધાકથી સહુ ધૂ્રજે.'

'બસ ત્યારે... મેં ધાર્યું છે એ થઇને જ રહેશે. એના માટે કન્યા હું ગોતીશ...સારામાં સારી, અપ્સરા જેવી, નાતમાં જોટો ન જડે એવી, પરીનું ય પાર્સલ કરી દે એવી !'

'એવી તો એક 

જ છે.'

'કોણ ?'

'સાત વડલા ગામના નાનજીની છોડી ! નામ છે એનું પ્રેમવતી ! રૂપાળી તો એવી છે કે એને પામવા રાજકુમારો ય લાઈન લગાવી દે.'

'તો આપણો દીકરો રાજકુમાર નથી ?'

'છે ને ! તમે રાજા, ને એ તમારો કુમાર !'

પોરસ પટેલે માગું નાખ્યું મારા માટે! સંમતિ સધાઇ ગઈ ! લગ્ન પણ થઇ ગયાં ! ને હું ખાનદાન ખોરડાની વહુ બનીને સાસરે આવી રાત પડી. આડું કરેલું બારણું ખુલ્યું... ઘૂંઘટ હટાવીને મેં જોયું : પતિ હાથ જોડીને કરગરતો હતો : 'મને માફ કરી દે, પ્રેમવતી ! હું તારે લાયક નથી !'

'કેમ ?'

'મારામાંનો 'મરદ' મરી ગયો છે ! હું તો ખાલી ખોખું છું ! હું તને ચપટી જેટલું ય સુખ આપી શકું તેમ નથી !' આટલું કહીને એણે જોરદાર તાબોટો પાડયો : 'પ્રેમવતી, મને બૈરાંનાં લૂગડાં પહેરવાં બવ ગમે !'

સમજી ગઈ હું !

સુખનું જળ ઢોળાઈ ગયું છે !

સામે જ સરોવર છે, પણ સરોવરમાં પાણી જ નથી !

ને હું રડી પડી.

'બાપુ, મારા માટે આવો વર ગોત્યો, જેનો ક્યાંય જોટો ન જડે ? ક્યાંથી જડે ? પાવલી પડી ગઈ છે પતિની !'

- એ દિવસે પોરસ પટેલ બહારગામ ગયા હતા. પટલાણી ખેતરમાં ગયાં હતાં. ત્યાં જ કિન્નરોની એક ટોળી હવેલીના બારણે આવી. એક જણ બોલ્યો : 'ચ્યાં જ્યાં ભગત? બારા નીકળો! બવચર માવડી તમને બોલાવે છે !' ને તાબોટા જ તાબોટા !

- એક પવૈયો તો ઘરમાંથી વિલોચનને પકડીને બહાર આવ્યો : 'અલ્યાં, આ રહ્યો બવચર માતાનો મરઘો !' ને પછી તો વિલોચને બૈરાંનાં કપડાં પહેરી લીધાં : ને એય તાબોટા પાડવા લાગી ગયો : 'હાલો રે હાલો, મા બવચરના પાળે !'

- ને બીજી મિનિટે હું, એટલે કે પ્રેમવતી હાથમાં સૂટકેસ લઇને બહાર નીકળી ગઈ : 'મારો તો એળે ગયો અવતાર !!'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dUcjZd
Previous
Next Post »