જેવું તમારું નાક, તેવો મારો દેહ!

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ

'તમારા જેવું જ મારે છે. તમને નાક પર ઠંડી લાગતી નથી, કારણ કે એ ઠંડી સહન કરી શકે છે, એમ મારું આખું શરીર ઠંડી સહન કરવાની આદત ધરાવે છે કહો કે એવી શક્તિ ધરાવેૅ છે.'

શિયાળાની વહેલી સવાર હતી. હાડ વીંધી નાંખે એવો સૂસવાટાભર્યો ઠંડો પવન વહેતો હતો. એમાં વળી મહિમાવંતી ગંગા નદીનો વિશાળ કિનારો હતો. આવા સ્થળે સ્વામી દયાનંદ સરસ્વતી પધ્માસન લગાવીને ધ્યાન કરતા હતા. આજીવન બ્રહ્મચારી સ્વામી દયાનંદ સરસ્વતીનો દેહ ખૂબ કસાયેલો હતો અને શરીર પર સાધનાનું તેજ ઝળહળતું હતું.

આવે સમયે ગંગા કિનારે ઘૂમવા નીકળેલા અંગ્રેજોની નજર આ ધ્યાનમગ્ન સ્વામી પર પડી. સૂટ-બૂટ અને હૅટ પહેર્યાં હોવા છતાં આ અંગ્રેજ યુવાનો ટાઢથી ધૂ્રજતા હતા. નદીકિનારા પર સૂસવાટાભેર વહેતા પવનથી બચવા માટે પોતાના હાથ છાતી પર લગાવીને સંકોડાઈને ચાલતા હતા.

એમણે સ્વામીજીને જોયા અને જાણે કોઈ મહાઆશ્ચર્ય દીઠું! આવી કડકડતી ઠંડીમાં માત્ર લંગોટીભેર પલાંઠી લગાવી નદીની રેત પર કઇ રીતે ધ્યાન કરી શકાય ? અંગ્રેજો સ્વામીજી પાસે આવ્યા અને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

એમણે કહ્યું, 'સ્વામીજી, અમ આ ગરમ સૂટમાં પણ ધૂ્રજીએ છીએ અને તમે સાવ ખુલ્લા શરીરે બેઠા છો. તમને ઠંડી નથી લાગતી ?'

સ્વામીજીએ નકારમાં માથું ધૂણાવ્યું.

અંગ્રેજો એમની જિજ્ઞાસા રોકી શક્યા નહીં એટલે પૂછ્યું, 'અરે, પણ આવી કાતિલ ઠંડીમાં તમે કઇ રીતે માત્ર લંગોટીભેર નદીકિનારે લાંબા સમય સુધી બેસી ધ્યાન કરી શકો છો ?'

સ્વામીજીએ કહ્યું, 'જુઓ, તમને શરીરે ઠંડી લાગે છે, છતાં તમે શ્વાસ લેવા માટે નાકને ખુલ્લું રાખ્યું છે ને ! શું નાકના એ ભાગને ઠંડી નથી લાગતી ?'

અંગ્રેજોએ કહ્યું, 'નાક ખુલ્લું ન રાખીએ તો શ્વાસ કઇ રીતે લઇ શકીએ ? ગૂંગળાઈને મરી જઈએ. ગમે તેટલી ઠંડી હોય તો પણ શ્વાસ લેવા કાજે નાક ખુલ્લુ રાખવાની આદત કેળવી છે, તેથી નાક પર બહુ ઠંડી લાગતી નથી.'

સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, 'તમારા જેવું જ મારે છે. તમને નાક પર ઠંડી લાગતી નથી, કારણ કે એ ઠંડી સહન કરી શકે છે, એમ મારું આખું શરીર ઠંડી સહન કરવાની આદત ધરાવે છે કહો કે એવી શક્તિ ધરાવે છે.'

સ્વામી દયાનંદ સરસ્વતીની શરીર અને મનની શક્તિ જોઇને અંગ્રેજો પ્રસન્ન થઇ ગયા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3637SbE
Previous
Next Post »