પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
રેલ્વેમાં મુસાફરી કરતી વખતે એકવાર અપર બર્થ મળી. આખી રાતની મુસાફરી અને એમાં આ અપરબર્થ સતત આમતેમ ડોલતી હોય મનમાં પહેલો વિચાર એ આવે કે હવે ઊંઘ થશે નહીં અને ઉજાગરો વેઠવો પડશે.
પણ થોડીવાર પછી તમે એ વિચાર કરો કે આ અપરબર્થ મળી છે. વાહ! એ ય હીંચકામાં ઝૂલતા-ઝૂલતા મીઠી નીંદર માણવા મળશે આજે આપણી આદતો, ટેવો, જરૂરિયાતો, વ્યવહારિક ગોઠવણો અને વ્યવસાય બધું જ બદલાઈ રહ્યું છે. પહેલા વધુ બહારની દુનિયામાં વસતા હતા, હવે દુનિયા આખી ઘરમાં સમેટાઈ ગઈ છે. આવે સમયે મનમાં પહેલો સવાલ નકારાત્મક અવાજનો આવશે. પહેલો પ્રતિભાવ પ્રતિકારનો આવશે. એ પ્રતિભાવમાં પરિવર્તન લાવીશું, તો જિંદગી ખુશહાલ બની જશે. અંદરથી જાગેલા સહુ પ્રથમ નકારાત્મક અવાજને આપણે ઓળખવો પડશે. આ નકારાત્મક અવાજ એ આપણા અત્યાર સુધીના બંધિયાર ખ્યાલોને કારણે આવતો હોય છે.
એકબાજુથી વિચાર આવે કે કોરોના જગતની તબાહી કરી નાંખશે આ નાનકડો કોરોના માનવજાતનો સંહાર કરી નાખશે અને પછી કોરોનાનું વાયરસ ચિત્ર જોતા મનમાં થશે કે આ તો રાક્ષસ જેવો લાગે છે! જ્યારે હકીકત એ છે કે માત્ર દસ-વીસ વાયરસથી શરીર બિમાર પડતું નથી. આ બિમારી માટે લગભગ 70 અબજ વાયરસ સક્રિય હોવા જોઇએ.
નિરાશાવાદીને એ વિચાર આવશે કે કોરોના મહામારી માનવજાતનો અંત આણી દેશે અને આશાવાદીને એમ લાગશે કે મનુષ્યજાતિએ પ્લેગ, કોલેરા, ચીકનગુનિયા જેવા કેટલાય રોગોના વાયરસને મહાત કર્યા છે તો આને પણ મહાત કરશે.
આજની સહુથી પહેલી જરૂરિયાત તે મનમાંથી તત્કાળ આવતા નકારાત્મક વિચારને નાથવાની છે. તમારા વિચારો બદલાય એટલે દ્રષ્ટિ બદલાય અને દ્રષ્ટિ બદલાય એટલે આસપાસની સૃષ્ટિ બદલાય. આપણે સહુ જાણીએ છીએ કે જે આસપાસના સંજોગો છે, તેમાં આપણે પરિવર્તન લાવી શક્તા નથી, પરંતુ એ સંજોગોનું અર્થઘટન બદલવાની આપણામાં ક્ષમતા છે. પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ અને અર્થઘટન બદલો એટલે પરિસ્થિતિ બદલાઈ જશે. આજના સમયે વ્યક્તિએ ભીતરમાંથી આવતા તમારા પેથોલોજીકલ ક્રિટિક પર કાબૂ રાખવો જોઇએ.
હ્યુજેન સેગાન નામના માનસશાસ્ત્રીએ આ પરિભાષા શોધી છે. અને એને એ વ્યક્તિની ભીતરમાંથી આવતા સકારાત્મક અવાજ છે.
આજની પરિસ્થિતિમાં પહેલો અવાજ કોરોનાથી ભયભીત થવાનો આવશે અને પછી એમાં વધુને વધુ તમે કોરોના ગ્રસ્ત થશો તો કેવી હાલત થશે તેનો વિચાર જાગે છે. ટેલિવીઝન પણ જોયેલાં દર્દનાક દૃશ્યો દેખાશે અને એમાંના એક પલંગ પર તમે સૂતેલા હશો તેમ લાગશે. અને પછી તો આ વિચારો છેક અંતિમ ક્રિયા સુધી લઇ જશે. આમ આ નકારાત્મક અવાજને નાથવામાં આવે નહીં, તો એ 'પેથોલોજીકલ ક્રિટીક' તમને ભયની ખીણમાં ફંગોળી દેશે.
વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇને કહ્યું હતું કે આપણા સહુની સમક્ષ સહુથી મોટો પ્રશ્ન એ છે કે આ બ્રહ્માંડ એક મૈત્રી ભર્યું સ્થળ છે કે નહી ? જો તમે માગશો કે આ બ્રહ્માંડમાં વસતા સહુ કોઈ સૌમ્ય અને માયાળુ છે. તો તમને માનસિક રાહતનો અનુભવ થશે અને તમે આશાવાદી બનશો. આશાવાદી માનવી અન્ય વ્યક્તિની નરસી બાજુને બદલે સારી બાજુ જોતો હોય તે ખરાબ પરિસ્થિતિને બદલે એમાંનું જે કંઇ સારું હોય તે એની નજરે ચડતું હોય છે.
અત્યારે તમને એવા પણ લોકો મળતા હશે કે જેમને દુનિયા આખી ખાડે ગયેલી લાગતી હશે.સરકાર, અધિકારી, ડૉક્ટર કે નર્સની કામગીરીની વાત કરશે, તો તેઓ એકાદ બે ઉદાહરણોથી દલીલો સાથે તમારા પર તૂટી પડશે અને બતાવશે કે દેશમાં બધે જ કેવી અંધાધૂંધી પ્રવર્તે છે. તમને એવું લાગશે કે આ અત્યંત દુઃખી વ્યક્તિએ જે વહેલું અને પહેલું પ્લેન મળે તેમાં બેસીને દેશ છોડી દેવાની જરૂર છે.
આશાવાદીએ વિમાનની શોધ કરી અને નિરાશાવાદીએ પેરેશૂટની શોધ કરી. આશાવાદી માને છે કે હું ભલે બધાં કામ કરી શક્તો ન હોઉ, પણ થોડાં કામ તો કરું છું. જ્યારે નિરાશાવાદી માને છે કે બધાં કામ થતા નથી, તો થોડાં કામ કરવાનો અર્થ શો ?
વિદેશમાં આશાવાદી અને નિરાશાવાદી અંગે એક પ્રસિધ્ધ કથા મળે છે. બે જોડીયા ભાઈઓ હતા. એમાં એક આશાવાદી હતો અને બીજો નિરાશાવાદી હતો. આશાવાદી બધે ઉત્સાહથી નિહાળતો હતો, જ્યારે નિરાશાવાદી દુઃખી, મજબૂર અને સાવ નિરાધાર બનીને સઘળું જોતો હતો. જગત આખું દુઃખ, વેદના અને મુશ્કેલીઓના કંટકથી ભરેલું દેખાતુંહતું, બંનેના જન્મદિવસે એમના પિતાએ જુદી જુદી ભેટ આપી અને અલાયદા રૂમમાં રાખ્યા. નિરાશાવાદીને મોંઘી કિંમતનું સરસ મજાનું રમકડું લાવી આપ્યું, જ્યારે આશાવાદીને સરસ બોક્ષમાં ઘોડાની લાદનું ખાતર ભરીને આપ્યું.
બંને ભાઈઓ જુદા જુદા ખંડમાં જન્મદિનની ઉજવણી કરાતા હતા, ત્યારે નિરાશાવાદી બાળકે અત્યંત મોંઘાં રમકડાંની ભેટ જોઈ અને બોલી ઊઠયો કે આ મોટરનો રંગ મને ગમતો નથી. એના પૈડાં સાવ બેડોળ છે. ભલે મારા પિતાએ એ ભેટ આપી હોય, પરંતુ હું એવાઓને પણ જાણું છું કે જેની પાસે આનાથી મોંઘી અને મોટી રમકડાંની મોટર છે.
પિતાએ બીજા ખંડમાં ડોકિયું કર્યું. એમણે જોયું તો બાળકે બોક્ષમાંથી ઘોડાની સૂકાયેલી લાદ હતી. તે વિચારતો હતો કે જ્યાં આટલી બધી લાદ હોય, ત્યાં સરસ મજાની ઘોડી હોવી જોઇએ.
આશાવાદી લાદમાં ઘોડી જુએ છે અને નિરાશાવાદીને મોંઘામાં મોંઘી ચીજ પસંદ નથી.
તાજેતરમાં થયેલા સંશોધનોને આધારે 'ધ લેન્સેટ' મેગેઝીને એક એવું તારણ આપ્યું છેકે એકસરખો અને સરખા પ્રમાણમાં રોગ ધરાવનાર વ્યક્તિઓમાં જે વ્યક્તિએ બાલ્યાવસ્થામાં જીવલેણ રોગોથી મૃત્યુ થશે એવો ભય સેવ્યો હતો તેમનું આયુષ્ય ટૂંકું રહ્યું, છે જ્યારે જેમણે જીવનના પ્રારંભે કોઈ જીવલેણ રોગથી પોતે મરવાના નથી એવી મક્કમતા દાખવી હતી, તેઓ દીર્ઘાયુષી બન્યા.
સંશોધકોને એ સવાલ જાગ્યો કે આ માત્ર ધારણા જ હશે કે એની પાછળ વિજ્ઞાન હશે ? સંશોધન કરતાં એમ જણાયું કે માનવીના મિજાજ સાથે બ્રેઇનના રસાયણોને સંબંધ છે અને રોગપ્રતિકારકકોષો મગજના આ રસાયણ સાથે સંકળાયેલા છે. પ્રયોગોએ એ સિધ્ધ કરી આપ્યું કે જે વ્યક્તિ પરિસ્થિતિ પર અંકુશ રાખીને આશાવાદથી જીવતો હોય, એ એની રોગપ્રતિકારકતાને સતેજ કરે છે જ્યારે નિરાશાવાદી એની પ્રતિકારશક્તિને ઘટાડી દે છે. પિટ્સબર્ગ કેન્સર યુનિવર્સિટીમાં અને યેલ યુનિવર્સિટીમાં કેન્સરના દર્દીઓને દર્દની રાહત માટે કેટલીક ટેકનીક બતાવવામાં આવી. આમાંની એક ટેકનીક તે જીવન પ્રત્યેનો આશાવાદ અને વિધાયક વલણ હતા. સંશોધનોએ દર્શાવ્યું કે આવું વલણ ધરાવનાર વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો હતો.
આજનો સમય એ નિરાશાવાદી અભિગમને ત્યાગવાનો છે. ભગવાન જ્યારે છાપરું ફાડીને આપે, ત્યારે એ છાપરાના રિપેરીંગના ખર્ચ વિશે ચિંતા કરે તેનુ ંનામ નિરાશાવાદી. આવા નિરાશાવાદીને માટે બે રાત વચ્ચે એક દિવસ હોય છે. અને આશાવાદીને માટે બે દિવસ વચ્ચે એક રાત હોય છે. આજની પરિસ્થિતિમાં આશાવાદી બનીને આવેલાં પરિવર્તનો સાથે તાલ મિલાવવાની જરૂર છે. જ્યારે નિરાશાવાદી મનોવૃત્તિ રાખીને પરિવર્તનનો પ્રતિકાર કરનાર પાસેથી જીવન છીનવાઈ જશે. સવાલ છે માત્ર 'એંગલ' બદલવાનો. 'દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' એ ઉક્તિ અનુસાર પરિસ્થિતિ પ્રત્યેનો 'એંગલ' બદલીએ, તો આપણી આજની દુનિયા સાવ બદલાઈ જશે.
ક્ષણનો સાક્ષાત્કાર
ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમા ગ્રંથો સાથે આપણા જીવનનું તાદાત્મ્ય સાધ્યું છે ખરું ? ઉત્તમ ગ્રંથો અને ઉત્કૃષ્ટ આદર્શો માત્ર પુસ્તકનાં પૃષ્ઠો પર રહ્યાં અને જનજીવન એનાથી સાવ અવળે માર્ગે ફંટાઈને ચાલતું રહ્યું તે કેવું ? શ્રીમદ્ ભગવત્ ગીતાનો કર્મવાદ આપણને પ્રાપ્ત થયો, સહુ ફળની આશા છોડીને કર્મ કરે એવો સંદેશ મળ્યો, પરંતુ પ્રજાના જીવનમાં એ કર્મયોગ પ્રગટ થયો ખરો ? સમાજ પાસેથી આપણે ઘણું પામીએ છીએ અને તેથી જ એ ઋણ ચુકવવા માટે દાન એ પ્રત્યેક માણસનું કર્મ બની જાય છે, પરંતુ એવા કર્મયોગને આપણે પ્રાપ્તકર્યો છે ખરો ? પ્રવૃત્તિ કરનાર પુરુષાર્થીને સદાય નસીબ સાથ આપે છે જે પુરુષાર્થ કરે છે, એની પાછળ દૈવ (નસીબ) જ નહીં, કિંતુ દેવ પણ ઊભા રહે છે. આવા પુરુષાર્થની આપણા સમાજમાં પ્રતિષ્ઠા કેમ ન થઈ ? આળસ, વંચના, છેતરપીંડી, શોષણ, એ બધા તરફ જાહેરમાં કેમ ફીટકાર વરસાવવામાં ન આવ્યો ?
'શ્રીમદ્ ભગવદ્ ગીતા'એ વિવાદ નહીં, પણ સંવાદની વાત કરે છે. 'રામાયણ' એ સ્નેહનો મહિમા ગાય છે. 'મહાભારત' એ દ્વેષ અને લોભના અનિષ્ટો બતાવે છે. 'ભાગવત્' એ ઈશ્વરી લીલાનું દર્શન કરાવે છે. પરંતુ રામાયણને પામનાર આ દેશમાં કૌટુબિંક કલહને કારણે કેટલાય પરિવારોનું પ્રપંચ અને દ્વેષથી પતન થયું છે. મહાભારતનો સંદેશ લેવાને બદલે કલહ, કુસંપ અને સ્વાર્થવૃત્તિના મહાભારતો રચ્યાં છે. ભાગવતની ઈશ્વરીય લીલાને સમજવાને બદલે ઈશ્વર પાસે માગણ બનીને માનવી ઊભો રહ્યો છે.
સવાલ એ જાગે કે વેદ અને ઉપનિષદ જેવા ગ્રંથો જે પ્રજા પાસે હોય, એ કેમ ભીરૂ અને સત્ત્વશૂન્ય બની ગઈ છે ? શા માટે સ્વાર્થ, દંભ, મોહ અને અહંકારમાં ઘેરાયેલાં જન હૃદયોને શ્રીકૃષ્ણની વાંસળીના મનમોહક સૂર સંભળાતા નથી ? ગીતાનો પાઠ કેમ અર્જુનના જેવું શૌર્ય પ્રગટાવતો નથી ? આ ગ્રંથો એ માત્ર પઠન-પાઠન કે ગાનના ગ્રંથો નથી, બલ્કે એનું લોકહૃદયમાં ગુંજન થાય, તે જ એની ફલશ્રુતિ છે.
મનઝરૂખો
વર્ષોના સંશોધન બાદ વિજ્ઞાની ડૉ. રુને જ્વલંત સફળતા મળી. ફ્રાન્સની પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સંસ્થા 'પેસ્ટો'માં અનેક પ્રયોગો કરીને ડૉ. રુએ બાળકોના ગળાના રોગ સામે પ્રતિકારક દવા શોધી કાઢી.
આ રોગને પરિણામે ઘણાં બાળકો મૃત્યુ પામતાં હતાં. આથી એની રોગપ્રતિકારક રસી શોધવાનો આ વિજ્ઞાનીએ સંકલ્પ કર્યો હતો, અને તે સિદ્ધ કર્યો.
પોતાની આ શોધને પેટન્ટ બનાવીને ડૉ. રુ અઢળક કમાણી કરી શકે તેમ હતા. જાણીતી કંપનીઓએ પણ આ શોધની પેટન્ટ પોતાને આપવા માટે ડૉ. રુ ને મોટી રકમની ઓફર કરી, પરંતુ બાળકલ્યાણની ભાવના ધરાવતા માનવતાવાદી ડૉ. રુ એ વાતથી પૂરા વાકેફ હતા કે આવી 'પેટન્ટ'ને કારણે દવા મોંઘી કિંમતે બજારમાં મળશે અને ગરીબ લોકોને એ ઉપલબ્ધ થશે નહીં. આથી એમણે મોટી કમાણી છોડીને પોતાની શોધનો લાભ સહુ કોઈને મળે તેવું કર્યું.
ડૉ. રુને એમના આ સંશોધનને પરિણામે સમગ્ર ફ્રાન્સમાં અને ધીરે ધીરે વિશ્વમાં બહોળી ખ્યાતિ મળી. આવી શોધ માટે એમને અભિનંદન પાઠવવામાં આવ્યાં. અને એથીય વિશેષ એમની ઉન્નત ભાવના અંગે સહુ કોઈએ પ્રસન્નતા વ્યક્ત કરી.
એકવાર એમને મળવા માટે આવેલા મહાનુભાવે ડૉ. રુને કહ્યું, ''આપે મહાન સંશોધન કર્યું છે, અનેક બાળકોને જીવન બક્ષ્યું છે, આથી ખુશ થઈને હું તમને મોટી રકમ ભેટરૂપે આપવા લાવ્યો છું. આ રકમ એટલી મોટી છે કે તમારે જિંદગીમાં ક્યારેય નાણાંભીડ અનુભવવી નહીં પડે. આપ એનો સ્વીકાર કરો.''
ડૉ. રુએ એનો સ્વીકાર કર્યો, પણ સાથે સાથે કહ્યું, ''જુઓ, આ સંશોધન હું કરી શક્યો, કારણ કે 'પેસ્ટો' સંસ્થાએ મને સઘળી સગવડ કરી આપી. બીજા વિજ્ઞાનીઓને પણ આવી અનુકૂળતા સાંપડે, તે માટે આ સઘળી રકમ હું 'પેસ્ટો'ને આપી દઈશ.''
નિસ્પૃહ ડૉ. રુએ બધી રકમ 'પેસ્ટો'ને આપી દીધી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dWHint
ConversionConversion EmoticonEmoticon