આણંદ, તા.22 મે 2020, શુક્રવાર
હાલ લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે આણંદ શહેર સહિત જિલ્લાભરના નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં કેટલીક છુટછાટો સાથે બજારો ધમધમતા થયા છે. જો કે જાહેરનામામાં શોપીંગ સેન્ટરો સહિત બજારમાં આવેલ દુકાનો માટે ઓડ-ઈવન મુજબ દુકાનો ખુલ્લી રાખવા તેમજ જીવન જરૃરી આવશ્યક ચીજવસ્તુઓ માટે દરરોજ દુકાન ખુલ્લી રાખવાના આદેશો કરાયા છે.
સાથે સાથે સરકારી ગાઈડલાઈન મુજબ શોપીંગ મોલ્સ ફરજીયાતપણે બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો હોવા છતાં આણંદ શહેરમાં આવેલ ડી-માર્ટ અને બીગબજાર શોપીંગ મોલ્સની વ્યાખ્યામાં ન આવતા હોવાની માહિતી સાથે ખુલ્લા કરતા આશ્ચર્યની લાગણી સાથે નાગરિકો પણ ખરીદી અર્થે ઉમટી પડયા હતા.
કોરોના વાયરસની મહામારી સામેની લડતમાં લોકડાઉનના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં વિવિધ વેપાર-ધંધાને છુટ આપવામાં આવી છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના કન્ટેઈન્ટમેન્ટ ઝોન વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારોમાં વિવિધ ધંધા-રોજગાર પુનઃ શરૃ થયા છે. જો કે સરકારી ગાઈડલાઈન મુજબ આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગત તા.૧૯ મેના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં શોપીંગ મોલ્સ જાહેર જનતા માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં આણંદ શહેર સ્થિત બીગ બજાર તેમજ વિદ્યાનગરની ભાઈકાકા ચોકડી નજીક આવેલ ડી-માર્ટ પુનઃ કાર્યરત થતા જાગૃતોમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ છે. આજે સવારના સુમારે વિદ્યાનગર સ્થિત ડી-માર્ટ ખાતે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી અને એક પછી એક ગ્રાહકોને ખરીદી અર્થે ડી-માર્ટમાં એન્ટ્રી આપવામાં આવી હતી. બીજી તરફ વિદ્યાનગર રોડ ઉપર આવેલ બીગબજારમાં પણ ગ્રાહકો ખરીદી અર્થે ઉમટી પડયા હતા. જો કે આ બંને શોપીંગ મોલ્સ ખાતે સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે ગ્રાહકોને અંદર જવા દેવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. નવાઈની વાત તો એ છે કે સરકારી ગાઈડલાઈન પ્રમાણે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શોપીંગ મોલ્સને બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા હોવા છતાં આણંદ શહેરના આ બંને શોપીંગ મોલ્સ અચાનક શરૃ કરાતા આ બાબતે વહીવટી તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. એક તરફ જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવતા જાગૃતોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zfm3i2
ConversionConversion EmoticonEmoticon