ખંભાત શહેરમાં ફરસાણની દુકાનોમાં અખાદ્ય જથ્થાનો તંત્રએ નાશ કર્યો


આણંદ, તા. 4 મે 2020, સોમવાર

સમગ્ર ભારત દેશમાં એક માસ ઉપરાંતના સમયગાળાથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘણાં લાંબા સમયથી ફરસાણની દુકાનો બંધ રહેતા દુકાનોમાં સ્ટોક કરાયેલ વિવિધ ફરસાણની વાનગીઓ તથા મિઠાઈઓનો નાશ કરવા આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. જે અંતર્ગત જિલ્લાના ખંભાત ખાતે આવેલ વિવિધ ફરસાણની દુકાનોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. આણંદ જિલ્લામાં આવેલ તમામ નગરપાલિકાને પોતપોતાના વિસ્તારની ફરસાણની દુકાનોમાં રહેલ અખાદ્ય વાનગીઓનો નાશ કરવાના આદેશ કરાયા છે.

લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થતા હવે આગામી તા.૧૭ મે સુધી લોકડાઉન લંબાવાયું છે ત્યારે લોકડાઉનને પગલે આણંદ જિલ્લામાં આવેલ તમામ ફરસાણની દુકાનો છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી બંધ છે. જો કે આ દુકાનોમાં છેલ્લા ઘણાં દિવસોથી સ્ટોક કરાયેલ ફરસાણની વિવિધ વાનગીઓ તેમજ મિઠાઈનો જથ્થો જાહેર આરોગ્ય માટે જોખમી હોય આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાં રહેલ ફરસાણની વાનગીઓ તેમજ મિઠાઈનો નાશ કરવાના આદેશ કરાયા છે.

 જે અંતર્ગત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નવાબી નગર ખંભાત ખાતે આવેલ વિવિધ ફરસાણની દુકાનોમાં રેડ પાડી ૪૦થી વધુ દુકાનો ખાતે સઘન તપાસ હાથ ધરી ફરસાણની વાનગીઓ, મિઠાઈ તથા શ્રીખંડનો અખાદ્ય જથ્થો ઝડપી પાડી નાશ કરવામાં આવ્યો છે. આશરે ૩ હજાર કિલોથી વધુ મિઠાઈ તેમજ શ્રીખંડના જથ્થાનો ખંભાતના રાધારી ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

લોકડાઉનના સમયગાળા દરમ્યાન કે લોકડાઉન બાદ કોઈક વેપારી દ્વારા અખાદ્ય જથ્થાનું વેચાણ ન થાય અને જાહેર આરોગ્ય જળવાય તે હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ જિલ્લામાં આવેલ તમામ ફરસાણની દુકાનો ખાતેથી અખાદ્ય જથ્થાનો નાશ કરવાના આદેશ કરાયા છે ત્યારે હવે જિલ્લાની અન્ય નગરપાલિકા ખાતે પણ આ કામગીરી તેજ બનાવવામાં આવશે.

 ઉલ્લેખનીય છે કે જિલ્લાના ખંભાત બાદ ઉમરેઠમાં પણ કોરોનાના અનેક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા થોડા દિવસો પૂર્વે ખંભાત નગરપાલિકા દ્વારા ઉમરેઠ નગરમાં સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી ઉમરેઠ નગરમાં આવેલ વિવિધ ફરસાણની દુકાનો ખાતેથી અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fm7xVB
Previous
Next Post »