લોકઆઉટમાં ટાઇમપાસ- મોબાઇલલાપ


જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

લોકડાઉન'ના સકંજા પહેલાં ઘર સંસાર એકંદરે સલુણો રહેતો. પતિ નોકરી પર જાય એટલે છ સાત કલાક પત્નીને મોટી રીશેષ. આછું પાતળું કામ કરવું હોય તો કરે, આરામ કરે કે કોઇ લાગમાં આવી જાય તો કલાકો વાર્તાલાપમાં ખાટી મીઠી વાતોમાં પસાર થઇ જાય

કોરોનાના તાંડવના સમાચારથી ચેનલો ભરપૂર રહે છે. જરાક કુતૂહલથી અને વધારે ચિંતાથી કોરોનાનો કેર કેટલો વધ્યો છે તે જાણવા ટી.વી. શરૂ કરીએ તો સહુ પ્રથમ મોટા અક્ષરોમાં 'ઘેર રહો, સુરક્ષિત રહો' જ નજર પકડી લે છે.

આપણી પૂર્વજોની પેઢીઓની પરંપરા હતી કે સહુ ભેગા રહો- સાથે રહો. હળીમળીને રહો.

એ પરંપરા અચાનક જ બદલાઇ ગઇ. કોરોના દૈત્યના આક્રમણને કારણે. પરંપરામાં અચાનક વિપરીત પ્રવાહ શરૂ થયો. - નવી પરંપરા આવી - 'છૂટા છૂટા રહો. એકબીજાથી બે ત્રણ મીટર દૂર રહો - બે વ્યક્તિઓ વચ્ચે અંતર જાળવો. સત્સંગ કરનારા સાથે ના બેસશો. એકબીજાથી દૂરી જ સારી. દૈત્યથી બચવા માટે એ જ ઉપાય.'

સરકારે કોરોનાના આક્રમણને પ્રસરતુ રોકવા પ્રજાને એક જ સૂત્ર ઘેર રહો, સુરક્ષિત રહો. પણ લોકઆઉટમાં લાંબા લાંબા નીરસ દિવસો ક્યાં સુધી ને ક્યાં સુધી?

અભ્યાસ ક્રમમાં તો ગાઇડો મળતી હતી એને સહારે પરીક્ષામાં તરી જવાતું હતું. પણ લોકડાઉનમાં શું? સરકાર તરફથી પણ ગાઇડલાઇન બહાર પડતી રહે છે. 'લોકઆઉટ'માં ઘેર રહો, સુરક્ષિત રહો. જાતજાતની મનગમતી પ્રવૃત્તિ કરો. પત્ની સાથે (દૂરી જાળવીને) ગોષ્ઠિ કરો. બાળકોને રમાડો, વાર્તા કહો. ટી.વી.માં સારી સીરિયલો જુઓ.

ગાઇડલાઇન પહેલી નજરે તો સારી લાગે છે કે એમ કરતાં દિવસ પસાર થઇ જશે. નિવૃત્તિ સાથે મનમાની પ્રવૃત્તિનો લાભ મળશે.

પણ આ બધું 'દિવા સ્વપ્ન' બની ગયું.

'લોકડાઉન'ના સકંજા પહેલાં ઘર સંસાર એકંદરે સલુણો રહેતો. પતિ નોકરી પર જાય એટલે છ સાત કલાક પત્નીને મોટી રીશેષ. આછું પાતળું કામ કરવું હોય તો કરે, આરામ કરે કે કોઇ લાગમાં આવી જાય તો કલાકો વાર્તાલાપમાં ખાટી મીઠી વાતોમાં પસાર થઇ જાય.

પતિને પણ (કદાચ) છ આઠ કલાક પત્નિથી છુટકારો મેળવી, ઓફિસમાં મિત્રો સાથે મિલઝુલમાં, સાથે ચા પીવામાં તાજગી આવી જાય.

સાંજે કુટુંબ સાથે સહવાસનો આનંદ મળે. પણ આ બધી કલ્પનાઓ લોક ડાઉનના લાંબા ઉનાળાના દિવસો જેવા વીતે કેમ?

ગાઇડલાઇનો કશી કામ આવતી નથી. બાળકોને રમાડવા- (ક્યારેય હોય તો ને?) અને એમના ઝઘડા- ઘાંટાઘાંટ રોદણાં મગજમાં ભૂસાની જેમ ભરવા... આ બધું દિવસો વીતતા દિલ દિમાગને 'ચકભમ' કરી નાખવા માંડયું. પણ હાશ! ગાઇડ લાઇનમાંથી જે ના મળ્યું - બાળકોને રમાડવાનું , પત્નીને વાતોથી ખુશ રાખવાનું - એને બદલે મોબાઇલ મિત્ર બનીને મદદમાં આવ્યો. ટી.વી.માં મોકાણના રોજેરોજ સમાચાર જોઇને કે ઘરમાં રોજેરોજનો એકનો એક રૂટીન જોઇને મગજને જરા ફ્રેશ કરવા માટે મોબાઇલ જેવું રમકડું કોઇ ના મળે. હવે તો કુટુંબોમાં મોટે ભાગે દરેકની પાસે જાતજાતના મોબાઇલ હોય છે. મોબાઇલનું વળગણ હવે છેક નાનપણ સુધી પહોંચી ગયું છે. અમારી ત્રણ વરસની બેબી પણ ક્યાંક દૂર મુકાયેલો મોબાઇલ રણકે એટલે સહુથી પહેલી એ દોડીને મોબાઇલ એના નાજુક હાથમાં પકડી 'હલો, હલો કરી લે અને પછી 'પપ્પા, તમારો ફોન છે.' એમ કહી મોબાઇલ આપે.

ચારચાર પાંચ પાંચ વરસનાં ગટુડિયાંય હવે તો મોબાઇલ સાથે અળવીતરા કરતાં મોબાઇલનો ઉપયોગ શીખી ગયા છે.

સરકારી ગાઇડ લાઇનમાં ભલે અનેક રમતો સાથે મોબાઇલની વાત ના કરી, પણ ઘરમાં નજરકેદ થયેલા, નીરસ કલાકોમાં મોબાઇલ જેવું 'ટાઇમ પાસ' માટે એકેય રમકડું નથી.

મિત્રોને, સંબંધીઓને મોબાઇલ પર મળવામાં સહેજે નીરસ ટાઇમ રસપ્રદ બની રહે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XfNFv7
Previous
Next Post »