અમારી છવ્વીસ વરસની છોડીને કોઇ સમજાવો કે સારો છોકરો જોઇને હા પાડે!!

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

 'મથુરાને બોલાવો!' મથુરા આવી એમના મુખ પાસે કાન લઇ ગઇ. ને યાત્રા દેવીએ બેચાર વાક્યો ત્રુટક ત્રુટક સ્વરે કહ્યાં ! ને એ પછી એકાદ કલાકમાં તો યાત્રાદેવી વોઝ નો મોર! 

'ના! ના! ને ના!!'

કોઇ એને સમજાવો કે આ 'ના, ના ને ના' શું લઇને બેઠી છે? કોકને તો હા પાડ. આખી નાતમાં પુછાતા અને પંકાતા માધવ મુખીનો છોકરો બતાવ્યો તો ય કહે છે: ના! કોઇ એને સમજાવો કે છવ્વીસ તો પૂરાં થયાં, આમ 'ના-ના' કરીશ તો બેચાર વરસ પછી 'વાંઢી'માં ખપી જઇશ- ને સારો મુરતિયો નહીં મળે! કોઇ એને સમજાવો કે લોકો પછી તારામાં જ દોષ શોધશે: 'કાંક ખામી હશે એટલે તો લબડી પડી હશે ને?' કોક એને પૂછી જૂઓ કે તારે કેવો ચાંદ ચોંડેલો છોકરો જોઇએ છે? બસ, 'ના-ના'ની રટણ લગાવતાં જ આવડે છે? બાપનું કહ્યું ન માને તો તારી માનું કહ્યું તો માન!'

- બોલી રહ્યા છે કચરાલાલ શેઠ! એકની એક દીકરી છે, મથુરા! લાડકોડમાં ઉછરી છે! પાર્વતીમાનો સ્વભાવ એવો કે લાડલી દીકરી પાણી માગે તો દૂધ હાજર કરી દે' લે બેટી, આટલું પી જા! પાણીમાં શું પીવું? દૂધ પીશ તો શરીરમાં અમી રહેશે!'

એ કહે છે, એ થાય છે.

લાડલી દીકરી છે મા-બાપની!

એ કહે એ વાનગીનાં તપેલાં ચૂલા માથે ચઢે! એ કહે તે જ થાય!

કોલેજનું પ્રથમ વરસ કરીને એણે ભણતરનાં બારણા બંધ કરી દીધાં છે. 'નથી ભણવું આગળ! પ્રોફેસર લબાડ છે! આખો પીરીઅડ મારી સામે જ જોઇ રહે છે! ભણાવનારા આવા લંપટલાલ હોય તો મારે નથી ભણવું!'

હે ભણતર! તને સો સો સલામ!

હે કોલેજ, હવે આપણો સંબંધ પૂરો થયો!

હે લંપટ ભણાવનારાઓ, તમારી લબાડવેડા તમને મુબારક!

આગળ ભણવું નથી મારે!

ડિગ્રીનું સમણું છૂટી ગયું છે!

મથુરા હવે નવરી બની ગઇ છે..મથુરા રૂપવંતીની છે. મથુરા રૂપની બાબતમાં લાખોમાં એક છે. ગોરો વર્ણ છે. ગુલાબી કાયા છે. નમણાં નેણ છે.એને જુઓ તો પરીન ેભૂલી જાવ! એના પર નજર માંડો તો અપ્સરાઓને 'ઉપવાસ આંદોલન' કરવાનો વારો આવે! સૌની નજર એના પર છે! નાતના જુવાનિયા ઝંખે છે એને: 'જો આ રાણી રૂપમતી મારી થઇ જાય તો.. તો તો જીવનમાં સુખનો દરિયો ઉછાળા મારે!' સોસાયટીના યુવાનો તો એનાં જ સપનાં જુએ છે: 'મિલે સૂર હમારા- તુમારા! ફિર હો જાય સ્વર્ગ હમારા!'

'શું કરે છે 'લ્યા?'

'રાહ જોઉં છું.'

'કોની?'

'કોની તે કરો કલ્પના..'

'તું જ કહી દેને!'

'જે એક અને અનન્ય છે તેની! જે આ શહેરનો ડાયમંડનો દાગીનો છે એની! જે કામ દેવની રતિને ય રતલામી સેવ જેવી કરી નાખે છે એની! આ સોસાયટીના યુવાનો જેને 'સ્વપ્ન પરી' કહે છે એની!'

'એટલે?'

'હજી ન સમજયો, દોસ્ત?

'ના!'

'સમજાવું?'

'કવિતા કર્યા વિના સમજાવ કે કોની જુએ છે કે તું રાહ?'

'હું એની જોઉં છું રાહ, જેના માટે મને છે ચાહ!'

'શાયરી છોડ.'

'અલ્યા, આપણી સોસાયટીમાં કવિની કવિતા બને એવું કોણ છે? શાયરની શાયરી બને એવું કોણ છે? સ્વર્ગની અપ્સરાને ય અમથુડી બનાવી દે એવું કોણ છે? યુવાનોના સપનામાં આવીને સતાવે એવું કોણ છે?

'કોણ છે?'

'મથુરા'

'વાહ, મથુરાએ તો તને કવિ બનાવી દીધો!!'

જ્યાં જાવ ત્યાં એક જ ચર્ચા. મથુરાની! એના રૂપની! એની અદાની! એના નેણમાંથી નીકળેલી તીર જેવી નજરની!

ને મથુરા છે ય એવી

જોતા જ કાચોપોચો જુવાનિયો તો ગુલાંટ ખાઇ જાય એવી! એ આવે ને બજારમાં 'આવી, આવી'ની બૂમો પડે એવી!

પણ મથુરા?

મથુરા તો મથુરા જ છે!

જાય છે, પણ નીચું ઘાલીને!

જાણે રસ્તાનું માપ લે છે!

બોલતી નથી, હસતી નથી, કોઇની સામે જોતી નથી! ને સોસાયટીના જુવાનિયા ફળફળતા નિસાસા નાખે છે: 'અરેરે, રૂપમતીજી , અમારા પર તો નજર નાખો!'

ના!

નજર નંખાતી નથી!

નત મસ્તકે જાય છે મથુરા!

જોડેની સોસાયટી તરફ વળી જાય છે. એક બંગલાના દરવાજામાં દાખલ થાય છે. પછી પગથિયાં ચઢી જાય છે: ઉપર જાય છે! અગાશીમાં હીંચકો છે! હીંચકા પર બેઠા છે પિસ્તાલીસેક વર્ષના એક સજ્જન! મથુરાને જોતાં જ તે બોલી ઉઠે છે: 'આવી તું? હું તારી જ રાહ જોતો હતો, મથુરા!'

નામ એમનું સાગરચંદ્ર છે. પિસ્તાલીસ વરસેય અડીખમ છે સાગરચંદ્ર! 'પત્ની નથી. વિધુર છે' એક માસ પહેલાં પત્નીનું અવસાન થઇ ગયું છે. નામ હતું એનું યાત્રા દેવી! રૂપાળાં હતા યાત્રા દેવી! રૂપની બાબતમાં ધનાઢ્ય હતાં યાત્રાદેવી! હા, ધનના ધનવાન તો તેઓ હતાં જ, પણ સુંદરતાની સંપત્તિ પણ અપરંપાર હતી! સાગરચંદ્ર ને ત્યાં રૂપિયાનો શ્રાવણ વરસે છે.. ધોધમાર પણ વરસે છે! કરોડોનું બેન્ક બેલેન્સ છે. બે દુકાનો છે સોના-ચાંદીની! એમના માણસો ચલાવે છે દુકાનો! રોજ લાખોની લેતી દેતી થાય છે!

રૂપિયો વરસે છે.

લક્ષ્મી રીઝી ગઇ છે એમના પર! ક્યારેક દુકાનો પર જાય છે. બેસે છે સાગરચંદ્ર! અને નોટોના થેલા ભરીને પાછા આવે છે... પછી હિંચકે બેસે છે. બેય જણાં જોડાજોડ બેસે છે! સાગરચંદ્ર અને યાત્રા દેવી!

ત્યાં જ મથુરા આવે છે.

'આવ મથુરા! બેય જણાં તેને આવકારે છે. મથુરા બેયની વચ્ચે બેસી જાય છે. ને ઝુલો ઝુલે છે. હીંચકો હાલે છે!

યાત્રાદેવી પ્રેમાળ છે. મથુરા પર અસીમ સ્નેહ વરસાવે છે. નાસ્તો કરાવે છે. જમાડે છે. 'તને શું ભાવે?' કહીને યાત્રાદેવી મથુરાને ભાવતી વાનગીઓ બનાવે છે. 

ત્રણે ય જણ ભાવતાં ભોજનિયા જમે છે.!

પણ અચાનક એક દિવસે યાત્રાદેવી ને દુ:ખાવો શરૂ થઇ ગયો. હોસ્પિટલમાં બતાવ્યું. જાત જાતના ટેસ્ટ કરાવ્યા. ને ડોકટરે નિદાન કર્યું. 'યાત્રા બહેનને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે.!' ફફડી ઊઠયા સાગરચંદ્ર! ફફડી ઊઠી મથુરા! 

બંનેના મુખમાંથી એક જ શભ્દ સરી પડયો: 'હેં?' સારવાર ચાલી. 'ડોકટરે કહ્યું : નો હોપ!' રીપોર્ટ તપાસાયા. ડોકટરે કહ્યું 'નો હોપ!'

નો હોપ!

બચવાના ચાન્સ ઓછા છે.

ને એ દિવસે યાત્રાદેવીએ સાગરચંદ્રને કહ્યું : 'મથુરાને બોલાવો!' મથુરા આવી એમના મુખ પાસે કાન લઇ ગઇ. ને યાત્રા દેવીએ બેચાર વાક્યો ત્રુટક ત્રુટક સ્વરે કહ્યાં ! ને એ પછી એકાદ કલાકમાં તો યાત્રાદેવી વોઝ નો મોર! શી વોઝ એક્સપાયર્ડ! પ્રાણ ચાલ્યા ગયા, પડછાયો રહી ગયો! દેહનું પિંજર પડી રહ્યું. શ્વાસના ઘોડા છુટી ગયા. અંતિમક્રિયા પછી ઘરમાં બેસીને રડી રહેલા સાગરચંદ્રના માથે હાથ ફેરવીને મથુરા બોલી: 'ન રડશો, સાગર! ભલે એ નથી, પણ હું બેઠી છું ને?' ને એણે સાગરચંદ્રના ગળે હાથ વીંટાવી દીધા!

- ત્યારે આખી ય સોસાયટીમાં આશ્ચર્ય અને આઘાતનું મોજું ફરી વળ્યું હતુ. 'અરેરે, આ સત્તાવીસ વરસની જુવાન છોડીને આ શું સૂઝ્યું? શોધી શોધીને પચાસે પહોંચવા આવેલા વિધુરનું ઘર માંડયું ?! ને મા-બાપ પણ આઘાત પામી ગયા હતાં : 'આ તેં શું કર્યું દિકરી?'

- પણ મથુરાનો તો એક જ જવાબ હતો: 'મેં મરતાં યાત્રાદેવીને વચન આપ્યું છે. અમે પતિ-પત્ની જરૂર બન્યા છીએ, પણ દૈહિક સંબંધોને દેશવટો આપીને!




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WLqwls
Previous
Next Post »