કરમસદની બળદેવિયા ચોકડી પાસે કારમાંથી દારૂનો જથ્થો પકડાયો


આણંદ,તા. 21 મે 2020, ગુરુવાર

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે વિદેશી દારૂની માંગમાં વધારો થતા તગડો નફો રળવા માટે કેટલાક શખ્શો ખાનગી રાહે વિદેશી દારૂનો વેપલો કરતા હોઈ વિદ્યાનગર પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે કરમસદ ગામની બળદેવીયા ચોકડી નજીકથી એક ઈક્કો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થતા બે શખ્શોને રંગેહાથ ઝડપી પાડયા હતા. 

પોલીસે એક ઈક્કો કાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ્લે રૂા.૩.૨૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ વિદ્યાનગર પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન એક સફેદ કલરની મારૂતી ઈક્કો કાર વિદેશી દારૂ ભરીને વિદ્યાનગર જીઆઈડીસીથી રેલ્વે સ્ટેશન રોડ થઈ કરમસદ રોડ ઉપર આવનાર હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે પોલીસની ટીમ કરમસદ ગામે બળીયાદેવ ચોકડી નજીક ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

દરમ્યાન બાતમીદારના વર્ણનવાળી ઈક્કો કાર ઘટના સ્થળે આવી ચઢતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ચાલકના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે નિકેતભાઈ રાજેશભાઈ પટેલ (રહે.કરમસદ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઈક્કો કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની ૩૬ નંગ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે નિકેતભાઈ પટેલની વધુ પુછપરછ કરતા અન્ય મુદ્દામાલ વિશે તેણે વિદ્યાનગર જીઆઈડીસીની કૈલાસપતિ ચોકડી પાસે આવેલ આર.એસ.એગ્રેસીવ એન્જીનીયરીંગના પ્રોડક્શન રૂમમાં મુકેલ હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે ઉક્ત જગ્યાએ પહોંચતા અન્ય એક શખ્શ મળી આવ્યો હતો. જેના નામ-ઠામ અંગે પુછતાં તે વિક્રમકુમાર મોતીલાલ પટેલ (રહે.મોગરી) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે બંને વ્યક્તિઓને સાથે રાખી પ્રોડક્શન રૂમમાં તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની વધુ ૭૨ નંગ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે એક ઈક્કો કાર, એક મોબાઈલ તથા વિદેશી દારૂનો જથ્થો મળી કુલ્લે રૂા.૩,૨૫,૪૭૨નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓની પ્રોહીબીશન એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ebVwky
Previous
Next Post »