અનાવૃત - જય વસાવડા
નોટબંધી બાદ ઘણા નાના વેપારી બરબાદ હતા. જીએસટી માંડ થાળે પડયું. અત્યારે આપણો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ લોએસ્ટ છે. ઓર્ડરમાં ઘટાડાનો વર્લ્ડ રેકોર્ડ છે. કોવિડ પહેલા ય અર્થતંત્ર માંદુ જ હતું
નોટબંધી બાદ ઘણા નાના વેપારી બરબાદ હતા. જીએસટી માંડ થાળે પડયું. અત્યારે આપણો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ લોએસ્ટ છે. ઓર્ડરમાં ઘટાડાનો વર્લ્ડ રેકોર્ડ છે. કોવિડ પહેલા ય અર્થતંત્ર માંદુ જ હતું
જેમી લોઇડ સ્મિથ.
નામ સાંભળ્યું છે ? સાંભળવું જોઇએ. અત્યારે ખતરનાક બનેલા 'સાર્સ સીઓવીટુ' યાને નોવેલ કોરોના વાઇરસ કઇ સપાટી પર કેટલો સમય ટકી રહે છે, એના દુનિયાભરમાં થયેલા એકમાત્ર અધિકૃત વૈજ્ઞાનિક સર્વેક્ષણમાં એ સાયન્ટીસ્ટ તરીકે હાજર હતા. ગત 26 એપ્રિલે એમણે સીએનએનને ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. એ વખતે દાયકાઓથી તમામ પ્રકારના કોરોના વાઇરસ પર રિસર્ચ કરનારા જોન વિલિયમ્સ પણ જોડાયા હતા.
એ બેઉ તજજ્ઞોનું તારણ એવું હતું કે, લેબોરેટરીમાં તો બંધબારણે કૃત્રિમ સ્થિતિ ઉભી કરીને વાઇરસ કેટલા કલાક ટકી રહે કે કેટલો સમય કઇ સપાટી પર રહે એ જાણવામાં આવે. પણ વાસ્તવિક સ્થિતિ કુદરીત વાતાવરણમાં અલગ હોય. ખાસ તો સૂર્યપ્રકાશ અને ભેજની અને વાઇરસની સંખ્યા તથા પ્રમાણની. ટૂંકમાં, સ્ટીમ્યુલેટર પર કોમ્પ્યુટરમાં કાર ચલાવવી અને ટ્રાફિકમાં કાર ચલાવવી, એ બેઉ વચ્ચે હાથીઘોડાનો ફરક છે, એમ જ.
આ બેઉ એક્સપર્ટસ સાથે ફૂડ સેફ્ટીનો બહોળો અનુભવ ધરાવતા બેન્જામીન ચેઉમેન ભળ્યા. મંથન બાદ કામનું માખણ એ જ નીકળ્યું કે 'કોરોના કઇ સપાટી પર કેટલો ટકે, એનો હાલ કોઈ સાયન્ટફિક મેજીક નંબર નથી. જે છે, એ માત્ર અનુમાનો છે. એ ય આદર્શ સ્થિતિના. એક્ચ્યુઅલ વાતાવરણ તો પ્રદેશે-પ્રદેશે જૂદું હોય, એમાં કશું ફાઈનલ કન્ક્લુઝન લાગુ ન પડે. ગરમી, ઠંડી, ભેજ સાચુકલાં કેવી અસર કરે, એ જોવું પડે. હા, કોરોના ગરમીને લીધે જતો રહેશે,એ નર્યા ગપ્પા સાબિત થયા. પણ હેન્ડલ પર કે બોક્સ પર ઉનાળુ ગરમીની શું અસર એના ટકવા પર છે, એ બાબતે કશું કહી શકાતું નથી.એવરેજ કાઢો તો કાર્ડબોર્ડ, સ્ટીલ, પ્લાસ્ટિક વગેરે પર આઠેક કલાકથી વધુ ટકે નહિ. મતલબ કોઈ પાર્સલ આવે, તો શક્ય હોય તો એક દિવસ એમ જ ખુલ્લી હવા-તડકો મળે એમ મૂકી રાખવું, ને લઇને હાથ ધોઈ લેવા સાબુથી.'
ડરી ગયેલા લોકો તો ગુલાબની પાંદડી અને શાકથી ય થથરી ગયા છે. પણ કોરોના એ વેંચવાવાળાઓના સંપર્કથી થાય, એ ચીજોમાં વનસ્પતિ-ફૂલો-ફળોમાં અંદર હોય ને સ્પર્શ કે ભક્ષણથી લાગુ પડે, એ વાતમાં ખાસ દમ નથી. પેટના એસિડ તો એને ચાવી ખાય. એ વિવિધ અંગોમાં નાક-માંથી લોહીમાં ભળી આંતરિક રીતે પહોંચે, પણ સીધી અન્નનળીથી યાત્રા ન કરે. ન સેકસ્યુઅલી ટ્રાન્સમિટ થાય. વધુ સંશોધનો થતાં સમય નીકળી જશે. પણ અત્યારે કંઇ કાયમ શાક-દૂધ-ફળો-ફૂલો વિના તો એમ જ જીવન પતી જાય, ઇમ્યુનિટી ઘટી જાય.
માટે સાદો ઉપચાર આ એક્સપર્ટસ કહે છે, જૂનો ને જાણીતો. ઉકાળો કે ફ્રિજમાં મૂકો. પણ ખાવાની બધી જ ચીજો હૂંફાળા પાણી-વોર્મ વોટર જે નળમાંથી વહેતું હોય (તપેલીમાં જ પલાળવા એમ નહિ) એમ રેડીને બરાબર ધોઈ નાખો. કોઈ સાબુ, બ્લીચ, વિનેગર વોટ્સએપિયા ગપ્પા કહે છે એવા નહિ વાપરવાના. સિર્ફ બહેતા હુઆ ગુનગુના પાની. ઠંડી રાખવી/કરવી પડે એવી ચીજો હોય તો એના કન્ટેનર. એ ધોતા/અડતા પહેલા અને પછી સાબુથી આપણે હાથ ધોવા ફરજીયાત. ખાવા-પીવામાં આટલી તકેદારી બાદ વધુ ડર્યા કરવાની જરૂર નથી.
આપણી વર્ષોની આદતો રાતોરાત બદલી જાય એ અતિશય કઠિન પડકાર છે. કાયમ દરેક સ્પર્શ વખતે સેનિટાઇઝર, દૂરી વગેરે મેન્ટલ પ્રોગ્રામમાં યાદ પણ ન રહે. અવનવી દવાઓના રિસર્ચને સંશોધનો સમાચારમાં આવે છે, દાવાઓ થાય છે. પણ મફત વૈજ્ઞાનિક દવા તો એસ.એમ.એસ. છે. ના, પ્રાચીનકાળમાં લોકો સ્નાન કરતાં બહારથી આવીને ટાઈપના મિથ્યાભિમાની મેસેજીઝ નહિ. એવા સ્નાનમાં વિઝીબલ મેલ-ધૂળ જાય, અદ્રશ્ય માઈક્રોબ્સનો સાબુ ત્યારે નહોતો. ફટકડી ઇજીપ્તથી શરૂ થઇ જગત આખામાં પાણી શુધ્ધ કરવા વપરાતી, પણ એમાં ય માઇક્રોબ્સ ફિલ્ટરેશન ન થાય.
આ એસ.એમ.એસ. એટલે તો સોપ, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ. સાબુથી આગળ, પાછળ આંગળાની જગ્યાઓ સહિત 20 સેકન્ડ સાબુ રહે, એ પછી હાથ ધોવા કે પછી મિનિમમ 60-70%થી વધુ આલ્કોહોલ કન્ટેન્ટ હોય (પીવાનો આલ્કોહોલ જુદો, સેનિટાઇઝરનો કેમિકલી જુદો. પીવાનો નથી.) એવાજ સ્ટાન્ડર્ડ સેનિટાઇઝરથી હાથ ચોખ્ખા રાખવા. બહાર જાવ ત્યારે ભીડ, ગંદકી, બંધ એસી ચેમ્બર જેવી જગ્યાએ માસ્ક પહેરી રાખવા જેથી હાથ આસપાસ નાક-મોં ને અડે નહિ. મેડિકલ માસ્ક ન મળે તો ચોખ્ખા કોટનના કપડા બેવડાં ચોવડાં કરી બુકાનીની જેમ બાંધવા. ગ્લવ્ઝ જ્યાં જરૂર હોય ત્યાં વાપરવા. ઇન્ડસ્ટ્રી, ફુડ આઈટમમાં, કુરિયર ડિલિવરીમાં તો ખાસ. ને સોશ્યલ ડિસ્ટન્સિંગ. કારણ વગર સ્વૈચ્છિક રીતે જ બહુ બહાર જવાનું, ભીડ કરવાનું, હળવામળવાનું ટાળવું. સ્ટીવ જોબ્સ પછીના ભેજાંબાજ ઇન્વેન્ટર ઇલત મસ્કે પણ આ જ કહ્યું છે. કોરોનાથી ડર્યા વિના જીવવું.
ગત રવિવારના લેખના અનુસંધાનમાં આ લખાય છે, ત્યારે વડાપ્રધાનનું નવું રાષ્ટ્રજોગ સંબોધન બાકી છે. પણ વાસ્તવિક્તા બરાબર સમજી લૉ. મજબૂરી ગમે તેવી હોય, રેલ્વેના પાટા પર સૂઈ જઇએ તો જીવ આપણો જ જવાનો છે - એમ, નિયમ હવે સ્વયંશિસ્તથી જાતને કેળવીને પાળતા શીખવાનું છે. સરકારનું કામ સહાય, સુવિધાનું. પણ રોજબરોજનું સીસીટીવી એના રિમોટથી આવે, એવી ઇમરજન્સી તો લોકશાહીને વાઇરસ લગાડી દે. માટે, જ્ઞાનના તેજથી અજ્ઞાનના રોગને ઉલેચવો.
જેમ કે, વાઇરલ ઇન્ફેકશન બાબતે જાણકારી મેળવવી. કોરોના હજારેક વાઇરસ એક સાથે વળગે ત્યારે ચેપ લગાડી શકે. વાઇરસ જૂથમાં હોય, ડ્રોપલેટ્સ સૂક્ષ્મ જળબિંદુઓથી ફેલાય હવામાં. પબ્લિક ટોયલેટ ફ્લશ 8000 ડ્રોપલેટ્સ રિલીઝ કરે. વાઇરસ નહિ તો વાઇરલ 'આરએનએ' એમાં હોય. માટે પબ્લિક ટોયલેટસ એકદમ ચોખ્ખાં ચણાક રાખવા. (જે ભારતમાં આમ પણ બિલકુલ હોતા નથી. કોરોનાનો ડર આ ક્રાંતિ લાવે તો એનો ઉપકાર) એના ઉપયોગ પછી સાબુ-સેનિટાઇઝર ભૂલવા નહિ અને બને તો ભીડ વિના વારાફરતી થોડી થોડી મિનિટો બાદ એનો ઉપયોગ કરવો. ધિસ ઇઝ ફોર લાઇફટાઈમ.
ખાંસી-ઉધરસમાં ત્રણ હજાર ડ્રોપલેટ હોય જે આઠેક કિમીની સ્પીડે સેન્કડોમાં ધ્યાન ન રાખો તો ઓરડામાં ફરી વળે. છીંકમાં ત્રીસ હજાર ડ્રોપલેટસ. સ્પીડ સવા બસ્સો કિ.મી. ચેપી રોગગ્રસ્ત વ્યક્તિની છીંકમાં બે લાખ વાઇરલ પાર્ટિકલ્સ હોઈ શકે. ઉચ્છવાસમાં ય પચાસથી પાંચ હજાર સુધીના ડ્રોપલેટ્સ હોય, પણ એમાં અંદરના ફેફસાંથી એ આવે નહિ, વળી ઝડપથી ગ્રાઉન્ડેડ પણ થઇ જાય. માટે ઉધરસ-છીંક વખતે ચોખ્ખો રૂમાલ (જે જ્યાં-ત્યાં મૂકવો નહિ), ડિસ્પોઝેબલ ટિસ્યૂ પેપર કે હથેળી નહિ પણ કોણીની આડશ રાખવી ! ફેસ ટુ ફેસ વાતમાં આમ જ અજાણતા નજીક હો, ને વાઇરસ પ્રવેશી શકે. ઓરડામાં ય થોડો સમય તરતા હોઈ શકે આવી દર્દીઓની ઉધરસ છીંકના.
પણ સામાન્ય શ્વાસમાં મિનિટે 20 કોપી વાઇરસની જાય. તો પોઝિટિવ થવા માટે પચાસ મિનિટ એ જગ્યાએ વિતાવવી પડે. પણ જ્યારે વાતચીત કરો મુખોમુખ ત્યારે એ દસ ગણા યાને 200 પ્રતિ મિનિટ થઇ જાય. અર્થાત ચેપ લાગવા માટે દસ મિનિટ કાફી થઇ જાય. માટે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલ વ્યક્તિને પારખવી પડે. બેસ્ટ આઈડિયા રોજ કોના-કોના સંપર્કમાં બહાર આવ્યા એની નોંધ રાખવાનો છે. અજાણ્યા લોકો સાથે વાત કરવામાં અંતર રાખી શકાય, જરૂર વગરની ચર્ચા ટૂંકાવી શકાય. ને તબિયત સારી ન હોય તો જાતે જ અન્યોનો સંપર્ક ટાળી ઘેર રહી શકાય. અડધોઅડધ લોકોને કોવિડમાં શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, માટે આ મહત્ત્વનું છે. એટલું જ મહત્ત્વનું છે, એસી સાથે પંખો ય ચલાવવાનું. સવારે અગાસીએ/બાલ્કનીએ (રોડ પર રખડીને નહિ) ચડી કૂમળા તડકાથી વિટામીન ડીનો ફ્રી ડોઝ લેવાનું. હવાઉજાસની અવરજવર રાખવાનું. વરઘોડા, જમણવાર, જાહેરસભા, બેસણા વગેરેમાં ટોળે વળવાનું ટાળવું. બંધિયાર જગ્યાઓએ કારખાના, સ્કૂલો, ઓફિસો ચલાવવા જ નહિ.
લખવા જેટલું સહેલું છે આ કરવાનું ? લોકોનો એક સમૂહ ઓવરકોન્ફિડન્સમાં લાપરવાહ છે, ને બીજો ડિપ્રેશનમાં ભયભીત પણ. પછી ડાર્ક નાઇટના જોકર ડાયલોગ માફક 'ગાંડપણનું ગુરૂત્વાકર્ષણ જેવું છે. થોડોક ધક્કો જોઇએ. પછી તો જાતે જ ગબડતો જાય સમૂહ' પ્લાન મુજબ ન થાય, એટલે લોકો ફફડીને કેઓસ કરે. જેમ ન્યુઝનું ફોકસ કોરોનામાં સરકી ગયું, એમાં ફેસિલિટીના અભાવે બીજી બીમારીના દર્દીઓ કેટલા હેરાન થયા કે મર્યા એનો હિસાબ નથી. ઝોમ્બીની જેમ લોકો પાડોશીઓનો શંકાથી બહિષ્કાર કરવા લાગ્યા છે. કોવિડના ચેપથી ફફડીને સ્વજનો સાથે કે વતન આવતા નોર્મલ લોકો સાથે ય તિરસ્કૃત વર્તન કરે છે. એમાં કોમવાદ ને નકસલવાદ તો લોહીમાં ભળી ગયો છે. આડેધડ રમખાણો, લૂંટફાટ ફાટી નીકળે તો વધુ જીવ જાય. માટે પોલીસની ધાક પણ જળવાવી જ જોઇએ.
મોટો સસ્પેન્સ સ્ટોરી આગળ વાઇરસ કેવી રીતે વર્તશે એ છે. અમુક દેશોમાં પીક પોઇન્ટની ટોચે પહોંચી, એ આપોઆપ જ નબળો થઇ ગયો છે. એવું થશે ? કે મ્યુટેશન કરી ભારતની ભીડ લોકડાઉન બાદ નોર્મલ થાય કે ફટાફટ ફેલાતો જશે, ને મોટા ભાગની વસતિને ચેપ લગાડશે. એવું થાય ત્યારે કફોડી હાલત બહાર જતા યુવાઓની ઘેર રહેલા બીમાર વડીલોની થશે. એ એનો ગિલ્ટ પોતે ઇમ્યુનિટી સારી રાખી શકનાર યુવક-યુવતીઓને થશે. ઓલરેડી ઇમોશનલ સ્ટ્રેસ-ડિપ્રેશન-બોરડમ વધે છે. અત્યારે તો મનોરંજન ને મોજ પણ સમાજ સેવા છે.
આર્થિક બાબતોની છણાવટ તો વિગતે થશે. પહેલા આરોગ્યની સાવચેતી. ઘરમાં રહી એક્ટિવ રહેવું, સપ્તાહે એકાદો ઉપવાસ કરી લેવો વજન વધુ હોય તો ઘરનું બેલેન્સ્ડ ડાયેટ લેવાનું. કસરતો કરવાની. શોખ થાય, પણ દાઢી-મૂછ એક હદથી વધુ ન રાખવા ! પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, હોમ સાયકલિંગ, ઘૂંટણના સાંધા પર ભાર ન આવે ને બીપી ન હોય તો સીડી પર સ્પોર્ટસ શૂઝ પહેરી ચડઉતર. ફેફસાંના રોગોના નિષ્ણાત ડૉ. પાર્થિવ મહેતા રિસર્ચ બેઝ્ડ ફેકટસ કહે છે કે 'ફેફસાંના કોષો ઘેર બેઠાં મજબૂત રાખવા. પોસાય તો ફૂંકથી દડા ઊંચાનીચા કરવાના સાધનો વસાવવી શ્વાસની કસરત કરવી. નહિ તો હીંચકા જેવા કડામાં ઉપર ગરગડી બાંધળી હાથેથી એમાં પરોવેલા દોરડાંને ખેંચવું. પીઠભર કે પડખાભેર સૂવાની ટેવ હોય. પણ ફેફસાંને સરખું રાખવા થોડી વાર ઊંધા છાતીભર સૂવું. એક લીટર પાણીની બોટલ છલોછલ ભરી એમાં મોટી તળિયે પહોંચે એવી સ્ટ્રો/ભૂંગળી નાખીને પરપોટાં કરવા. ફુગ્ગા કે બોલ મોઢેથી ઓછી ફૂંકમાં ફુલાવવા.'
ખાબોચિયાં પાસે ઉભા હો ને ગાડી નીકળે તો કોઇકને વધુ છાંટા ઉડે, કોઇકને ઓછા - એમ સુપર સ્પ્રેડર તો સંજોગો મુજબ ફરતા જાય, ઇમ્યુનિટી મુજબ લોકો સાજા ય થાય. એવું કહી પાર્થિવભાઈ 'કોહોર્ટ' બિલ્ડિંગ પ્લાન અજેસ્ટ કરે છે, ક્વોરન્ટાઇન/આઈસોલેટ થયેલા દર્દીઓ માટે અન્ય બીમારીગ્રસ્ત કે વડીલો ઉપલા માળોએ, જુવાન ને પ્રમાણમાં તંદુરસ્ત મધ્યવયસ્ક વચ્ચે, ને હેલ્થ વર્કર્સ, વગરે નીચે. હોટલોમાં ભાડાને બદલે સસ્તો ઉકેલ, જેથી ઇન્ફેક્ટેડ લોકો સમાજમાં ઝટ ભળે નહિ. રોગનું ઘર બનેલી સરકારી હોસ્પિટલોમાં ય બેડ એવી રીતે ગોઠવવા પડે.
તમાકુ, આલ્કોહોલ, ટીબી, મેલેરિયા, કેન્સર, ડાયાબીટીસ, પાર્કિન્સન્સ, સ્ટ્રોક, એઇડ્સ, ડેંગી, સ્વાઇન ફ્લુ બધા સાથે આપણે જીવીએ છીએ. એમ કોવિડ સાથે પણ લાઇફસ્ટાઇલ ચેન્જ કરી જીવતાં તો શીખવું જ પડશે. સ્કૂલ, કોલેજો કાયમ બંધ નહિ રાખી શકાય. ભલે, આ વખતે સાચા અર્થમાં વેકેશન લાંબુ મળે. એવું જ ઇન્ડસ્ટ્રીઝને ટ્રાન્સપોર્ટેશનનું છે. એક્સિડેન્ટસ છતાં એ શરૂ તો કરવું પડે. સ્વરૂપ બદલાય. સેનિટાઇઝેશન ફરજીયાત બની જાય. (મોટી ટનલો જરૂરી નથી, હેલ્થ-માઉથ-નોઝ હાઈજીન રહે તો) વિમાનોમાં મિડલ સીટ્સ જ નીકળી જાય. ડિટ્ટો પબ્લિક ટ્રાન્સપોર્ટ. થિયેટરોમાં જૂના જમાના બોક્સ જેવા ક્યુબિકલ્સ સીટિંગ સિંગલ, કપલ, ફેમિલી એમ આવી જાય. રેસ્ટોરાંમાં ય ઓપન કિચન રેસ્ટોરાં ફરજીયાત ને ફૂડ ડિલીવરી પાર્સલ માં મિનિમમ.
અલબત્ત, એને લીધે ઉભી થતી બેકારી મેનેજ કરવી અઘરી પડી જવાની છે. કાયમ 'કોરોના વોરિયર્સ' પણ સ્વસ્થ નહિ રહી શકે. એમની કેપેસિટીની લિમિટ આવી જાય. આર્થિક વળતરમાં મિડલ ક્લાસ પીસાઈ રહ્યો છે. આવક બંધ છે, જાવક ચાલુ છે. સીસ્ટમ ડિસિપ્લીનની પ્રકૃતિગત આદત નથી, એ તો સ્વચ્છ ભારતમાં ય દેખાઈ ગયું છે. કોપીબૂક બ્યુરોક્રેટિક એપ્રોચમાં ય બચી જવાની ચાલાકી વધુ છે, સર્વાંગી અભ્યાસ ઓછો.
બીજી કટોકટી બેકારી બાદ આર્થિક ફટકાને લીધે તૂટી પડતા જતા અર્થતંત્રની છે. નોટબંધી બાદ ઘણા નાના વેપારી બરબાદ હતા. જીએસટી માંડ થાળે પડયું. અત્યારે આપણો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ લોએસ્ટ છે. ઓર્ડરમાં ઘટાડાનો વર્લ્ડ રેકોર્ડ છે. કોવિડ પહેલા ય અર્થતંત્ર માંદુ જ હતું. બેકારીનો દર ઊંચો ને જીડીપીનો ઓછો હતો. લોકડાઉનના સમયમાં ફન્ડ રેઇઝિંગમાંથી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કે સસ્તા પેટ્રોલીયમનું સ્ટોરેજ કશું ય નક્કર દૂરગામી કામ આપણે કર્યું નથી. ચોમાસું આવે ને ગટર સાફ થાય એવું શોર્ટ ટર્મ વિઝન પરમેનન્ટ છે. ત્યારે બધું ઠપ્પ થવાથી કોવિડથી વધુ મરી જશે. હર્બલ પ્રોડક્ટસના ઉદ્યોગપતિ રાજેશ શાહના મતે હવે આવતીકાલે શહેરોની ગીચતા ઘટાડી ગામડા મજબૂત કરવા તરફ ધ્યાન દેવું જ પડશે. વસતિ ઓછી ને પ્રકૃતિ વધુ ત્યાં વાઇરસ ઓછો. ટ્રાફિકનું ભારણ ઘટાડવા એકી-બેકી નંબર દેશ આખામાં લાગુ કરી શકાય.
ઘેટ્સ ધ પોઇન્ટ. કોરોના અંગે મગજ પાકી જાય ને આંગળા થાકી જાય એટલું લખાયું. પણ એના મૂળ ગુનેગારો જમીનભૂખ્યા ધનકુબેરો છે. જમીન એટલી મોંઘી પોલિટિકલ નેક્સસમાં થઇ ગઇ છે, કે શહેરોમાં આર્થિક ત્રેવડવગરના લોકો ગીચોગીચ રહે છે. ન્યૂયોર્ક, મુંબઇ, અમદાવાદ બધે વસતિ અડોઅડ રહે ત્યાં કોવિડ બોમ્બ ફાટે છે. જમીન રાજકારણના ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. આપણી માર્કેટસ પણ ગીચોગીચ હોય છે. એનું નવું પ્લાનિંગ વિચારવું પડે.
રીડરબિરાદર નિકુલ પટેલ પાસે એવા આઇડિયાઝનો ભંડાર છે. બસમાં કાર્ડથી જ ટિકિટને બે ચડતા-ઉતરતા સ્કેનિંગ, બેસવામાં જ ડિસ્ટન્સ, ઉભવાની વાત જ નહિ, ચલણી નોટો રદ્દી જેવા કાગળને બદલે પોલિમરની (કોવિડ સિવાયના અમુક રોગોમાં ય કામનું), મોટે ભાગે કેશલેસ ટ્રાન્ઝેકશનને જ ઇન્સેન્ટિવ, અને કાર્ડની અપર લિમિટના મલ્ટીપલ લેયર્સ ડિજીટલ ફ્રોડ ટાળવા, પરીક્ષાઓ લેવી હવે ઇ-લર્નિંગમાં આસાન ન રહે, માટે પરીક્ષાકેન્દ્રી પધ્ધતિ જ બદલાવવી વગેરે !
યસ, થિંક ડિફરન્ટ, એક્ટ એફિશ્યન્ટ. કોરોનાને લીધે આગાહીઓ કરતા જ્યોતિષીઓ મંદીમાં છે, (કારણ કે, છાતી ઠોકીને આવું નવા વિક્રમ સંવત બાબતે કોઇએ ભાખ્યું નહોતું) એવું જ એકસ્ટ્રા મેરિટલ અફેરનું છે. બધા ઘેર જ છે તો નોર્મલ પ્રેમીઓને ય છૂપ છૂપ કે મળવું અઘરું પડે એમ છે. આપણે ત્યાં જાહેરમાં ચર્ચાશે નહિ, પણ સેક્સ લાઇફનું ય નવેસરથી મેનેજમેન્ટ કરવું પડે. એના સ્ટ્રેસને ય એડ્રેસ કરવા પડે. ટુરિઝમ, રેસ્ટોરાં ફિલમ એ ત્રણ ઇન્ડસ્ટ્રી તો વર્લ્ડવાઇડ બદલાવાની જ છે.
પણ બદલવાની છે, કન્જસ્ટેડ ક્લોઝડ સ્પેસના કોક્રિટ જંગલની આદત. મોકળા પ્રાકૃતિક સંપદાની નજીકના આપણા પૂર્વોત્તર રાજ્યો જેવા પ્રદેશોમાં કોરોનાનો પગપેસારો ઓછો છે. સાયન્ટીસ્ટસ એવું ય કહે છે કે પ્રાણીઓના વાઇરસો માણસમાં કેમ આવતા થયા ? બે કારણ : એક મીટવાળો માંસાહાર. (એગ્સ નહિ) જેમાં ક્લોન્ડ કોન્ટેક્ટ વધ્યો. વાઇરસો કનડતા હોય તો જગતે માંસાહાર ઘટાડવાની જરૂર છે જ. પર્યાવરણ માટે. બીજું, માણસે બેફામ જંગલો કાપ્યા, સોશ્યલ ડિસ્ટન્સિંગ ઘટાડયું. નદીઓ ને દરિયા પૂરીને કોલોની-વસાહતો બનાવી. જે એક મર્યાદા યાને બેરિયર હતી, એ તૂટી. પશુ-પંખીઓ-જીવાતો-માઇક્રોવ્સ વધુ ઝડપથી માણસના સંપર્કમાં આવ્યા. આ તૃષ્ણાને બ્રેક મારવી પડશે. વસતિનિયમન ફરજીયાત બનાવવું પડશે. ધાર્મિકતાની પોકળતા ઉઘાડી પડી છે. નાહકની ભીડવાળી યાત્રાઓ, હજો, માસ બધું છોડવું પડશે. ધર્મસ્થાનકો - ધાર્મિક ઉત્સવોની ભીડ પર કાયમી કંટ્રોલ હાઈજેનિક મૂકવો પડશે.
આપણે બહુ બધો અતિરેક કર્યો હતો. ક્રિકેટની ટુર્નામેન્ટ હોય કે વેબ સીરિઝો. પૈસા પ્રસિદ્ધિના મોહમાં તમામ બાબતો લિમિટલેસ. ધડાધડ ફ્રેન્ચાઇઝીઓ. પ્રોફિટેબલ ઉત્પાદનો. શ્રમિકોના જીવતર કરતાં ફિકર હજુ એ કારખાનામાં ક્યારે જોડાય એની થયા કરે છે, વેપારી જીવોને !
આ નહિ બદલીએ તો ચોખ્ખા થયેલા હવાપાણી ફરી ગંદા થશે. હોર્નની ચિચિયારીઓ ને ટ્રાફિક જામ પહેલા જેવા થઇ જશે. માપમાં રહેવાનો અંકુશ જાતે કેળવવો પડશે. બહુ ડરી ડરીને જીવવા કરતા, જીંદગીને કોઇને હેરાન કર્યા વિના આનંદથી ભોગવી લેવાનું કેળવી લેવું પડશે. સરહદો ને ધર્મોની બ્લેમગેન છોડી માનવતા માટે એક થવું પડશે.
બિલ ગેટ્સનો હેલ્થકેર બાબતે ટેકનોકેટ તરીકે વર્ષોનો અનુભવ છે. લક્ષ્મી સાથે સરસ્વતીનું કોમ્બિનેશન છે. એણે આખો લેખ લખ્યો જ છે. સાર એનો : માનવજાત કોવિડને હંફાવશે, પણ બીજું કંઇક આવશે. મોટાભાગના લોકોનું રસીકરણ નહિ થાય, ત્યાં સુધી સાવ પહેલા જેવી જીંદગી તરત નહિ થાય. (માટે 2021 તો આવી જ જશે) ડિમાન્ડ જ ઓછી હશે, ઉદ્યોગો વધારો તો બચતને લીધે પણ હવે વિજ્ઞાનીઓ ને રિસર્ચ માટેનું માન વધશે. શિક્ષણ બદલશે, કારણ કે રેડી જોબ નહિ હોય. રોગોના મેડિકલ સાયન્સ માટે ગ્રાન્ટસ વધશે. એન્ટીવાઇરલ ડ્રગની, બોડી ઇમ્યુનિટીની અવેરનેસ વધશે.
અને સ્વામી માધવપ્રિયદાસજી કહે છે એમ આપણો બહુ બધો ન જાણતો સામાન્ય માણસ આસ્થાથી કહે છે એમ 'ઉપરવાળો (કે કુદરત?) સહુ સારા વાના કરી દેશે !' પણ એ માટે અનુશાસનનું અનુષ્ઠાન જોઇશે ?
ઝિંગ-થિંગ
'ગાંધી દોઢસોની ખરી ઉજવણી તો કોરોનાએ કરી ! લોકોને ફરી કરકસર, સ્વાશ્રય, જાતે ઘરનું કામ કરવું, પૌષ્ટિક હાથે રાંધેલું ખાવુ, પ્રકૃતિના ખોળે રહેવું, શિક્ષણ સર્વાંગી વિકાસ માટે રાખવું, મોટા ધાર્મિક, રાજકીય તમાશા બંધ કરવા, સ્વચ્છતા જાળવવી - બધું ગાંધીજીએ કહેલું ને આચરેલું !
(ડૉ. પ્રજ્ઞા કલાર્થી)'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yb3omU
ConversionConversion EmoticonEmoticon