નડિયાદ, તા.9 મે 2020, શનિવાર
ખેડા જિલ્લાના અમદાવાદ અપડાઉન કરતા સરકારી બાબુઓ જિલ્લાને ઓરેન્જ ઝોનમાંથી રેડઝોનમાં ફેરવી નાખશે તેવો ફફડાટ વ્યાપ્યો છે. અહીં ગણતરીના દિવસોમાં જ કોરોના રાક્ષસે માથુ ઊંચક્યું છે. અહીં આખા એપ્રિલ મહિનામાં માત્ર આઠ જ કેસ થયા હતા. પરંતુ છેલ્લાં નવ દિવસમાં જિલ્લામાં ૨૩ કોરોના પોઝીટીવ નોંધાયા છે.
જિલ્લાના કુલ ૩૧ પૈકી રેડઝોન અમદાવાદ અને આણંદ જિલ્લામાંથી જ સંક્રમિત થઇને ૨૨ જેટલા કોરોના પોઝીટીવ થયા છે.આમ છતાં કેટલાંય સરકારી અધિકારીઓ અને સરકારી આરોગ્ય તંત્રના ડોક્ટરો, નર્સો તથા અન્ય કર્મચારીઓ હજુ પણ અમદાવાદથી જ અપડાઉન કરીને જિલ્લાને અભડાવી રહ્યા છે. માત્ર ખેડાની જનરલ હોસ્પિટલમાંથી જ ૯૦ ટકા સ્ટાફ આણંદ- અમદાવાદથી અપડાઉન કરીને કોરોના સ્પ્રેડર બની રહ્યા છે. છતાં જિલ્લા આરોગ્ય તંત્ર તેમને છાવરી રહ્યું છે.
ખેડા જિલ્લામાં કોરોનાનો કેર વધતા જાત જાતના જાહેરનામા બહાર પાડીને લોકડાઉનની અમલવારી કડક કરવામાં આવી રહી છે. પરંતુ દિવા તળે અંધારુ હોય તેમ સરકારી અધિકારીઓ જ જાહેરનામાનો ભંગ કરીને ખુલ્લેઆમ અમદાવાદ- આણંદ અપડાઉન કરી રહ્યા છે. કલેક્ટર કચેરી, સરદાર ભવન, જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતો તથા અન્ય વહીવટી તંત્રમાંથી અગણિત કર્મચારીઓ ખાનગી વાહનોમાં ખુલ્લેઆમ અમદાવાદ તથા આણંદ જિલ્લામાં આવ-જા કરીને ફરજો બજાવી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yFCVOo
ConversionConversion EmoticonEmoticon