આણંદમાં માસ્ક ન પહેરનાર, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનાર છ વેપારી સામે ગુનો


- કરિયાણા, કટલરીની દુકાનોમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન : પોલીસની તવાઈથી વેપારીઓમાં ફફડાટ

આણંદ,તા. 7 મે 2020, ગુરુવાર


લોકડાઉનને લઈ આણંદ જિલ્લામાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં આણંદ શહેરમાં માસ્ક નહી પહેરનાર તથા સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવનાર ૧૦ જેટલા વેપારીઓ વિરૂધ્ધ આણંદ શહેર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકડાઉનના ત્રીજા તબક્કામાં આણંદ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા લોકડાઉન અંગે ખાસ અમલવારી કરાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આણંદ શહેરમાં સવારના સમયે આપવામાં આવેલ છુટછાટના સમયગાળામાં કેટલાક નાગરિકો સહિત વેપારીઓ દ્વારા જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવતી હોવાની મળેલ ફરિયાદોના આધારે આણંદ શહેર પોલીસે આજે શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરી માસ્ક નહી પહેરનાર તથા સોશ્યલ ડીસ્ટન્સનું ઉલ્લંઘન કરનાર ૧૦થી વધુ વેપારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના સુપરમાર્કેટમાં આવેલ કમલેશ કિરાણા સ્ટોરના માલિક કમલેશભાઈ વાસુદેવ તિલકચંદાણી તેમજ સુપરમાર્કેટમાં ઘનશ્યામદાસ આશાનંદ મોરદાણી નામના અનાજ કરિયાણાના વેપારી દ્વારા માસ્ક પહેર્યા વિના વેપાર કરવામાં આવતો હોઈ પોલીસે તેઓની અટકાયત કરી હતી. 


ઉપરાંત સુપરમાર્કેટમાં કિશનચંદ નારાયણદાસ તેજવાણી નામની કટલરીની દુકાન ખાતે સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળતા સુરેશભાઈ કિશનચંદ તેજવાણીની અટકાયત કરાઈ હતી. સુપરમાર્કેટમાં દુર્ગા ટ્રેડર્સના વેપારી રાકેશભાઈ રતનભાઈ પરમાર તથા મહાલક્ષ્મી ટી ડેપોના અશોકભાઈ નારાયણદાસ તેજવાણી સામે પણ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ, શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં જાહેરનામા ભંગ બદલ ૧૦થી વધુ વેપારીઓ કાયદાના સકંજામાં આવ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wd3BPH
Previous
Next Post »