રસ્તામાં ગંદુ પાણી ઢોળવા મુદ્દે બે પરિવારો બાખડી પડયા : યુવાનનું સારવારમાં મોત


આણંદ, તા.5 મે 2020, મંગળવાર

આણંદ પાસેના જીટોડીયા ગામે આવેલ સેન્ટ ઝેવિયર્સ ચર્ચ નજીક નિરવ પાર્ક ખાતે રસ્તામાં ગંદુ પાણી ઢોળવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલ તકરારમાં એક યુવકને માથામાં લાકડી મારી જીવલેણ ઈજાઓ પહોંચાડવામાં આવતા આ યુવકનું કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કરૃણ મોત નીપજતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીટોડીયા ગામના સેન્ટ ઝેવિયર્સ ચર્ચ નજીક આવેલ નિરવ પાર્ક ખાતે રહેતા ઈમાનુએલ રાવજીભાઈ પરમારની પત્ની ગઈકાલ સાંજના સુમારે રસ્તા ઉપર ગંદુ પાણી ઢોળી રહ્યા હતા ત્યારે જોસેફભાઈ ખ્રિસ્તીએ આ ગંદુ પાણી ઢોળતી વખતે તેઓનો ફોટો પાડયો હતો. જેથી આ મામલે ઈમાનુએલ ભાઈએ જોસેફભાઈ સાથે ફોટો પાડવા બાબતે ઝઘડો કર્યો હતો. દરમ્યાન જોસેફભાઈએ ગામના સરપંચને બોલાવવાનું કહેતા ઈમાનુએલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી વડે જોસેફભાઈ તથા તેમના પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો. જોસેફભાઈ તથા તેમના પુત્ર બિમલને લાકડીઓ મારી ઈજાઓ પહોંચાડી હતી. દરમ્યાન આ તકરારમાં દિપકભાઈ મનુભાઈ સોલંકી વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ માથાના ભાગે લાકડી ફટકારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. માથાના ભાગે લાકડી વાગતા જ દિપકભાઈ ત્યાં જ ફસડાઈ પડયા હતા અને ગંભીર રીતે ઘવાયેલ દિપકભાઈને તુરંત જ સારવાર અર્થે કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા સારવાર દરમ્યાન તેઓનું કરૃણ મોત નીપજ્યું હતું. 

આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે જોસેફભાઈ ઈશ્વરભાઈ ખ્રિસ્તીની ફરિયાદના આધારે ઈમાનુએલ રાવજીભાઈ પરમાર, આશીષ ઈમાનુએલ ખ્રિસ્તી તથા પ્રકાશભાઈ રાવજીભાઈ પરમાર વિરૃધ્ધ ગુનો નોંધ્યા બાદ દિપકભાઈ સોલંકીનું મૃત્યુ નીપજતા હત્યાના ગુનાની કલમનો ઉમેરો કરી આજે બપોરના સુમારે મૃતક યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3frfSaD
Previous
Next Post »