આણંદ જિલ્લામાં 674 દુકાનો પરથી વિનામૂલ્યે અનાજનું વિતરણ શરૂ કરાયું


આણંદ, તા.18 મે 2020, સોમવાર

આણંદ જિલ્લામાં રવિવારના રોજથી જિલ્લાભરની ૬૭૪ જેટલી પંડિત દિનદયાળ ઉપાધ્યાય જાહેર વિતરણની દુકાનો ઉપર એન.એફ.એ. તથા નોન એફ.એસ.એ. બી.પી.એલ. કાર્ડ ધારકોને ઘઉં ચોખા વગેરે નિયત પ્રમાણમાં વિનામૂલ્યે મળશે. રેશનકાર્ડના છેલ્લા અંક મુજબ અને તારીખ મુજબ વિતરણ શરૃ થયેલ છે.

જિલ્લાભરમાં આરોગ્ય અને સરકારની ગાઈડ લાઈન મુજબ અનુસરીને સૌ અનાજ વગેરેનો જથ્થો મેળવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ જિલ્લામાં અનાજ વિતરણ અંગે પહેલેથી જ એક સુચારુ વ્યવસ્થાની ગોઠવણી અને નિર્દેશ કરેલ માર્ગદર્શન મુજબ જિલ્લા પુરવઠા અધિકારી અને તેઓની ટીમ તથા દુકાન સંચાલકોના પણ સહકાર સાથે આણંદ જિલ્લામાં વિનામૂલ્યેનું અનાજ પુરવઠો વિતરણ થઈ રહ્યો છે. માહે એપ્રિલ માસથી રાજ્ય સરકાર દ્વારા ગરીબ મધ્યમ શ્રમિક સૌ પરિવારોના હિતમાં લેવાયેલ નિર્ણય મુજબ આણંદ જિલ્લામાં પણ સૌને તબક્કાવાર અનાજ વિતરણ કરાયું છે. કોરોના મહામારીના સંજોગ અને લોકડાઉનનો સમય પણ સૌના રસોડા ચાલુ રહે તેની કાળજી લેવામાં આવી છે. ખંભાત અને ઉમરેઠ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ પેકીંગ કરીને, ટ્રેક્ટરના માધ્યમથી લાભાર્થીઓને ઘર ફળિયા નજીક જઈને પણ અનાજ વિતરણ કર્યું છે. એટલુ જ નહી ગોડાઉનથી સેનેટાઈઝનું કામ શરૃ કરી દુકાનો ઉપર પણ દવા છંટકાવ કરવામાં આવ્યો છે. માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લા પુરવઠા અધિકારી અને તેઓની ટીમે સતત પ્રવાસમાં રહીને લાભાર્થીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખી છે. આણંદ જિલ્લામાં આજથી શરૃ થયેલ વિનામૂલ્યેનું અનાજ પુરવઠો આગામી તા.૨૬/૨૭ મે સુધી વિતરણ થનાર છે. આણંદ જિલ્લામાં નિમણુક પામેલ તાલીમી આઈ.એ.એસ. અધિકારી સચિનકુમારે પણ આજે જિલ્લામાં વિતરણ થતાં અનાજ પુરવઠો વિતરણ કાર્યનું પ્રત્યક્ષ જઈને નિરીક્ષણ કર્યું હતું. જિલ્લામાં ગામે ગામ સરપંચ, શિક્ષક, તલાટી મંત્રી, સ્વામી વિવેકાનંદ યુવા મંડળો, ગ્રામિણ કર્મચારીઓ અને આગેવાનો પણ અનાજ પુરવઠો જેના હક્કનો છે તેને જ મળી રહે તેવી સફળ વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે. જિલ્લામાં આવે સમયે કેટલી દુકાનોમાં ગેરરીતિઓ આચરવાના નાના નાના પ્રયાસો થયા પણ ગામ લોકોની જાગૃતિ અને જિલ્લા પુરવઠા વિભાગની સખતાઈને કારણે આવી દુકાનોના પરવાના રદ કરવામાં આવ્યા છે તે પણ આવકારદાયક છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ycN4C0
Previous
Next Post »