50 જેટલા શ્રમિકો નડિયાદ પહોંચી જતા વહીવટી તંત્ર- પોલીસે સમજાવીને પાછા મોકલ્યા


નડિયાદ, તા.18 મે 2020, સોમવાર

ખેડા જિલ્લામાં કોરોના મહામારીના પગલે જિલ્લાની અમદાવાદ બોર્ડર તરફથી ૫૦ જેટલા શ્રમિકો ચાલતા ચાલતા નડિયાદ બસ સ્ટેન્ડે ગત્ રાત્રે પહોંચી ગયા હતા. પરંતુ પોલીસ તથા વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે દરેક શ્રમિકને તેમના નિવાસ સ્થાને સુખરુપ પહોંચાડવામાં આવ્યા હતા. આ માટે તેમને ભોજન વ્યવસ્થા, અનાજ-કરિયાણાની કીટની વ્યવસ્થા તથા ખાસ વાહન કરીને તેમના સ્થળે પહોંચાડવાની સગવડો મોડી રાત સુધી તંત્રએ હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરની સમયસૂચક્તાને કારણે એક સગર્ભા શ્રમિક સ્ત્રીની અડધી રાત્રે નડિયાદ સિવિલમાં જ પ્રસુતિ થતા તેેને હેલ્ધી પુત્રને જન્મ આપ્યો છે.

ખેડા તાલુકાના મહિજ તથા બારેજડી નજીકના દેવડી ગામેથી છત્તીસગઢ અને મધ્યપ્રદેશના શ્રમિક મજૂરો ગઇકાલે મોડી સાંજે પગપાળા પરિવાર અને ભારેખમ સામાન સાથે નડિયાદના બસ સ્ટેન્ડે પહોંચ્યા હતા. આમ તો તેઓ છેલ્લાં છ મહિનાથી અહીંના ઇંટવાળામાં મજુરી કરીને રોજગારી મેળવતા હતા.આ મજૂરોને ઇંટવાળા તરફથી અપાયેલા કાચી ઇંટોના ઝુંપડા પણ તોડી પડાતા ભારે ગરમીમાં ખુલ્લામાં રહેવું અશક્ય થયું હતું. વળી તેમને એવી પણ ખબર પડી હતી કે નડિયાદ રેલ્વે સ્ટેશનથી છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જવાની  ટ્રેન ઉપડી રહી છે. 

આથી ૫૦ જેટલા મજૂરો સવારે ૪ વાગ્યે પોતાના કામના ગામેથી નીકળીને  ચાલતા ચાલતા નડિયાદ આવ્યા હતા. તેમની સાથે અડધોઅડધ બહેનો, ૧૦થી વધુ ખુબ નાના બાળકો અને એક સગર્ભા મહિલા પણ હતા. સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેઓ નડિયાદના જૂના બસ સ્ટેન્ડમાં લોથપોથ થઇને બેઠા હતા. અને તેમની સાથે ખૂબ બધો સામાન પણ હતો. 

આ વાતની જાણ તંત્રને થતા પોલીસ અને વહીવટી અધિકારી સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ તેમને પોતાના કામના સ્થળે પરત જવા સમજાવ્યા હતા. પરંતુ આ બધા શ્રમિકો પરત ઇંટવાળામાં ફરવા તૈયાર જ ન હતા. આ શ્રમિકોમાં ધો. ૧૨ પાસ થયેલા મનહર ટંડન જણાવે છે કે તે છત્તીસગઢના મુંગેલી જિલ્લાના લૌદા ગામેથી પાંચ મહિના પહેલા ઇંટવાળાના કામ માટે મજૂરી કરવા અહીં આવ્યો હતો. ઇંટવાળાના માલિકે અમારા  રહેવા માટે જે ઇંટોની કાચી દિવાલ બનાવી હતી, તે પણ વેચી ખાધી હતી. આથી અમને ખુલ્લા આકાશ તળે રહેવાનો વારો આવ્યો હતો. જે અસહ્ય ગરમીમાં શક્ય જ ન હતું. આથી વહેલી સવારથી જ  અમે ચાલતા ચાલતા નડિયાદ આવવા નીકળી ગયા હતા. 

આ શ્રમિકો પૈકી ૪૦ જણને જિલ્લા તંત્ર તથા સ્થાનિક ધારાસભ્ય પંકજભાઇની સમજાવટથી રાત્રે જ ખાસ વાહનમાં ઇંટવાળાના સ્થળે પરત મોકલાયા હતા. તે પહેલા તેમને બસ સ્ટેન્ડમાં જ ભોજન કરાવ્યું અને દરેકને ૧૫ કિલો અનાજની કીટ આપી હતી. જ્યારે અન્ય ૯ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાથી તેમને રાત્રે જ ખાસ પાસ તૈયાર કરીને સ્પેશ્યલ વાહનમાં મધ્યપ્રદેશની બોર્ડરે મોકલવામાં આવ્યા હતા. અને એક સગર્ભા ૨૦ વર્ષીય સ્ત્રી પનનીબેન ટંડનને તેમના પતિ તથા અન્ય બે સગાઓ સાથે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. 

વતન મોકલવાની બાંયધરી અને 15 કિલો અનાજની કિટ આપી

નડિયાદ, તા.18 મે 2020, સોમવાર

ગત્ મોડી રાત્રે નડિયાદ પહોંચેલા છત્તીસગઢના શ્રમિકો પોતાના ઇંટવાળે પરત જવા એકના બે થતા ન હતા. ત્યારે સ્થાનિક ધારાસભ્યએ દરેકને છત્તીસગઢની ટ્રેનમાં પોતાના તરફથી ટીકીટની વ્યવસ્થા કરીને મફત મોકલી આપવાની બાહેંધરી આપી હતી. જ્યારે જિલ્લા આરએસએસ તરફથી દરેક શ્રમિકને ૧૫ કિલો અનાજ કરિયાણાની કીટ આપવામાં આવી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ycFxmH
Previous
Next Post »