આણંદ,તા. 21 મે 2020, ગુરુવાર
સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સૂર્યદેવતાએ આકાશમાંથી અગનગોળા વરસાવતા ચરોતરવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આજે પણ મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિ.સે. ઉપર પહોંચી જતા આણંદ જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો હજી ઉંચે જશે અને ગરમીનું પ્રમાણ વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ હીટ વેવની સંભાવના વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી આણંદ જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિ.સે.થી ઉપર રહેતા જિલ્લાવાસીઓ આગની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે. આજે પણ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા તાપમાનનો પારો ૪૨ ડિ.સે. સુધી પહોંચી જતા બપોરના સુમારે જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો.
હાલ લોકડાઉનની પરિસ્થિતિને લઈ સવારના ૮ઃ૦૦ થી બપોરના ૪ઃ૦૦ કલાક સુધી આણંદ જિલ્લામાં છુટછાટ આપવામાં આવી છે ત્યારે ઘરની બહાર ખરીદી અર્થે નીકળતા લોકોને ગરમી સામે રક્ષણ મેળવવા ફરજીયાત ટોપી-ચશ્માનો સહારો લેવો પડી રહ્યો છે. આકરી ગરમીના કારણે બપોરના ૧૨ઃ૦૦ કલાક બાદ શહેરના રાજમાર્ગો પર નહીવત ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
ગરમી સામે રક્ષણ મેળવવા લોકો એસી, પંખા, કુલરનો સહારો લઈ રહ્યા છે. આકરી ગરમીના કારણે સામાન્ય જનજીવન પર અસર વર્તાઈ રહી છે તો બીજી તરફ ઉનાળો આકરો બનતા પશુ-પંખી ઉપર પણ ગરમીની અસર જોવા મળી રહી છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરૂવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૨ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૨૭ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૪.૫ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા, પવનની ઝડપ ૫.૮ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૧.૧ નોંધાયો હતો. મહત્તમ તાપમાનનો પારો ઉંચે જવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેતા ગરમીનો વધુ અનુભવ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં જિલ્લામાં ગરમીનું મોજુ યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WT7bi5
ConversionConversion EmoticonEmoticon