વડાપ્રધાન મોદીની 33 મિનિટની સ્પીચમાં શ્રમિકોનો ઉલ્લેખ જ નથી : જાવેદ અખ્તર

નવી દિલ્હી, તા. 13 મે 2020, બુધવાર 

કોરોના વાયરસ વચ્ચે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યુ જેમાં તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે 20 લાખ કરોડના આર્થિક પેકેજ જાહેર કર્યુ છે. વડાપ્રધાનના મોદીના સંબોધનને લઇને તાજેતરમાં જાણિતા લેખક જાવેદ અખ્તરે ટ્વિટ કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જાવેદ અખ્તરે પોતાની ટ્વિટમાં લખ્યુ છે કે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ રાષ્ટ્ર માટે એક વરદાન છે, પરંતુ 33 મિનિટની સ્પીચમાં એક પણ શબ્દ પરપ્રાંતિય શ્રમીકો માટે ન હતો, જેમને આ સમયે જીવન જીવવા માટે સૌથી વધારે મદદની જરૂર હતી. 

જાવેદ અખ્તરની આ ટ્વિટને લઇને ફેન્સ પણ કેટલીય કમેન્ટ્સ કરી રહ્યા છે. જાવેદ અખ્તરે પોતાની ટ્વિટમાં લખ્યુ, '20 લાખ કરોડનું આર્થિક પેકેજ રાષ્ટ્ર માટે એક વરદાન છે, પરંતુ 33 મિનિટના ભાષણમાં એક પણ શબ્દ લાખો મજૂરોની ખરાબ પરિસ્થિતિ માટે નથી બોલવામાં આવ્યો, જેમને પોતાના અસ્તિત્વ માટે તાત્કાલિક મદદની જરૂર છે. આ યોગ્ય નથી.' ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તર પોતાના વિચારોને લઇને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ મોટાભાગે સામાજિક મુદ્દાઓ પરના પોતાના વિચારો વ્યક્ત કરતા રહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ જાહેર કરતા કહ્યુ છે કે આ દેશની વિકાસ યાત્રાને અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂરુ કરવા માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ માટે છે, જે આત્મનિર્ભર ભારતના આપણા સંકલ્પનો મજબૂત આધાર છે. આ આર્થિક પેકેજ દેશના શ્રમિક માટે છે, ખેડૂત માટે છે જે દરેક પરિસ્થિતિમાં દેશના લોકો માટે પરિશ્રમ કરતા રહે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dA7x2G
Previous
Next Post »