નડિયાદ, તા.11 મે 2020, સોમવાર
ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આજે ૨૫૦થી વધુ મેડીકલ સ્ટુડન્ટ્સ પરદેશથી પરત ફરશે. અડધી રાત્રે ફિલિપાઇન્સથી આવતી એર ઇન્ડિયાની ખાસ ફ્લાઇટમાં આવી રહેલા આ મેડીકલ સ્ટુડન્ટ્સોને માટે ૧૪ દિવસ કોરન્ટાઇલમાં રહેવાની ખાસ સગવડો ઉભી કરવામાં આવી છે.
પચાસ દિવસથી ચાલી રહેલા લોકડાઉનને કારણે ફિલિપાઇન્સમાં ગુજરાતના ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. ફિલિપાઇન્સની રાજધાની મનિલાની મેડિકલ કોલેજમાં ભણતા ૨૫૧ વિદ્યાર્થીઓ આજે રાત્રે દોઢ વાગ્યે એર ઇન્ડિયાની ખાસ ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે. અને તેમને સીધા નડિયાદ લઇ આવવામાં આવશે. કારણ કે તેમનું જરુરી મેડિકલ ચેકઅપ કરીને ૧૪ દિવસ સુધી કોરન્ટાઇલ કરવાની જવાબદારી ખેડા જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવી છે.
ફિલિપાઇન્સની રાજધાની મનિલાની એએમએ મેડિકલ કોલેજમાં તથા આસપાસની બીજી બે મેડિકલ યુનિવર્સિટીમાં ગુજરાતના ૨૫૧ વિદ્યાર્થીઓ દાક્તરીનો અભ્યાસ કરી રહ્યા છે. ફિલિપાઇન્સમાં પણ કોરોનાનો કેર વધતા આ સૌ વિદ્યાર્થીઓએ વતન ભણી આવવા માટે અહીંની અને ત્યાંની સરકારને સતત વિનંતીઓ કરી હતી. આથી એર ઇન્ડિયાની ખાસ ફ્લાઇટમાં તેમણે ગુજરાત લાવવામાં આવી રહ્યા છે.
૨૫૧ પૈકી ૧૮૮ વિદ્યાર્થી ભાઇઓ છે અને ૬૦ જેટલી વિદ્યાર્થીની બહેનો છે. જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર ગુજરાતના જુદા જુદા ૩૩ જિલ્લાઓમાંથી આ મેડિકલ સ્ટુડન્ટ આવી રહ્યા છે. જેમને ૧૪ દિવસ કોરન્ટાઇલમાં રહેવું ફરજ્યિાત રહેશે. આ માટે નેશનલ હાઇવે ઉપર આવેલ પામ રીસોર્ટ, પિયુષ પેલેસ હોટલ, તથા નડિયાદની જલાશ્રય હોટલમાં રૂમો બુક કરાવી છે. જ્યાં વિદ્યાર્થીઓ સ્વખર્ચે રહી શકશે. વળી વડતાલના અત્યાધુનિક યાત્રિક ભવનમાં પણ સરકાર તરફથી રૂમો રાખવામાં આવી છે.
જ્યાં તેઓને નિ:શુલ્ક રહેવાની સગવડ મળશે. પરંતુ જો એસી રૂમ રાખવી હશે તો ૫૦૦ રૂપિયાના ચાર્જ સાથે તેઓ રહી શકશે. ફિલીપાઇન્સથી તેમને આવ્યા બાદ એરપોર્ટ ઉપર જ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. અને ત્યારબાદ છ જેટલા મોટી બસોમાં તેમને નડિયાદ લઇ આવવામાં આવશે.
મેડિકલ સ્ટુડન્ટ વિવિધ જિલ્લાઓના વતની છે
ફિલિપાઇન્સથી ગુજરાત આવી રહેલા મેડિકલ સ્ટુડન્ટ્સો કુલ ૩૩ જિલ્લાઓમાં વહેંચાયેલા છે. જેમાં અમદાવાદના ૨૨, ખેડાના ૧૧, વડોદરાના ૧૪, આણંદના ૧૦, પંચમહાલના ચાર, સૌરાષ્ટ્રના ૬૦, દક્ષિણ ગુજરાતના ૪૦, ઉત્તર ગુજરાતના ૫૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3crVBQk
ConversionConversion EmoticonEmoticon