ચેન્નાઇ, 5 મે,2020, સોમવાર
એપ્રિલ અને મે માસમાં ઉનાળાનું સામ્રાજય હોય છે. ભારતના પશ્ચીમ ભાગમાં ગુજરાત, રાજસ્થાનના રણ પ્રદેશ અને મહારાષ્ટ્ના ખંડિય વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડે છે. દેશના ઉત્તર અને દક્ષિણ ભાગમાં પણ ગરમી ગતિ પકડતી રહી છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે આજથી ૨૦૩ વર્ષ પહેલા ઇસ ૧૮૧૬માં ઉનાળાની ઋતુ એકાએક ગાયબ થઇ હતી.
માત્ર ભારત જ નહી પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધના ઘણા ખરા ક્ષેત્રોમાં ગરમીની સિઝન જ આવી ન હતી. આ ઉનાળો અદ્રષ્ય થઇ જવા માટે ઇસ ૧૮૧૫માં ઇન્ડોનેશિયાના સુમ્બાવા ટાપુના માઉન્ટ તંબોરાનો જવાળામુખી જવાબદાર હતો. આ જવાળામુખીએ ભારત અને યૂરોપ સહિતના અનેક દેશોના હવામાન પર વિપરિત અસર સર્જી હતી. આ જવાળામુખી વિસ્ફોટ અગાઉના ૧૬૩૦ વર્ષમાં સૌથી ભીષણ હોવાથી આધુનિક ઇતિહાસની સૌથી મોટી ઘટના ગણાય છે.
સુમ્બાવા ટાપુ પર ૧ હજાર વર્ષ સુધી સુષૂપ્ત રહેલો જવાળામુખી ઉંઘમાંથી જાગેલા રાક્ષસની જેમ ૧૦ એપ્રિલ ૧૮૧૫ના રોજ સક્રિય થયો હતો. આ જવાળામુખીના વિસ્ફોટનો અવાજ ૨૬૦૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના ૭૫ કિમી દૂર વિસ્તારમાં ૧૦૦ સેન્ટીમીટરની મોટી રાખનું પડ જામી ગયું હતું. ૧૩૦૦ કિમી સુધીના વિસ્તારમાં ચો તરફ રાખ ફેલાઇ ગઇ હતી. આ જવાળામુખીની અસરથી કુલ ૧ લાખથી વધુ લોકોના મોત થયા હતા.
એ સમયે ઇન્ડોનેશિયાના જાવા પ્રાંતના બ્રિટીશ ગર્વનર સ્ટેમફોર્ડ રેફલિસે આ ઘટનાના દસ્તાવેજ બ્રિટન મોકલ્યા હતા. આ દસ્તાવેજના વર્ણન મુજબ વિસ્ફોટ પછી જવાળામુખીમાંથી ૪ દિવસ કિલોમીટર સુધી ઉંચી આગની જવાળાઓ નિકળતી રહી હતી.૧૫ જુલાઇ ૧૮૧૫માં વિસ્ફોટનું પ્રમાણ ક્રમશ ઘટયું હતું પરંતુ રાખ અને અન્ય તત્વોથી સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચતો ન હતો. આથી દુનિયાના સરેરાશ તાપમાનમાં ૦.૪ થી ૦.૭ ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો. આની અસરથી ઉતરી ગોળાર્ધમાં રહેતા સેંકડો ખેડૂતોના ખેતરનો પાક નિષ્ફળ ગયો હતો અમેરિકા, લેબેનોન અને કેનેડા જેવા અનેક દેશોમાં મે મહિનામાં બરફ વર્ષા થઇ હતી.
જવાળામુખી ફાટવાના એક વર્ષ પછી પણ દુનિયાના ઘણા ખરા વિસ્તારોએ કાળઝાળ ગરમી અનુભવી ન હતી. આથી ઇસ ૧૮૧૬ને વિધાઉટ અ સમર યરના નામથી ઓળખવામાં આવે છે. જવાળામુખી વિસ્ફોટના પગલે રાખ અને વરાળના લીધે વાયુમંડળના ઉપરના સ્તરમાં શોર્ટ સર્કિટ જેવી સ્થિતિ ઉભી થઇ હતી. આથી કાળા ડિબાંગ વાદળો બનવાથી સમગ્ર યૂરોપમાં ભારે વરસાદ થયો હતો. સુમ્બારા જવાળામુખીના કારણે એરોસેલ બનવાથી ભારતમાં પણ ઉનાળાની ઋતુ ઓછી અનુભવાઇ હતી. આ એરોસેલના લીધે સૂર્યની ગરમી જમીન સુધી ન પહોંચતા દક્ષિણ ભારતના તટિય વિસ્તારોમાં ઉનાળો જામ્યો નહી અને ચેન્નાઇએ શીત લહેરનો અનુભવ કર્યો હતો. એપ્રિલ મહિનાના અંત સુધીનું તાપમાન ૧૦ થી ૧૧ ડિગ્રી જયારે રાત્રે માઇનસ ૨ થી ૩ સુધી પહોંચી જતું હતું. આ કોઇ હજારો વર્ષ જુની નથી પરંતુ ૨૦૦ વર્ષ પહેલાની ઘટના છે.
જવાળામુખી વિસ્ફોટમાંથી નિકળેલી રાખમાં સલ્ફર કણો ખૂબજ હોય છે. આ સલ્ફરના કણોથી તૈયાર થયેલી ધૂળ થોડાક દિવસમાં જ બંગાળની ખાડીની ઉપર આવી હતી. આથી ભારતના તટીય વિસ્તારોમાં ગરમી નહી પરંતુ ઠંડી પડવા લાગી હતી. કેટલાક દસ્તાવેજો મુજબ ૨૦ થી ૨૫ એપ્રિલ દરમિયાન બે વાર તાપમાન શુન્યથી નીચે ઉતરી ગયું હતું. છેવટે હવાના પ્રવાહના દબાણના કારણે ધૂળના કણો અરબ સાગર તરફ ખસ્યા હતા. આ ઘટનાના એક વર્ષ સુધી વરસાદ ખૂબજ મોડો અને પુષ્કળ થયો હતો. આ દરમિયાન ભારતમાં કોલેરાનો રોગ ફાટી નિકળતા હજારો લોકોના મોત થયા હતા.
ઇન્ડોનેશિયાનો સુમ્બાવા જવાળામુખી વિસ્ફોટની માત્ર જળવાયુ પરીવર્તનની રીતે જ નહી સામાજીક,રાજકિય અને આર્થિક અસરો પણ પડી હતી. જેમ કે હવામાન બદલાવાથી ચીનના યુનાન પ્રાંતમાં ત્રણ વર્ષ ખેતીની સીઝન નિષ્ફળ રહેવાથી ખેડૂતો અફિણની ખેતી તરફ વળ્યા હતા. અફિણની ખેતી મ્યાનમાર અને દક્ષિણ પૂર્વી એશિયાઇ વિસ્તારો સુધી વિસ્તરી હતી. ૧૮૧૫માં જવાળામુખીનો વિસ્ફોટ યૂરોપના ઇતિહાસને એક નવી જ દિશા આપનારી વોટર લૂ ની લડાઇમાં નેપોલિયનની હારનું પણ નિમિત્ત બન્યો હતો. સુમ્બાવા જવાળામુખી વિસ્ફોટના બે મહિના પછી જુન ૧૮૧૫માં નેપોલિયન અને ડયૂક સેના વચ્ચે લડાઇ થઇ હતી. સંશોધન મુજબ મુશળધાર વરસાદના કારણે કિચડ થવાથી નેપોલિયનનું લશ્કર એક સાથે લડી ના શકવાથી હાર થઇ હતી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b3qf11
ConversionConversion EmoticonEmoticon