આણંદ, તા.8 મે 2020, શુક્રવાર
લોકડાઉનના ત્રીજા તબક્કામાં પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન મોકલવા માટે ઓનલાઈન અરજી મારફતે કામગીરી હાથ ધરાઈ છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ શ્રમિકોને તેઓના વતન મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પરંતુ તારાપુર તાલુકાના વટામણ બ્રીજની કામગીરી માટે આવેલ ઝારખંડના મજુરો લોકડાઉનને લઈ અટવાઈ પડતા ઓનલાઈન અરજીની કામગીરી ન આવડવાને કારણે આ શ્રમિકો વટામણથી ચાલતા નીકળીને આજે સવારના સુમારે આણંદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં શ્રમિકોએ વહીવટી તંત્રને રજૂઆત કરી વતન મોકલવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર વટામણ બ્રીજ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવતા આશરે દોઢ માસ અગાઉ ઝારખંડ ખાતેથી બ્રીજના કામકાજ અર્થે કેટલાક મજૂરો અત્રે આવ્યા હતા. જો કે બ્રીજની કામગીરી શરૃ થયા બાદ આશરે એક સપ્તાહ બાદ સમગ્ર ભારત દેશમાં લોકડાઉન જાહેર કરાતા આ શ્રમિકો અત્રે અટવાઈ પડયા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા તેઓના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ હવે લોકડાઉન લંબાતા મજૂરોની હાલત કફોડી બની હતી. આશરે ૧૭ જેટલા ઝારખંડના શ્રમિકો આર્થિક સંકળામણ અનુભવતા ત્રણ દિવસ પૂર્વે તેઓ વટામણ ખાતેથી ચાલતા નીકળ્યા હતા. દરમ્યાન રસ્તામાં કેટલાક સેવાભાવી લોકોએ તેઓને ભોજન પાણીની સગવડ આપી હતી. જો કે આર્થિક સંકળામણના કારણે આ ૧૭ મજૂરોની હાલત દયનીય હતી. દરમ્યાન ઝારખંડના આ મજૂરો આજે સવારના સુમારે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.
સરકાર દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન મોકલવા માટે ઓનલાઈન અરજી કરવાની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ આ મજૂરો ઓનલાઈન અરજીની પ્રક્રિયાથી અજાણ હોઈ તેઓને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે પ્રશ્ન થયો હતો. બાદમાં આજે સવારના સુમારે આ શ્રમિકો કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વહીવટી તંત્રને રજૂઆત કરી હતી.
વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોને તેઓના વતન મોકલવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wk496x
ConversionConversion EmoticonEmoticon