આણંદ, તા.8 મે 2020, શુક્રવાર
હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે શ્રમજીવીઓ તેમજ રોજેરોજ કામકાજ કરી પેટીયું રળતા લોકો માટે ઘર ચલાવવાનો પ્રશ્ન વિકટ બન્યો છે. સરકાર દ્વારા ગરીબોને મફત રાશન આપી આવા પરિવારોની મદદ માટે પગલાં ભરવામાં આવ્યા છે. જો કે આણંદ જિલ્લામાં વસવાટ કરતા અંદાજે ૧૫ હજાર કરતા વધુ રીક્ષાચાલકોની હાલત ૪૩ દિવસના લોકડાઉનને લઈને કફોડી બનવા પામી છે. આ અંગે સરકાર દ્વારા રીક્ષાચાલકોને કોઈપણ જાતની સહાય ન કરાતા તેઓની હાલત દયનીય બનવા પામી છે.
છેલ્લા ૪૩ દિવસથી ભારત દેશ સહિત આણંદ જિલ્લામાં પણ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લોકો કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે લડત આપી રહ્યા છે. જો કે આજે લોકડાઉનના ૪૩ દિવસ પૂર્ણ થઈ ગયા છે ત્યારે આણંદ જિલ્લામાં રોજેરોજ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા અંદાજે ૧૫ હજાર જેટલા રીક્ષાચાલકોની હાલત કફોડી બનવા પામી છે. હાલ ચાલી રહેલ લોકડાઉનને પગલે રીક્ષાચાલકોને કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે હેતુથી ઘરે બેસવાનો વારો આવ્યો છે. જેને પગલે રોજેરોજ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા રીક્ષાચાલકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. આ સમયગાળા દરમ્યાન સરકાર દ્વારા અંત્યોદય, બીપીએલ સહિત એપીએલ-૧ કાર્ડધારકોને અનાજ તેમજ મહિલાઓને રોકડ સહાય આપી તેઓની મદદ કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા રોજેરોજ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા રીક્ષાચાલકોની વ્હારે આવે તેવી માંગ કરાઈ છે. આ અંગે વધુમાં રીક્ષા એસો.ના પ્રમુખ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ૧૫ હજારથી વધુ રીક્ષાચાલકો હાલ ધંધા-રોજગાર વગર ઘરે બેઠા છે. આગામી તા.૧૭ મે સુધી લોકડાઉન છે અને જો સ્થિતિ વધુ વણસશે તો લોકડાઉનમાં વધારો થવાના એંધાણ છે ત્યારે આણંદ જિલ્લામાં આવેલ રીક્ષાચાલકો પૈકી ૮૦ ટકા રીક્ષાચાલકોએ રીક્ષા લોન ઉપર લીધેલ છે અને રોજીરોટી રળવા માટેનું એકમાત્ર સાધન હોઈ હપ્તા ભરવા માટે પણ ધંધો કરવો અનિવાર્ય છે. જો કે સરકાર દ્વારા ત્રણ મહિના માટે હપ્તામાં રાહત આપવામાં આવી છે પરંતુ લોનની મુદ્દત વધતા ત્રણ માસ જેટલા સમયનું વ્યાજ વધુ ચુકવવાનો વારો આવશે અને રીક્ષાચાલકો દેવાના ડુંગર નીચે દબાતા જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રીક્ષાચાલકો માટે કોઈ સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2A3upJp
ConversionConversion EmoticonEmoticon