ઉષાની ચેતનવંતી લાલિમા


આજે તે અલવરની સુલભ ઇન્ટરનેશનલની અધ્યક્ષા છે. તે અંગ્રેજી શીખી અને એક પ્રભાવશાળી વક્તા બની. એણે મેલુ ઉપાડવા જેવી અમાનવીય પ્રથા સામે જેહાદ ચલાવી

સાત વર્ષની ઉંમરે મેલુ ઉપાડતી ઉષા ચૌમર આજે સેંકડો સ્ત્રીઓનો નિર્ભીક અવાજ બની ચૂકી છે. એને મળેલું 'પદ્મશ્રી'નું સન્માન એ કોઈ એક મહિલાને પ્રાપ્ત થયેલું સન્માન નથી, પરંતુ વિપરીત પરિસ્થિતિ સામે અડગ રહીને લડનારી પ્રત્યેક મહિલાનું સન્માન છે. રાજસ્થાનના અલવરમાં જન્મેલી ઉષા સમજદાર થઈ, ત્યારથી તેણે જોયું કે એનો પરિવાર માથે મેલું ઉપાડવાનું કામ કરે છે, તેથી તે પણ સાત વર્ષની ઉંમરે માતા સાથે આ કામ કરવા લાગી.

દસ વર્ષની ઉંમરે તેના લગ્ન થયા. સ્થળ અને પરિવાર બદલાયો, પણ કામ તો એ જ. ઉષાએ વર્ષો સુધી આ કામ કર્યું, કારણ કે મેલું ઉપાડવું એ જિંદગીની કઠોર વાસ્તવિકતા અને તાતી જરૂરિયાત હતી, પરંતુ એને આ કામ કરવું બિલકુલ ગમતું નહીં. તે કહે છે કે, 'માનવીનું મેલું ઉપાડવાનું કામ કરવું કોને ગમે અને તે પોતાના હાથથી ! અને એ અમારે માત્ર કામ નહીં, અમારું સમગ્ર જીવન બની ગયું હતું. લોકો અમને કચરા સમાન જ માનતા હતા.'

કામ કરતાં તરસ લાગે તો લોકો દૂરથી પાણી આપતા. આ પરિસ્થિતિની એના જીવન પર એટલી વિપરીત અસર થતી કે કામ પરથી આવ્યા પછી ભોજન કરવાનું પણ ગમતું નહીં. ઘરમાં બીમારી રહ્યા કરતી હતી. ઉષાની આસપાસના મોટાભાગના લોકો રગશિયા ગાડાની માફક પોતાનું જીવન પસાર કરતા હતા, પરંતુ તે એમાંની નહોતી તે આમાંથી મુક્ત થવા માટે સતત કોઈ તક શોધ્યા કરતી હતી, પરંતુ બીજું શું કામ કરી શકાય એની કોઈ ગતાગમ એને નહોતી. એવામાં સુલભ ઇન્ટરનેશનલે એના જીવનને એક દિશા આપી. ૨૦૦૩માં તેે 'નઇ દિશા' નામના સંગઠન સાથે જોડાઈ.

૨૦૦૩માં સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠક અલવર આવ્યા, તેઓ મેલું ઉપાડનારા પરિવારોને મળવા ઇચ્છતા હતા, પરંતુ કોઈ મહિલા સમૂહ કે પરિવાર એમને મળવા તૈયાર નહોતા. તેમણે અલવરના મહલ ચોકમાં મળવાનું રાખ્યું, ત્યાં એક મહિલા સમૂહને તેમને મળવાનું થયું, જેનું નેતૃત્વ ઉષા ચૌમર કરતી હતી. આ મુલાકાતે ઉષાના જીવનમાં ઉષાની ચેતનવંતી લાલિમા પ્રસરાવી. તે મહિલા સમૂહને બધી વાત સમજાવીને છ મારૂતિ કારમાં દિલ્હી લઈ જવામાં આવ્યા. ત્યાં સ્વચ્છતાની તાલીમ આપવામાં આવી.

રોજ નહાવું, પોતાની જાતને સ્વચ્છ કેવી રીતે રાખવી, મેલુ ઉપાડવા સિવાય અન્ય કામ કરીને પણ રોજગારી મેળવી શકાય, તેની સમજ આપવામાં આવી. ઉષાએ ત્યાં જોયું કે બધા એમની સાથે સમાન વ્યવહાર કરતા હતા અને એક જ ટેબલ પર ભોજન લેતા હતા. મેલુ ઉપાડવાનું કામ છોડનારને સુલભ ઇન્ટરનેશનલ મહિને દોઢ હજાર આપશે એમ પણ જણાવ્યું. ઉષાના સાસુને થોડો હિચકિચાટ હતો કે કદાચ પછી નિયમિત રીતે આટલા પૈસા ન પણ મળે ! પરંતુ બધાની સમજાવટથી મેલુ ઉપાડવાનું કામ છૂટયું.

આ સંસ્થાએ ઉષાને એક સન્માનપૂર્વક જિંદગી જીવવાની તક આપી. પાપડ, અથાણા, જ્યુટ બેગ, બ્યુટીપાર્લર, સિલાઈ, મહેંદી જેવા કેટલાક કામોની તાલીમ આપી. ૨૦૦૮માં 'મિશન સેનિટેશન' અંતર્ગત યુ.એન. તરફથી યોજાતા, કાર્યક્રમમાં એક વિદેશી મોડલે એના બનાવેલા કપડા પહેરીને 'કેટવૉક' કર્યું હતું. ૨૦૧૦ સુધીમાં તો એણે અલવરનું મેલું ઉપાડનારી બધી મહિલાઓને પોતાના કામમાં સમાવી લીધી. આ કામથી સહુની આવક વધવા લાગી. પોતે મેલુ ઉપાડવા સિવાય કંઈ ન કરી શકે એવી માન્યતા ધરાવતી સ્ત્રીઓ આર્થિક રીતે સબળ અને સદ્ધર બનતા તમનું જીવન બદલાઈ ગયું અને વિશેષ તો એમને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળ્યો. ઉષાને આનંદ એ વાતનો છે કે અલવરમાં આજે કોઈ મહિલા મેલુ ઉપાડતી નથી.

આજે તે અલવરની સુલભ ઇન્ટરનેશનલની અધ્યક્ષા છે. તે અંગ્રેજી શીખી અને એક પ્રભાવશાળી વક્તા બની. એણે મેલુ ઉપાડવા જેવી અમાનવીય પ્રથા સામે જેહાદ ચલાવી. અમેરિકા, ફ્રાંસ, દક્ષિણ આફ્રિકા સહિત વિશ્વના પાંચ દેશોનો પ્રવાસ કર્યો છે. બ્રિટીશ એસોસીએશન ઓફ સાઉથ એશિયન સ્ટડીઝના વાર્ષિક સંમેલનમાં એણે કહ્યું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં જાતિ અને રંગના ભેદભાવના નામ પર ચાલતી છૂતાછૂતની પ્રવૃત્તિ સમાપ્ત થવી જોઈએ.

મેલુ ઉપાડવા જેવી પ્રથાને સમાપ્ત કરવા માટે તેનાથી જે કાંઈ થઈ શકશે તે કરી છૂટશે. ૫૩ વર્ષની ઉષા ચૌમરે આજે ૧૫૭ સ્ત્રીઓના જીવનમાં પરિવર્તન લાવીને તેમને આત્મનિર્ભર બનાવી છે. એની સફળતાનો સઘળો શ્રેય તે ડૉ. બિંદુશ્વર પાઠકને આપે છે. એક સ્ત્રી જે પોતાના અધિકાર માટે અવાજ પણ કરી શકતી નહોતી, તે આજે દેશના મેલુ ઉપાડનારા લાખો લોકોનો નિર્ભીક અવાજ બની ગઈ છે. એક કમજોર સ્ત્રીમાંથી આત્મવિશ્વાસ અને સન્માનજનક જીવન જીવતી ઉષા ચૌમર સ્ત્રી-સશક્તિકરણનું ઉદાહરણ બની ગઈ છે.


ભગવાનની દુકાન નો વેપારી !

ચંદ્રશેખરે પૈસા લેવા એટીએમ પાસે ગાડી ઉભી રાખી એમણે જોયું તો બે બાળકો કચરાના ડબ્બામાંથી ચોખાના દાણા વીણીને ખાઈ રહ્યા હતા! 

કારમી ગરીબી પ્રત્યક્ષ જોવા મળે, ત્યારે વ્યક્તિની સંવેદના કેવી તીવ્રતાથી જાગી ઊઠે છે! એનો અનુભવ બંગાળના આસનસોલમાં રહેતા શિક્ષક ચંદ્રશેખર કુંડૂને થયો. પોતાના પુત્ર શ્રીદીપના જન્મદિવસની પાર્ટી પછી જે ખાવાનું વદ્યું હતું, તે હોટલના કર્મચારીઓને આપ્યું. એ પછી વધ્યું, તે બહાર ફેંકી દેવામાં આવ્યું. હોટલમાંથી પોતાના ઘરે જતા ચંદ્રશેખરે પૈસા લેવા એટીએમ પાસે ગાડી ઉભી રાખી એમણે જોયું તો બે બાળકો કચરાના ડબ્બામાંથી ચોખાના દાણા વીણીને ખાઈ રહ્યા હતા ! આ સમયે એમણે ફેંકી દીધેલા ભોજનની કિંમત સમજાઈ.

ચંદ્રશેખર બંને બાળકોને પોતાના ઘેર લઈ ગયા એ બંનેને ભરપેટ ભોજન કરાવ્યું અને કેટલુંક ભોજન આપ્યું. આ ઘટના પછી તેઓ આખી રાત સૂઈ શક્યા નહીં. આ વિષમતા દૂર કરવા પોતાની રીતે કંઈક કરવાનો સંકલ્પ કર્યો. આ ઘટનાને કારણે ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે માહિતી અધિકાર અંતર્ગત ભોજનના બગાડ અંગે માહિતી માગી, તો જાણવા મળ્યું કે ભારતમાં પ્રતિવર્ષ બાવીસ હજાર મેટ્રિક ટન ખાદ્યાન્નની બરબાદી થાય છે. જો કે, આ ભોજનને બચાવવામાં આવે, તો એક કરોડ લોકો પેટ ભરીને ખાઈ શકે.

ચંદ્રશેખર કુંડૂએ સૌ પ્રથમ પોતાની કોલેજની કેન્ટીન તથા પોતાની આસપાસ અન્ય સ્થળે જ્યાં અનાજનો બગાડ થતો હતો ત્યાં જઈને પોતાની વાત સમજાવી અને વધેલા ભોજનને ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચવાની અનુમતિ માંગી. એ માટે પહેલું કામ વાસણ ખરીદવાનું કર્યું. જેમાં એ ભોજન લઈને વહેંચવાનું કામ કરી શકે. લોકોને આ અંગે જાગૃત કરવા માટે પોતાના અભિયાનની વાત સોશિયલ મીડિયા પર મૂકી. ૨૦૧૬માં ફૂડ એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ (ખઈઈઘ) નામના સંગઠનની સ્થાપના કરી. એના દ્વારા હોસ્ટેલ, કેન્ટીન વગેરેનો સંપર્ક કર્યો.

આ સંગઠન અંતર્ગત 'કમિટમેન્ટ ૩૬૫ ડેઝ', 'પ્રોટીન ક્લબ' જેવા વિવિધ પ્રોજેક્ટ શરૂ કર્યા. 'કમિટમેન્ટ ૩૬૫ ડેઝ' અંતર્ગત શૈક્ષણિક સંસ્થા અને અન્ય કંપનીઓ સાથે જોડાણ કર્યું, તો બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે 'પ્રોટીન ક્લબ'ની શરૂઆત કરી. ઝૂંપડપટ્ટી અને ફૂટપાથ પર રહેવાવાળા બાળકોને રાત્રે ખાવા ન મળતું હોવાથી કુપોષિત રહે છે. તેથી રાત્રે સંગઠન તરફથી બે-ત્રણ જગ્યાએ ખાવાનું બનાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત બાળકોને શિક્ષણ મળે તે હેતુથી સાંજની સ્કૂલ શરૂ કરી, અને લોકોને અપીલ કરી કે પોતાના જીવનમાંથી થોડો સમય આ જરૂરતમંદ બાળકોના અભ્યાસ માટે ફાળવે. આજે સાત જગ્યાએ આવી સ્કૂલો ચાલે છે અને નવ શિક્ષક તેમને ભણાવે છે.

એક દિવસ એમણે જોયું કે, કૉલકાતામાં એક બાળકને ખૂબ તાવ આવ્યો હતો પરંતુ માતા-પિતા એને દવાખાને લઈ જતા નહોતા. ચંદ્રશેખરે માતા-પિતાને સમજાવ્યા, ત્યારે એમને ખબર પડી જો કે, તેઓ બાળકને લઈને દવાખાનામાં લાઇનમાં ઉભા રહે તો મજૂરીએ કેવી રીતે જાય અને રાત્રે બધાએ ભૂખ્યા સૂઈ જવું પડે. આ ઘટનાની વાત એમણે એમના ડોક્ટર મિત્રોને કરી. ડોક્ટરોએ પોતાનું યોગદાન આપવાની તૈયારી દર્શાવી. ડૉ. અતુલ ભદ્ર સાથે મળીને 'ફૂટપાથ ડિસ્પેન્સરી' શરૂ કરી. મહિનામાં એક- બે દિવસ અહીં આવીને ડોક્ટરો બાળકોને તપાસે છે. જરૂર હોય તેનું ચેક-અપ કરવું, દવા- ઇન્જેક્શન આપવા - આ બધું તેઓ નિ:શૂલ્ક કરે છે.

તેની સાથોસાથ જુદી જુદી જગ્યાએ 'ભગવાનની દુકાન' શરૂ કરી છે, જેમાં કપડાં, સ્ટેશનરી, બેગ વગેરે વિભાગ રાખવામાં આવ્યા છે. જ્યાં લોકો પોતાની વધારાની કે બિનજરૂરી વસ્તુઓ આપી જાય છે અને જેને જરૂર હોય તે લઈ જાય છે. આજે એમનું આ અભિયાન આસનસોલ અને કોલકાતામાં આશરે એક હજાર બાળકોની જિંદગીમાં ઉજાસ પાથરી રહ્યું છે. એમણે દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ જેવા શહેરોમાં સામાજિક સંગઠનોને પોતાની વાત કરીને એમને ત્યાં આવા પ્રોજેક્ટ શરૂ કરવા પ્રેરણા આપી છે. આ માટે એમને મિત્રો, કુટુંબીઓ અને સંબંધીઓ પાસેથી આર્થિક સહાય મળે છે. જો કે તેઓ પૈસા લેવાને બદલે પ્રોજેક્ટ સ્પોન્સર કરવાનું કહે છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. ઘણાં લોકોને આવાં કામ મુશ્કેલ લાગે છે, પરંતુ જ્યારે સાથે મળીને કામ કરવાનું હોય ત્યારે તે મુશ્કેલ રહેતું નથી. જો કે, તેઓ માને છે કે જીવનમાં પરિવર્તન લાવવાનો વિચાર કરતા પહેલા વ્યક્તિએ પોતાની રહેણીકરણીમાં થોડું પરિવર્તન સાધવું જોઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39SczpY
Previous
Next Post »