હિંમતે મર્દા... .


પ્રિન્સીપાલ સાહેબ ખૂબ જ કડક હતા. તેઓ કોઈનેય માફ કરે તેવા નહોતા. બધા જ વિદ્યાર્થીઓ સાહેબથી ડરતા હતા. અરે ! શિક્ષકો પણ સાહેબથી ડરતા હતા

લોંગ બ્રેક માટેનો બેલ પડયો એટલે ગોટુએ પોતાની બુકો અને નોટો દફતર ખોલી તેમાં મૂકી. દફતરનું ઉપલું ચેઈનવાળું ખાનું ખોલ્યું અને સવારે કામ ઉપર જતાં પહેલાં મમ્મીએ આપેલી દસની નોટ શોધવાનો પ્રયાસ કર્યો, આખું ખાનું ફંફોસી નાખ્યું, પણ તેને એ દસની નોટ ના મળી.. નક્કી વીરુએ જ શોર્ટ બ્રેકમાં એ નોટ તફડાવી લીધી હશે. તેણે વીરુની બેસવાની જગ્યા સામે નજર કરી, પણ વીરું તો ક્યારનોય કલાસમાંથી નીકળી ગયો હતો- નક્કી તે સ્કુલના કેન્ટીનમાં વડાપાઉં અથવા દાબેલી ખાતો હશે..!

ગોટુની મમ્મી લોકોના ઘેર કચરાં-પોતાં અને વાસણ કરી ઘર ચલાવતી હતી, આમ તો ગોટુ ઘરનો  જ નાસ્તો લાવતો પણ આજે તેની મમ્મી બિમાર હોવાથી તેને ડબ્બો કરી આપ્યો નહોતો પણ દસ રુપિયાની નોટ આપી હતી અને કહ્યું હતું કે- સ્કુલની કેન્ટીનમાં નાસ્તો કરી લેજે પણ... નક્કી એ કામ વીરનું જ હોવું જોઈએ. આમેય ક્લાસના ઘણા બધા છોકરા- છોકરીઓની ફરિયાદ હતી કે વીરુ તેમના દફતર અને પાઉચ કે કંપાસમાંથી પૈસા ચોરી લે છે પણ તે રંગે હાથ પકડાતો નથી. શું કરવું? વીરુને રંગે હાથ પકડવો જ જોઈએ ગોટુ વિચારતો હતો.

આમ તો પ્રિન્સીપાલ સાહેબ ખૂબ જ કડક હતા. તેઓ કોઈનેય માફ કરે તેવા નહોતા. બધા જ વિદ્યાર્થીઓ સાહેબથી ડરતા હતા. અરે ! શિક્ષકો પણ સાહેબથી ડરતા હતા. ગોટુએ વિચાર્યું- સાહેબને જ જાણ કરૂં તો વીરુને રંગે હાથ પકડી શકાય. પણ સાહેબ માનશે ખરા ? ગોટુએ હિંમત કરી અને સાહેબની ઓફિસમાં સાહેબની રજા લઈ પહોંચી ગયો- મનોમન તો તે ડરતો હતો, પણ સાહેબ સહકાર આપે તો તેનું કામ સરળ થઈ જાય..!

બીજા દિવસે પણ ગોટુ દસ રુપિયાની નોટ લઈને જ આવ્યો, દફતરમાં પાઉચમાં જ નોટ મૂકી, પણ તે પહેલાં તે નોટનો નંબર એક કાગળમાં લખી કાગળ કેન્ટીનમાં આપી આવ્યો.

લોંગ બ્રેકનો બેલ પડયો એટલે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના નાસ્તાના ડબ્બા લઈ બહાર નીકળ્યા. ગોટુએ પોતાનો પાઉચચેક કર્યો પણ આજે પણ તેના પાઉચમાંથી દસની નોટ ગાયબ હતી. તેણે વીરું બાજુ જોયું પણ વીરુ તેની જગ્યા ઉપર નહોતો. જેવો વીરુએ નોટ લઈ કેંટીનમાં ગયો અને નોટ આપી તે સાથે જ કેંટીનવાળા ભાઈએ ગોટુએ લખી આપેલો નંબર જોયો. એ જ નંબરની નોટ હતી એટલે તેણે સાહેબને ઇન્ટરકોમ ઉપર જાણી કરી. સાહેબે જોયું, ચકાસ્યું અને વીરૂને દાખલો આપી દેવા તેના વાલીને બોલાવ્યા. ગોટુએ હિંમત કરી સાહેબની મદદથી ચોર પકડયો હતો. બધાંએ ગોટુને તાલીઓથી વધાવી લીધો. હિંમતે મર્દા તો મદદે ખુદા.

- અર્જુનસિંહ.કે. રાઉલજી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39NomG4
Previous
Next Post »