પેટલાદના ધારાસભ્યના પુત્રના પાર્ટીપ્લોટમાં દારૂની મહેફિલ માણતા 11 નબીરા પકડાયા

- હાઇપ્રોફાઇલ મહેફિલમાં પકડાયેલા પીધેલાઓના નામમાં ધારાસભ્યના બે પુત્રના નામની બાદબાકી કરાતા તર્ક-વિતર્ક



આણંદ, તા.13 માર્ચ 2020, શુક્રવાર

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે મળેલ ગુપ્ત  બાતમીના આધારે પેટલાદ શહેરની સાંઈનાથ ચોકડી નજીક આવેલ એક પાર્ટીપ્લોટમાં ઓચિંતો છાપો મારીને દારૂની મહેફિલ માણી રહેલ ૧૧ નબીરાંઓને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે આ તમામ શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટલાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન પેટલાદ શહેરની સાંઈનાથ ચોકડી નજીક આવેલ કળશ પાર્ટીપ્લોટમાં કેટલાક શખ્શો એકત્ર થઈ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની ગુપ્ત બાતમી એલસીબી પોલીસની ટીમને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે કળશ પાર્ટીપ્લોટ ખાતે ઓચિંતો છાપો મારતા એક રૂમમાં વિદેશી દારૂની મહેફિલ માણી રહેલ ૧૧ જેટલા શખ્શો રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા.

પોલીસે તેઓના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે ગૌતમભાઈ ચતુરભાઈ પ્રજાપતિ (રહે.પેટલાદ), મેહુલકુમાર જેઠભાઈ મકવાણા (રહે.કરમસદ), સંદિપસિંહ ઈન્દ્રસિંહ પરમાર (રહે.કસ્બારા), રાજેન્દ્ર જ્યંતિલાલ ઉપાધ્યાય (રહે.પટેલાદ), મૌલિક અશોકભાઈ દરજી (રહે.પેટલાદ), સોરીંગ મહેન્દ્રભાઈ મકવાણા (રહે.વડોદરા), હનીફ શાબીરમીંયા કુરેશી (રહે.આણંદ), હર્ષદભાઈ દિનેશભાઈ ચૌહાણ (રહે.મોગરી), જયેશભાઈ કાંતિભાઈ પરમાર (રહે.આણંદ), અતુલ કનુભાઈ પટેલ (રહે.સોજિત્રા) અને અનુજ બાલક્રિષ્ના ઈનામદાર (રહે.વલાસણ) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની બે બોટલો સહિત ૧૧ શખ્શોની અટકાયત કરી પેટલાદ શહેર પોલીસ મથકના હવાલે કરતા પેટલાદ શહેર પોલીસે ઉક્ત ૧૧ શખ્શો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકીય દબાણથી ધારાસભ્યના પુત્રના નામ ફરિયાદમાંથી કાઢી નખાયાની ચર્ચા

એલસીબી પોલીસ દ્વારા કળશ પાર્ટીપ્લોટ ખાતે મોડી રાત્રે દરોડો પાડી ૧૧ શખ્શોને ઝડપી પાડવામાં આવતા પેટલાદ શહેરમાં ભારે ખળભળાટી મચી જવા પામી હતી. લોકમુખે ચર્ચાતી વાતો મુજબ કળશ પાર્ટીપ્લોટમાંથી પકડાયેલ ૧૧ શખ્શો પૈકી મોટાભાગના શખ્શો કેડીસીસી બેંકના કર્મચારીઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે સાથે આ પાર્ટીપ્લોટ પેટલાદના ધારાસભ્યના પુત્રની માલિકીનો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ પાર્ટીપ્લોટ ખાતે પોલીસના દરોડા દરમ્યાન ધારાસભ્યના બે પુત્રો પણ ઝડપાઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ રાજકીય દબાણને વશ થઈ પોલીસ દ્વારા ફરિયાદમાંથી ધારાસભ્યના પુત્રોના નામની બાદબાકી કરાઈ હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધી ટંગ બનવા પામી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39VJASg
Previous
Next Post »