
ફાગણ-વસંતના રંગે રંગાયેલી પ્રકૃતિની સાક્ષીએ સ્નેહીજનો પર રંગ છાંટવાનો અવસર એટલે હોળી-ધૂળેટી. આ તહેવારમાં ક્યાંક હૃદયની લાગણીઓ સમાયેલી છે. તો એ સાથે ત્યાં ઉમંગ પણ છે. તો ઉત્સાહ પણ જોવા મળે છે. રંગભરી પિચકારી આપણા હાથમાં આવે, ત્યારે આપણને મેઘધનુષ્યનું સ્મરણ થઈ આવે. ધૂળેટીમાં એક બીજા પર રંગછાંટણા થાય ત્યારે ત્યાં સ્નેહભરી લાગણીઓનું મેઘધનુષ્ય રચાઈ જતું હોય છે. હોળી-ધુળેટીએ ભક્તિ અને રંગોની લ્હાણી કરતું પર્વ મનાયું છે. સંત કબીરની ચાદર જુદા રંગે રંગાયેલી છે, તો કૃષ્ણભક્ત મીરાનો કામળો શ્યામરંગી છે.
ધુળેટીએ ખરેખર તો જીવનનાં રંગોને સંતુલિત કરવાનો ઉત્સવ છે. એમાં ગમતી વ્યકિતને રંગવાનો અને તેના દ્વારા રંગાઈ જવાનો આનંદ અદકેરો હોય છે. ફાગણ અને વસંતના આ બંન્ને તહેવારોમાં તેને ખેલનારાને ઉન્માદી બનાવી દે છે. તો આ વાસંતી વાયરામાં શક્તિ અને ભક્તિની જુગલ બંધી સોળે કળાએ ખીલી ઉઠે છે. વસંત- ફાગણનાં આગમનને વધાવવા વૃક્ષો- વનરાજી અને ફૂલોનું યૌવન હિલ્લોળે ચઢતું હોય છે, ત્યારે આ રંગીન ઉત્સવને આવકારવા માણસે પણ ભીતરથી ઉમળકો દર્શાવવાનો રહ્યો. જેમાં તેને ગમતાનો ગુલાલ કરવાનો અવસર મળે છે. ભાત-ભાતના રંગોથી હૃદયને પ્રેમથી ભીંજવનાર વ્યકિતનાં જીવતરમાં ક્યારેય પાનખર નથી આવતી.
ધૂળેટી એ પરસ્પરનાં સ્નેહ મિલનનું સામાજીક પર્વ છે. ત્યારે સૌની જોડે વિવેકભાન રાખીને સંયમીત, મર્યાદા સભર વ્યવહાર કરવાનો છે. હોળીની સંધ્યાએ હોલિકા ફરતે તેની પ્રદક્ષિણા કરતા. આપણી અંદરનાં દુષ્ભાવો જેવા કે કામ, ક્રોધ, લોભ-મોહ, રોષ-દ્વેષને હોળીની જવાળામાં ફગાવી દેવા જોઈએ. આવું કરવાથી હૃદય સ્વચ્છ થતું હોય છે. ખરેખર તો દિલ દિમાગનાં આવા દુર્ભાવોને અગ્નિને અર્પણ કર્યા પછી જ પરસ્પરને રંગવાનો અને રંગાઇ જવાનો લ્હાવો લેવો જોઈએ.
આ રીતે ત્યજી દીધેલી દુર્ભાવનાઓનો અવસર એટલે ધૂળેટી. જીવનને ખુશીઓનાં રંગે-રંગનારું આ રંગપર્વ ન હોત તો આપણું આ જીવન કેટલું કૃત્રિમ, શુષ્ક, એકવિધ બની જાત. ફાગણોત્સવ એ પ્રકૃતિ દત્ત આનંદોત્સર્વ છે. પાનખરની વિદાય પછી નવા વૃક્ષોની કૂંપળો ફૂટતી હોય છે. રંગબેરંગી ફૂલોનાં ગુચ્છા મહેક્તા હોય છે, ત્યારે વસંતરાણીનું આગમન થઈ ચુક્યું હોય છે. આવા સમયે આવતા હોળી- ધૂળેટીનાં પર્વ પર સૌની જિંદગી વિવિધ રંગોથી ખુશીભરી, તાજગીથી સભર બને એવી રંગભીની શુભકામનાઓ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TpHp3a
ConversionConversion EmoticonEmoticon