
યુધિષ્ઠિરે મક્કમતાથી કહ્યું,' હે ઇંદ્રદેવ ! કૂતરા વિના હું સ્વર્ગમાં નહિ આવું. જે મારે શરણે આવ્યો છે તેને મારા જીવનના અંત સુધી હું કદિ પણ તજીશ નહિ.
ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામગમનની અને યદુવંશના વિનાશની વાત સાંભળી, યુધિષ્ઠિરે સ્વર્ગારોહણનો નિ:શ્ચય કર્યો. પરીક્ષિતને રાજ્યગાદી સોંપી દીધી. પાંડવોએ દ્રૌપદી સહિત સ્વર્ગારોહણ માટે, હિમાલય તરફ પ્રયાણ કર્યું.
સ્વર્ગે પહોંચવા માટે હિમાલયનાં શિખરો પાર કરવાં પડે છે. હિમાલય પછી 'મેરુ પર્વત આવે છે. અને મેરુનાં શૃંગ ઉપર સ્વર્ગ છે. આ શરીરથી કોઈ ત્યાં પહોંચી શક્તું નથી. ત્યાં દેવો વસે છે. આવું શાસ્ત્રોનું કહેવું છે. ઋષિમુનિઓએ તેનો અનુભવ કરેલો છે.
યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુળ અને સહદેવ (પાંચભાઈ) તથા પત્ની દ્રૌપદી વલ્કલ ધારણ કરીને મહાપ્રસ્થાન માટે ચાલી નીકળ્યા.
રસ્તામાં તેમની પાછળ એક 'કૂતરો' પણ ચાલતો હતો. આગળને આગળ તેઓ ચાલતાં રહ્યાં. ઉત્તર દિશામાં જ્યાં હિમાલયનાં ઉત્તુંગ શિખર ઉભાં છે. તે દિશામાં ચાલતાં, ત્યાં સામે મેરુ પર્વતને જોયો.
બરફમાં તેઓ ધીરેધીરે આગળ વધ્યાં. એટલામાં 'દ્રૌપદી'એ દેહ છોડયો. પછીતો ચાલતાં ચાલતા ભીમે, સહદેવે, નકુળે અને અર્જુને દેહ છોડયો. હવે તો એકલા યુધિષ્ઠિર રહ્યા.
યુધિષ્ઠિર આગળ ચાલતા રહ્યા અને પાછળ કૂતરો પણ ચાલતો રહ્યો. છેવટે તેઓ મેરુ પર્વત ઉપર પહોંચ્યા. તરત જ સ્વર્ગીય ઘંટનાદ થયો. દેવોએ .યુધિષ્ઠિર ઉપર પુષ્પવૃષ્ટિ કરી. દેવોનો રથ યુધિષ્ઠિર આગળ આવીને ઉભો રહ્યો.
સ્વર્ગના રાજા ઇન્દ્રે યુધિષ્ઠિરને કહ્યું,' હે સદ્ગુણી, પુણ્યશાળી મહામાનવ ! આ રથમાં બિરાજો. નશ્વર શરીરનો ત્યાગ કર્યા વિના જ સ્વર્ગરોહણ કરવાનો અધિકાર એક તમને જ છે.'
પણ યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ અને દ્રૌપદી સિવાય તેમ કરવાની ના પાડી. ઇંદ્રે તેમને સમજાવ્યા કે તમારા ભાઈઓ અને દ્રૌપદી શરીરનો ત્યાગ થતાં સ્વર્ગમાં આવી ગયાં છે.
યુધિષ્ઠિરે રથમાં બેસતાં પહેલાં સાથે આવેલા કૂતરાને કહ્યું,' હે વત્સ ! રથમાં ચઢી જા.' દેવો- ઇંદ્ર સ્તબ્ધ થઈ ગયા. 'તેઓ પોકારી ઉઠયા : શું કૂતરો સ્વર્ગમાં આવે ? હે યુધિષ્ઠિર ! આ કૂતરાને તજી દો. શું તમે પાગલ થઈ ગયા છો ?
યુધિષ્ઠિરે નમ્રતાથી પણ દૃઢતાથી કહ્યું,' પણ જ્યારે મારા ભાઈઓ અને પત્ની મને છોડી ગયાં ત્યારે બરફમાં અને હિમવર્ષામાં આ કૂતરો મારો વફાદાર સાથી રહ્યો છે. તેણે મારો ત્યાગ કર્યો નથી તો તેને હું કેમ તજી શકું ?'
ઇંદ્રે કહ્યું,' કૂતરાને સાથે રાખનાર માટે સ્વર્ગમાં સ્થાન નથી. તમારે તેને પાછળ છોડી દેવો જ પડશે. તેમાં કોઈ અધર્મ નથી.'
યુધિષ્ઠિરે મક્કમતાથી કહ્યું,' હે ઇંદ્રદેવ ! કૂતરા વિના હું સ્વર્ગમાં નહિ આવું. જે મારે શરણે આવ્યો છે તેને મારા જીવનના અંત સુધી હું કદિ પણ તજીશ નહિ. સ્વર્ગના સુખ ખાતર કે દેવોના વચન ખાતર હું મારા ધર્મના માર્ગમાંથી ચલાયમાન નહિ થાઉં.'
ઇંદ્રે કહ્યું,' એક જ શરતે કૂતરો સ્વર્ગમાં આવી શક્શે. તમે તો અત્યંત સદ્ગુણી મહામાનવ છો. પણ આ તો શ્વાન છે. તેણે પ્રાણીઓ માર્યા છે. ખાધાં છે. તેથી તે પાપી છે. હા, તમે તેની સાથે તમને મળવાના સ્વર્ગની માત્ર અદલાબદલી કરી શકો છો.'
યુધિષ્ઠિરે તુરત જ પ્રેમથી- હર્ષથી કહ્યું,' ભલે, કૂતરાને મારે બદલે સ્વર્ગમાં જવા દો. '
યુધિષ્ઠિરના આ શબ્દો પછી એક અજબ ઘટના બની ! એક 'ધર્મરાજા' સાક્ષાત્ પ્રગટ થયા. ધર્મરાજા એટલે કે મૃત્યુ અને ધર્મના અધિષ્ઠાતા 'યમરાજ' પોતે જ કૂતરાનું સ્વરૂપ લઈ યુધિષ્ઠિરની પરીક્ષા કરી રહ્યા હતા.
ધર્મરાજાએ કહ્યું,' હે યુધિષ્ઠિર ! તમારા જેવો નિ:સ્વાર્થી કોઈ મનુષ્ય મેં જોયો નથી કે જે એક ક્ષુદ્ર કૂતરા ખાતર સ્વર્ગ તજે. અને તેને સ્વર્ગમાં મોકલવા ખાતર પોતાના સદ્ગુણો- પુણ્યનું ફળ તજીને નર્કમાં જવા તૈયાર થાય. ઓ રાજાઓના રાજા ! તમારો જન્મ સફળ થયો છે, તમને સર્વ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા છે. તેથી અક્ષય સુખોવાળી પરમાનંદભૂમિ તમારી છે. તમારા ઉચ્ચ અને દિવ્ય આદર્યને કારણે તમે જીતી છે.
યુધિષ્ઠિર દિવ્યરથમાં બેસી ઇંદ્ર, ધર્મરાજા તથા અન્યદેવો સહિત સ્વર્ગમાં ગયા.
મહાભારતમાં મહર્ષિ વ્યાસે મહાન વીરોનાં ભવ્ય અને ઉત્તમ ચરિત્રોની હારમાળા સર્જી છે. ઉપરના પ્રસંગમાં યુધિષ્ઠિરની ઉદાત્ત અને ધર્મપરાયણ પ્રકૃતિનાં દર્શન થાય છે.
મહાભારત, રામાયણ ભાગવત જેવા ગ્રંથોમાં આવતાં પાત્રો વર્ષોથી સમગ્ર ભારતીય જીવનનો મહામૂલો વારસો છે. આપણી ઉદાત્ત સંસ્કૃતિ અને નૈતિક જીવનનો પાયો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે :-
- તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતા :।।(ગીતા)
'સમસ્ત પ્રાણીોના હિતમાં રમમાણ તે યોગીજનો મને જ પ્રાપ્ત કરે છે.'
- જે મનુષ્ય સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દ્વેષ રહિત છે. સર્વનો નિ:સ્વાર્થ પ્રેમી અને નિર્હેતુક દયાળુ છે.. તે ભક્ત મને પ્રિય છે.'
- મારો ભક્ત મને સર્વ પ્રાણીઓનો સુહદ-કૃપાળુ- પ્રેમી તત્વરૂપે જાણીને શાંતિ પામે છે.'
- લાભુભાઈ ર.પંડયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PP0Pwj
ConversionConversion EmoticonEmoticon