જરીવાળા વસ્ત્રોનું જતન


આજે ભલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થઈ રહ્યું હોય, પણ તેટલાક રીતરિવાજ હજુ પણ સદીઓ સુધી ચાલ્યા જ કરશે. પ્રાચીન સમયથી વાર-તહેવાર, પૂજાપાઠ કે લગ્નપ્રસંગ નિમિત્તે નિતનવીન વસ્ત્રો  પહેરવામાં આવે છે. જરીવાળી કે સિલ્કની ભારે સાડી, તુઈ કે આભલાં ભરેલાં ચણિયાચોળી કે આધુનિક ડિઝાઈનનાં  કપડાંમાં શોભતી સ્ત્રીઓને જોતાં જ લાગે કે, આજે કોઈ તહેવાર કે ખાસ પ્રસંગ હોવો જોઈએ. વળી, મોંઘવારીના જમાનામાં જરીવાળાં વસ્ત્રોની કિંમત પણ વધી ગઈ છે અને એટલે જ એમને સાચવીને રાખવામાં આવે, તો વર્ષો સુધી એવાં ને એવાં જ રહે છે.

હજુ ગયા મહિને જ અમારા પાડોશીના ઘરે લગ્ન હતાં. બધી જ સ્ત્રીઓ ભારે ભારે સાડીઓ અને ઘરેણાંથી લદાયેલી હતી. ચણિયાચોળી પહેરીને દીવાલને અઢેલીને ઉભેલાં મનિષાબહેન બહુ જ સુંદર લાગતાં હતાં. એટલામાં બાજુમાં ઊભેલી એક સ્ત્રીએ મનીષાને પૂછ્યું, ''ભાભી, આ આધુનિક યુગમાં તમે જૂની ફેશનનાં ચણિયાચોળી કેમ ખરીદ્યાં? ખરીદવાં જ હતાં, તો નવી ફેશનનાં ચણિયાચોળી કેમ ના ખરીદ્યાં?''

મનીષાબહેને કહ્યું, ''અરે, આ ક્યાં નવાં ખરીદ્યાં છે? આ તો વીસ વર્ષ જૂનાં છે. મારા શરીરનું વજન નથી વધ્યું, એટલે કામ લાગ્યાં, નહીં તો ટૂંકમાં જ પડી રહ્યાં હોત.''

સાંભળનારી એ સ્ત્રીને તો બહુ જ નવાઈ લાગી. એણે કહ્યું, ''અરે વાહ, આટલાં વર્ષો પછી પણ કેટલાં બધાં સરસ લાગે છે! મારાં ચણિયાચોળીનો તો રંગ જ ઊડી ગયો છે.''

આવી જ રીતે મીતાએ હજી પાંચ વર્ષ પહેલાં જ જરીની સાડી ખરીદી હતી પણ એવી લાગતી હતી, જાણે ચાલી વર્ષ જૂની હોય! તો વળી, કેટલીક સ્ત્રીઓનાં ફેન્સી કપડાંમાંથી ડામરની ગોળીઓની ગંધ આવતી હતી અને કેટલાકનાં કપડાંમાં ઝીણાં કાણાં પડી ગયાં હતાં.

શું તમે નથી ઈચ્છતાં તે તમારાં વસ્ત્રો પણ મનીષા બહેનનાં ચણિયા ચોળીની જેમ વર્ષો સુધી સચવાય? આ માટે નીચેનાં સૂચનો ધ્યાનમાં રાખશો, તો જરીવાળાં, ફેન્સી કે ભરતકામ કરેલાં વસ્ત્રો વર્ષો સુધી પહેરવાલાયક રહેશે. એટલું જ નહીં, એમને પહેરવાથી તમે પણ સુંદર દેખાશો.

ભારે જરીનાં કપડાં ખરીદતી વખતે એમના અસ્તર માટે મેચિંગ અને સારું કાપડ ખરીદો. ઘણી વાર અસ્તરનું કાપડ હલકું હોવાથી એ તરત ફાટી જાય છે. એ જ રીતે જરીની કે ફેન્સી સાડી ખરીદતી વખતે જ મેચિંગ ફોલ, ચણિયો એ બ્લાઉઝ પણ ખરીદી લો.

ભારે સાડીઓ ફોલ ચઢાવ્યા વગર ન પહેરો. ફોલને ધોઈ અને ઈસ્ત્રી કર્યા પછી ચઢાવો. વળી, ફોલ ચઢાવવા માટેના દોરા પણ સારા, મજબૂત અને પાકા રંગના હોવા જોઈએ.

ભારે કાપડની ખરીદી હંમેશાં દિવસના અજવાળામાં જ કરો. શોરૂમની બહાર લાવીને એ કપડાનો રંગ અને તેની ચમક જોયા પછી ફ્રેશ માલ લાગે તો જ એ ખરીદો, કારણ કે રાત્રે કપડાના મૂળ રંગ અને ચમકની બરાબર ખબર પડતી નથી. મોંઘાં કે લાંબા સમય સુધી ચાલે તેવાં કપડાં એક જ દુકાન પર જઈને વેપારી માગે એ કિંમતે ખરીદી લેવાની ઉતાવળ ન કરો. બે-ચાર દુકાનો પર ફરીને નવી ફેશનના ડ્રેસ જુઓ તેમજ તેની કિંમત અને કાપડ વિશે માહિતી મેળવો.

ખરીદી કર્યાનું બિલ લેવાનું ન ભૂલશો. આનો ફાયદો એ થશે કે, ગેરંટીના સમય પહેલાં કોઈ નુકસાની જણાય તો ખરીદેલી વસ્તુ બદલી શકાશે.

જરીનાં કપડાં પહેરવાનાં હો, ત્યારે એક દિવસ અગાઉથી જ તેમને હેંગર પર ટિંગાડીને તિજોરી કે કબાટમાં રાખો. સાડી પહેરવાનાં હો, ચો ચણિયો અને બ્લાઉઝ પણ એની સાથે જ ભેરવી દો. જો ડ્રેસ પહેરવાનાં હો, તો ઓઢણી પર ડ્રેસની સાથે હેંગરમાં ભરાવો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tvwvbb
Previous
Next Post »