
પેટલાદ, તા.05 માર્ચ 2020, ગુરુવાર
પેટલાદ તાલુકાના પંડોળી તાબેના સંતોષપુરાનો પરિવાર દિકરીના ભાણેજના સાળંગપુરમાં માનતા પૂરી કરી રિક્ષામાં પરત ફરતો હતો ત્યારે બરવાળા પાસે બેકાબૂ કારે રિક્ષાને અડફેટે લેતા સંતોષપુરાના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા હતા. જેના પગલે નાનકડા ગામમાંં એક જ પરિવારના ત્રણ સભ્યોની અર્થી એક સાથે ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું હતું અને વાતાવરણ ભારેખમ થઈ ગયું હતું.
બોટાદ જિલ્લાના બરવાળા હાઇવે પર પુરઝડપ આવતી કારે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં બેઠેલા પેટલાદ તાલુકાના ૭ મુસાફરો રોડ ઉપર ફંગોળાઈ જતાં માતા પિતા અને પુત્રના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે રિક્ષા ચાલક અને અન્ય બે બાળકો સહિત ૪ ગંભીર ઈજા થતા ભાવનગરની હોસ્પિટલમાં વધુ સારવારઅર્થે ખસેડાયા હતા. આ અંગે બરવાળા પોલીસે કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના પંડોળી ગામે સંતોષપુરા તાબે રહેતા સોલંકી પરિવાર ગત રાત્રિના રોજ પુત્રીના ભાણેજની માનતા પૂરી કરવા સાળંગપુર દર્શન કરવા જવા નીકળ્યા હતા જયાંથી દર્શન કરી પરત ફરતા રાત્રે ૧૧ના સુમારે બરવાળા તાલુકાના રોડ ઉપર પસાર થતા હતા ત્યારે અચાનક સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે ટક્કર મારતા રીક્ષામાં સવાર સાત મુસાફરો પૈકી મનુભાઈ રામાભાઈ સોલંકી (ઉ.વ.-૪૨), તેમની પત્ની સુમિત્રાબેન સોલંકી (ઉ.-૪૦) તેમજ પુત્ર વિષ્ણુભાઈ (ઉ.વ.૧૬)નાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને અન્ય બે બાળકો સહિત ૪ને વત્તા ઓછા પ્રમાણમાં ઇજા પહોંચતા તેઓને ૧૦૮ દ્વારા નજીકની ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પંડોળી રહેતા પરિવારને થતા ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
મરણ જનાર એક જ પરિવારના ત્રણ સભ્યોમાં માતા પિતા અને પુત્રનું મોત થતા તથા અન્ય ત્રણ દિકરીઓએ એકનો એક ભાઈ અને માતા પિતાના પગલે નિરાધાર થતાં સમગ્ર સંતોષપુરા સહિત ગામમાં શોકની ગમગીની છવાઈ હતી. આજે સંતોષપુરામાં એક પરિવારના ત્રણ સભ્યોની અર્થી એક સાથે નીકળતા વાતાવરણ ભારેખમ બની ગયું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ttzy4R
ConversionConversion EmoticonEmoticon