ખાનગી ક્ષેત્રની બેન્કોની આપસી સ્પર્ધા દેશના નાણાંકીય ક્ષેત્ર માટે ખતરાની ઘંટડી સમાન


યસ બેન્કના મામલામાં સરકાર અને રિઝર્વ બેન્કે કાર્યવાહી કરવામાં ઢીલ કરી છે ત્યારે હવે તેને બેઠી કરવામાં કોઈપણ બેકાળજી દેશની નાણાં વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ ડગમગાવી દેશે

યસ બેન્કની કટોકટીને હાથ ધરવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બેન્કિંગ રેગ્યુલેશન એકટની કલમ ૪૫ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો હતો. સત્તાનો ઉપયોગ કરી આરબીઆઈએ યસ બેન્કની બોર્ડને સુપરસીડ કરી તેના પર એડમિનિસ્ટ્રેટરની નિમણૂંક કરી નાખી હતી અને બેન્કમાં તથા દેશની એકંદર નાણાં વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવા ઝડપી પગલાંઓ પણ હાથ ધરવાનો વ્યૂહ અપનાવ્યો હતો, જેમાં સરકારે પણ આરબીઆઈને સાથ આપ્યો હતો. કોઈ ખાનગી બેન્ક માટે રિઝર્વ બેન્કે આટલી વ્યાપક કવાયત હાથ ધરવી પડતી હોય તેવું ભાગ્યેજ જોવા મળે છે.

આ અગાઉ  ૨૦૦૪માં ખાનગી ક્ષેત્રને ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક લિ.ને મોરેટોરિઅમમાં મૂકવા ફરજ પડી હતી. જો કે તે વેળાએ  આ બેન્કને જાહેર ક્ષેત્રની બેન્કમાં ભેળવી દઈને તેના છાંટા અન્યત્ર ઉડતા અટકાવ્યા હતા. છેલ્લા ત્રણ દાયકામાં રિઝર્વ   બેન્કે એક પણ કમર્સિઅલ બેન્કને નિષ્ફળ જવા દીધી નથી. માર્ચ મહિનો એટલે  કંપનીઓના નાણાં વર્ષનો છેલ્લો મહિનો. આ મહિના દરમિયાન કંપનીઓ કેશ મેનેજમેન્ટમાં પ્રવૃત્ત હોય છે. આવી સ્થિતિમાં  યસ બેન્કને લાંબો સમય સુધી મોરેટોરિઅમમાં રાખવાનું વ્યવહારુ સાબિત નહીં થાય તે રિઝર્વ બેન્ક સારી પેઠે જાણતી હોવાથી યસ બેન્કને સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં ઝડપ કરાઈ છે.

 છેલ્લા બે વર્ષથી યસ બેન્ક તેના વહીવટને લઈને છાપે ચડી હતી તો તેની સામે પગલાં લેવામાં સરકારે આટલી ઢીલ શા માટે કરી તેવો પ્રશ્ન  થઈ રહ્યો છે. રાણા કપુર અને તેની મેનેજમેન્ટ સામે લાંબા સમય પહેલા પગલાં લેવાવા જોઈતા હતા તે લેવામાં આવ્યા નથી. રાણા કપુરની ધરપકડ બાદ બહાર આવી રહેલી વાતો ઘણી જ ગંભીર છે. એટલે કે ખાનગી બેન્કો પણ રાજકીય પ્રભાવથી અલગ રહી શકતી નથી તેવા આ પ્રકરણ પરથી સંકેતો પણ મળી રહ્યા છે.

જો કોઈ બેન્ક નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં સદર બેન્કના ખાતેદારોને વીમા પેટેની રકમની ચૂકવણીનો આંક ઘણો મોટો થઈ શકે છે. આ અગાઉ પણ જ્યારે અનેક સહકારી બેન્કો નાણાંકીય રીતે દબાણ હેઠળ આવી ગઈ હતી ત્યારે રિઝર્વ બેન્કે ખાતેદારોના રક્ષણ માટે વિવિધ અભિગમો અપનાવ્યા હોવાનું જોવા મળ્યું છે. અનેક કિસ્સાઓમાં રિઝર્વ બેન્ક આવી બેન્કો જયાંસુધી સ્થિર ન થાય ત્યાંસુધી તેમના મોરેટોરિઅમનો સમયગાળો લંબાવતી રહી છે.

જો આવી બેન્કો નિષ્ફળ જાય અને તેમને લિક્વિડેશનમાં લઈ જવામાં આવે તો, બેન્કના દરેક થાપણદારોને ધ ડીપોઝિટ ઈન્સ્યૂરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વીમા પેટે રૂપિયા એક લાખ જે હવે વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવી છે તે ચૂકવવાનો વારો આવે. જે આ કોર્પોરેશનને કદાચ  પરવડી શકે નહીં. કારણ કે બેન્કોના થાપણદારોની સંખ્યા પ્રમાણમાં ઘણી જ મોટી હોય છે. સામાન્ય રીતે આ કોર્પોરેશનની રચના નાની બેન્કો તૂટી પડે તો તેવા કિસ્સામાં નાણાંની ભરપાઈ કરવા માટે કરાઈ છે, પરંતુ મોટી કમર્સિઅલ બેન્ક તૂટી પડે તો તેવી સ્થિતિમાં દાવાઓ ભરપાઈ કરવાનું કોર્પોરેશનની તાકાત બહાર બની રહે છે. 

કોર્પોરેશનના છેલ્લામાં છેલ્લા વાર્ષિક રિપોર્ટ પર નજર નાખવામાં આવતા જણાય છે કે, નાણાં વર્ષ ૨૦૧૯માં કોર્પોરેશનની કુલ આવક રૂપિયા ૧૯૨૮૮ કરોડ રહી હતી જેમાંથી રૂપિયા ૧૨૦૪૩ કરોડ બેન્કો પાસેથી વીમા પ્રીમિયમ્સના રૂપે અને રૂપિયા ૭૨૪૫ કરોડ ઈન્વેસ્ટમેન્ટ મારફતની આવક થઈ છે. દાવાઓની પતાવટ અને રૂપિયા ૧૫૨ કરોડના અન્ય ખર્ચા  બાદ કોર્પોરેશન પાસે  વર્ષના અંતે રૂપિયા ૧૧૯૩૧ કરોડની રકમ હાથમાં બચી હતી. કોર્પોરેશનની આ પુરાંત ડિપોઝિટ ઈન્સ્યૂરન્સ ફન્ડમાં લઈ જવામાં આવે છે. જેના લાયસન્સ રદ થાય છે તેવી બેન્કોના ખાતેધારકોને આ ફન્ડમાંથી વીમાની ચૂકવણી કરવામાં આવે છે. નાણાં વર્ષ ૨૦૧૯ના અંતે કુલ રૂપિયા ૯૭૩૧૯ કરોડનું ફન્ડસ જમા થયું હતું.

પોતાની સ્થાપનાથી અત્યારસુધીમાં  કોર્પોરેશને અત્યારસુધીમાં રૂપિયા ૫૧૧૭ કરોડની રકમ વીમાના દાવા પેટે ચૂકવી છે. જો કે આ બધી રકમ સહકારી બેન્કો તથા અન્ય નાની બેન્કોની નિષ્ફળતાના સંદર્ભમાં ચૂકવવામાં આવી છે, પરંતુ યસ બેન્ક જેવી કોઈ મોટી બેન્કની નિષ્ફળતા પેટે કોર્પોરેશને વીમાની રકમ ચૂકવવી પડી હોય તેવું હજુ સુધી જોવામાં આવ્યું નથી. આમ સરકાર મોટી બેન્કોને શા માટે નિષ્ફળ જવા દેતી નથી તે સમજી શકાય એમ છે. જો કોઈ મોટી બેન્કના લાયસન્સ રદ કરવાનું સરકાર સાહસ કરે તો તેની અસર દેશની નાણાં વ્યવસ્થા પર પડે એટલું જ નહીં પણ વીમાની રકમ પેટે પણ જંગી રકમ ચૂકવવાનો વારો આવી શકે. 

આ હકીકતને ધ્યાનમાં રાખીને જ કદાચ યસ બેન્કને ફરી બેઠી કરવા રિઝર્વ બેન્ક અને નાણાં મંત્રાલય હાલમાં એકશનમાં આવી ગયા છે. પરંતુ હાલની આર્થિક મંદી વચ્ચે બેન્કને ફરી ધમધમતી કરવી અને તેમાં મૂડી ઠાલવવાની કામગીરી આરબીઆઈ માટે વ્યવહારુ સાબિત  થશે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે.  દેશની ચોથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્કને ફરી બેઠી કરવા માટે તેના પર મજબૂત મેનેજમેન્ટ બેસાડવાની રહેશે, જે બેન્કના ચોપડાનું યોગ્ય ઓડિટ કરે અને કામગીરી પર બારિકાઈથી નજર રાખે.

બેન્કની અગાઉની મેનેજમેન્ટની કામગીરીની હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે જો કે આ તપાસ લાંબી ચાલશે અને તેમાં છેવટે હાથમાં શું આવે છે તે તો ભવિષ્યમાં જ જાણી શકાશે.  રિઝર્વ બેન્કની મુખ્ય જવાબદારી યસ બેન્કને પાટે ચડાવવાની સાથોસાથ તેની ચેપી અસર અન્ય બેન્કો  અથવા નાણાં સંસ્થાઓ પર ન પડે તે જોવાનું રહેશે.

યસ બેન્કના અનુભવ પરથી કહી શકાય કે દેશમાં એક એવા સંસ્થાકીય માળખા અને કાનૂની રૂપરેખાની જરૂર છ ેજે કોઈ મોટી નાણાંકીય કંપનીની નિષ્ફળતાના કિસ્સામાં તેની એકઝિટ એવી રીતે કરે જેમાં થાપણદારોના નાણાંનું સંપૂર્ણ રીતે રક્ષણ થઈ શકે અને જે તે સંસ્થા અને સરકારની એસેટસનો નાશ ન થાય.

યસ બેન્કના મામલામાં સરકાર અને રિઝર્વ બેન્કે કાર્યવાહી કરવામાં ઢીલ કરી છે ત્યારે હવે તેને બેઠી કરવામાં કોઈપણ બેકાળજી દેશની નાણાં વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ ડગમગાવી દેશે. દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કોની સરખામણીએ ખાનગી ક્ષેત્રની બેન્કો અને નાણાં સંસ્થાઓની ભૂમિકા વધી રહી છે અને આગળ જતા વધવાની શકયતા રહેલી છે ત્યારે  સરકાર તથા રિઝર્વ બેન્કે એક નિયામક તરીકે વધુ    સજાગ બનવાનો હવે સમય પાકી ગયો છે એમ કહીશું તો ખોટું નહીં ગણાય. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TQQDpq
Previous
Next Post »