તમાકુની ખળીમાં પોલીસે છાપો મારતા નકલી ખાતર અને દવા બનાવવાનું કૌભાંડ પકડાયું


આણંદ, તા.14 માર્ચ 2020, શનિવાર

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામે આવેલ એક તમાકુની ખરી ખાતે આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપની ટીમે ગઈકાલ રાત્રિના સુમારે ઓચિંતો છાપો મારીને નકલી ખાતર તથા દવાઓ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી બનાવટી ખાતરની થેલીઓ તેમજ અન્ય સાધનસામગ્રી મળી કુલ્લે રૂા.૫.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ  બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આંકલાવ તાલુકાના ભેટાસી તળપદ ગામે સરકારી દવાખાના સામે સુમનભાઈ ડાહ્યાભાઈ પટેલની તમાકુની ખરી આવેલ છે. આ ખરીમાં નકલી ખાતર તેમજ દવાઓ બનાવવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી આણંદ એસઓજી પોલીસની ટીમને મળી હતી. 

મળેલ ગુપ્ત બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે ગઈકાલ રાત્રિના સુમારે ભેટાસી તળપદ ગામે આવેલ તમાકુની ખરી ખાતે ઓચિંતો છાપો મારતા બનાવટી ખાતરની માર્કાવાળી થેલીઓમાં ખાતર ભરી રહેલ એક મહિલા ઘટના સ્થળેથી મળી આવી હતી. પોલીસે તેના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે પારૂલબેન પંકજભાઈ દલવાડી (રહે.નડિયાદ) હોવાનું ખુલવા પામ્યું હતું. 

દરમ્યાન પોલીસે એફએસએલની ટીમને જાણ કરતા એફએસએલની ટીમની પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ખાતરની થેલીઓની તપાસ કરતા કેમીકલ સહિત અન્ય વસ્તુઓ ભેળસેળ કરી નકલી ખાતર બનાવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. 

પોલીસે ઘટના સ્થળેથી ૪૦૦ જેટલી બનાવટી ખાતરની થેલીઓ ઉપરાંત દવાઓ તથા અન્ય સાધનસામગ્રી મળી કુલ્લે રૂા.૫,૯૭,૦૬૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ઘટના સ્થળેથી ઝડપાયેલ પારૂલ દલવાડીની પોલીસે વધુ પુછપરછ હાથ ધરતા ખેડૂતોને આપવામાં આવતા રાસાયણિક ખાતરમાં ભેળસેળ કરી તેને ફરીથી માર્કાવાળી થેલીઓમાં ભરી સીલ કર્યા બાદ ઉંચી કિંમતે વેચવામાં આવતુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

 અને છેલ્લા દોઢેક વર્ષથી આ રેકેટ ચલાવવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું હતું. એક તરફ ખેડૂતોને રાસાયણિક ખાતર મેળવવા માટે આમ-તેમ ભટકવું પડે છે ત્યારે ભેટાસી ખાતે બનાવટી ખાતર બનાવવાની ફેક્ટરી ઝડપાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. 

બનાવટી ખાતર બનાવવામાં મહિલાની સાથે અન્ય કેટલાક શખ્શો પણ સામેલ હોવાની ચર્ચા ચકડોળે ચઢી છે ત્યારે પોલીસ દ્વારા જો આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો ખાતરના કાળાબજારના રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TPVxTF
Previous
Next Post »