શાણી શકરાભાઈના ટ્રેનમાં ગરબડ ગોટાળા


શકરાભાઈ અને શાણીબહેન એક શુભપ્રસંગમાં હાજરી આપવા માટે જોડે જતાં હતા. બંને સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાડી ઉપડવાની તૈયારી હતી. રસ્તામાં રિક્ષા બગડી એમાં ગરબડ થઈ ગઈ. શાણીબહેન એમના રીઝર્વ ડબામાં જરા ઝડપ કરીને બેસી ગયા.

પરી કહે : 'હું દાદાને ચડાવી દઉં.'

દાદા જરા રકઝક કરવા માંડયા. સીટી વાગી - પરી ગભરાઈ ગઈ - બા ડબામાં એકલા હતા એની એને ગભરામણ થઈ. એ રઘવાટમાં દાદાને મૂકીને ફટાફટ ચડી ગઈ અને ગાડી ઉપડી.

શાણીબહેન તો રડવા જ માંડયા. પરીને ગભરાટ થયો કે ડબામાં નાહક વાતનું વતેસર થશે. એણે બાને માંડ માંડ સમજાવીને સધિયારો આપ્યો પણ પરી હજી આઠ નવ વરસની, એ શું કરે ?

ટિકિટ ચેકરને જોઈને એણે જરા બૂમ મારી : 'સર, પ્લીઝ જરા... ટ્રબલ થઈ છે, હેલ્પ અસ.'

પરી અંગ્રેજી માધ્યમમાં ભણી હતી એટલે ઠીક ઠીક વાત કરી શકી. એણે આખી પરિસ્થિતિ અંગ્રેજી-ગુજરાતીની મીક્સ ભાષામાં સમજાવી. દાદા સ્ટેશને રહી ગયા એ હકીકત કહી. કન્ડક્ટરે સહાનુભૂતિથી કહ્યું, 'બહેન ! ગાડી હવે છેક મહેમદાવાદ ઊભી રહેશે.'

શાણીબહેન આ સાંભળીને ફરી ધુ્રસ્કે ચડયાં. પરીને થયું મમ્મીને ફોન કરી દઉં. પપ્પા સ્ટેશન પર સાવ બેબાકળા થઈ જશે. ઘરમાં કોઈ વડીલ હોય તેનો નંબર હોય આપ... હું ફોન જોડી દઉં.

પરીએ કહ્યું : 'પ્લીઝ ! મને બે મિનિટ માટે મોબાઈલ સ્પેટ કરશો ? ઈમર્જન્સી છે...'

સજ્જનને વિશ્વાસ બેઠો. પરીને જોતાં જ કોઈને પણ એના પર વિશ્વાસ થાય એવી એની વાણીમાં અને વ્યવહારમાં સરળતા હતી.

પરીએ મમ્મીને મંજરીને ફોન જોડયો. મંજરી હેબતાઈ જ ગઈ. મુન્નો ય ઘેર હતો નહિ. એને શું કરવું તે ય સૂઝ્યું નહિ. મોબાઈલ તો પેલા ભાઈને પરત થઈ ગયો હતો.

મંજરીએ વિશાલને માંડ માંડ ધૂ્રજતાંસાદે વાત કરી. દાદા સ્ટેશન પર એકલા રહી ગયા છે. એ તો ખૂબ ગભરાઈ ગયા હશે. એટલું બોલતાં એ રડી પડી. વિશાલે એ ધૂ્રસ્કું સાંભળતાં જ એમને ઘેર પહોંચ્યો. ઘરમાં મમ્મીને અને પપ્પાને સહેજ વાત કરી.

મંજરીનો ગભરાટ સાંભળીને કહે : ''ભાભી ! ચિંતા ના કરશો. આપણે પહોંચી વળીશું. રશ્મિ ય જોડે જવા તૈયાર થઈ. વિશાલ કહે ચાલ એકથી બે ભલાં ?''

બાબલો કટાક્ષમાં કહે : 'મામેરુ સાથે ને સાથે.'

ફેન્ટાએ આંખમાંથી એવા તણખા  વેર્યા કે બાબલો છળી ગયો. એની બોલતી જ બંધ થઈ ગઈ. વિશાલે એના મોબાઈલ પરથી ફોન નંબરો શોધીને રેલ્વેના સ્ટેશન માસ્તરને ફોન કર્યો અને તરત સ્ટેશન પર બંને પહોંચ્યા. શકરાભાઈ કોઈ રિક્ષાની શોધમાં હાંફળા ફાંફળા પગથિયે ઉભા હતા.

વિશાલ ઝડપથી દોડતો તેમની પાસે પહોંચી ગયો. એની પાછળ રશ્મિ પણ ગભરાટમાં હતી.

શકરાભાઈ સાવ રડમસ થઈ ગયા હતા. વિશાલને જોતાં જ એમનું ય ગળું રૂંધાઈ ગયું.

વિશાલે એમનો હાથ પકડયો. 'અન્કલ ! જરાય ગભરાશો નહિં. હું બધે ફોન કરી દઉં છું.'

શકરાભાઈએ ગભરાટથી એને બે હાથ જોડયા - 'વિશાલભાઈ ?'

રશ્મિએ તેમને ધીરજ આપી. એ થોડા કલાકમાં જ મળી જશે.

વિશાલે શકરાભાઈ પાસે મહેમદાવાદમાં એમના કોઈ સગા સંબંધી રહેતા હોય તેનો ફોન નંબર માંગ્યો.

શકરાભાઈએ ખીસામાંથી એમની ડાયરી કાઢી. 'જયેન્દ્રભાઈ ત્રિવેદી' નામે એમના ભત્રીજા હતા.

શકરાભાઈ પાસે તો મોબાઈલ ક્યાંથી હોય ?

વિશાલે જ તેમનો નંબર જોડી દીધો. શકરાભાઈને રીઝર્વ ડબાનો નંબર પૂછ્યો. શકરાભાઈ ગભરાટમાં એ ય ભૂલી ગયા હતા.

વિશાલે જયેન્દ્રભાઈ ત્રિવેદીને પોતાની ઓળખાણ - શકરાભાઈના ખાસ સંબંધી તરીકે આપી અને કહ્યું : 'જયેન્દ્રભાઈ' એક ખાસ વિનંતી કરવાની છે. તમારા અન્કલ આન્ટી શકરાભાઈ અને શાણીબહેન ટ્રેનમાં છુટા પડી ગયા છે. તમારા અન્કલ ગાડી ચૂકી ગયા અને આન્ટી તથા તેમની પૌત્રી પરીને લઈને ટ્રેન ઉપડી ગઈ. તમે પ્લીઝ એક કામ કરોને ! ગાડી મહેમદાવાદ સ્ટેશને આવવાની તૈયારીમાં હશે. તમે એમનો રીઝર્વ ડબો શોધીને તાબડતોબ શાણી આન્ટીને તથા એમની નાની ડોટરને મહેમદાવાદ સ્ટેશને ઉતારી દશો. એમને ઉતારીને મારા મોબાઈલ પર તરત ફોન કરજો પ્લીઝ.

જયેન્દ્રભાઈએ તરત વાત સાંભળીને મહેમદાવાદ સ્ટેશને રીક્ષા પકડી. એ સ્ટેશને પહોંચ્યાને જ ગાડી આવી. ભત્રીજાએ - જયેન્દ્રભાઈએ દોડાદોડ કરી રીઝર્વ ડબો શોધી કાઢ્યો. શાણીબહેન ધીમું ધીમું રડતા હતા. પરી તેમને પંપાળતી હતી. ભત્રીજાએ આન્ટીને ઓળખીને બૂમ મારી : 'તમે ઝટ નીચે ઊતરી જાઓ.' એમ કહેતાં એ પોતે જ ડબામાં ચડી ગયા. શાણી આન્ટીનો હાથ પકડી - બહુ બહુ ધીરજ આપી નીચે ઉતાર્યા. પરી પણ બાની સાથે જ શાણી આન્ટીમાં હવે જીવમાં જીવ આવ્યો. જયેન્દ્રભાઈએ ખૂબ પ્રેમથી એમને ધીરજ આપી. 'આપણે હમણાં જ અન્કલને સમાચાર આપી દઈશું.'

પણ શકરાભાઈ પાસે મોબાઈલ જ ક્યાં હતો ? જયેન્દ્રભાઈએ મંજરીને ફોન કર્યો. મંજરી તાબડતોબ રીક્ષા લઈને સ્ટેશને પહોંચી અને એમને કહ્યું : 'તમે પપ્પા ! જરા બાંકડા પર બેસો. આરામ કરો. મમ્મી હવે થોડી વારમાં જ આપણને મળી જશે.'

શકરાભાઈ વિશાલ પર એવા અભિભૂત થઈ ગયા કે એને ભેટી જ પડયા : 'બેટા તે આજે અમારી લાજ રાખી.'

'અન્કલ ! આમાં લાજની ક્યાં વાત છે ? તમારા ભત્રીજા તરીકે મારી ફરજ છે ને.' મેં અજાણ્યા રશ્મિને પણ શકરાભાઈની ચરણરજ લીધી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3clT0bh
Previous
Next Post »