ગાંધીજીને બ્રિટિશ સામ્રાજ્યની ''જવાબદાર રાજ્યતંત્ર''ની જાહેરાતમાંં વિશ્વાસ હતો


ગાંધીજી અને પ્રથમ વિશ્વયુદ્ધ: અમદાવાદે ઇંગ્લેન્ડનો વિજયદિન કેવી રીતે ઉજવ્યો

અમદાવાદ તો ઘેલુ થયું હતું. પ્રજાબંધુએ એનાં ૨૪ નવેમ્બર ૧૯૧૮ના અંકમાં વિઠ્ઠલભાઇ પટેલનું ભાષણ છાપ્યું

હિંદને પારકા દેશનાં યુદ્ધ સાથે કોઇ લેવાદેવા ન હોવા છતાં અહિંસા અને વિશ્વશાંતિનાં પૂજારી ગાંધીજીએ હિંસક યુદ્ધને તેમનો ટેકો કેમ આપ્યો?

૧૯૧૪-૧૯૧૮નાં મહાયુદ્ધ વખતે પ્રજાબંધુ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે સમાચાર પ્રસિધ્ધ કરતું હતું. દરેક અંકમાં યુરોપિયન યુદ્ધોની સાથે ચંપારણ (૧૯૧૭) અને ખેડાના (૧૯૧૮) સત્યાગ્રહો તથા અમદાવાદનાં મિલમજૂરોની હડતાલના (૧૯૧૮) સમાચાર હોય જ. પ્રથમ વિશ્વયુદ્ધમાં હારેલા તુર્કી સાથે સંકળાયેલા અને ગાંધીજીએ ઉપાડેલા ખિલાફત આંદોલનની (૧૯૧૯) પણ પ્રજાબંધુ ચર્ચા કરીને વિવિધ સ્તરે બનતા સમાચારો વચ્ચે સંકલન કરી આપતું હતું.

પણ અહીં મુખ્ય સવાલ એ છે કે હિંદને પારકા દેશનાં યુધ્ધ સાથે કોઇ લેવાદેવા ન હોવા છતાં અહિંસા અને વિશ્વશાંતિનાં પૂજારી ગાંધીજીએ હિંસક યુદ્ધને તેમનો ટેકો કેમ આપ્યો. યુદ્ધમાં મદદ જાહેર કરવા બદલ જ્યારે હિંદ સરકારે ગાંધીજીને તા. ૨૬ જુન ૧૯૧૫નાં રોજ 'કૈસરે હિંદ'નો ચાંદ પૂનામાં આપ્યો ત્યારે તેમણે કેમ સ્વીકાર્યો ? એ જ દિવસે જ્યારે ગાંધીજી પૂનાથી મુંબઇ જવા ટ્રેનમાં બેઠા ત્યારે ગોરા સૈનિકોએ એમને બેસવા દીધા નહોતા અને બેયોનેટ બતાવી હતી, તે છતાં ગાંધીજી 'કુછ ફિકર નહિ' કહીને એક ગોરા સોલ્જરનાં પગ પાસે રાંક થઇને બેસી ગયા હતા ! આમ છતાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ગાંધીજીએ બોઅર યુદ્ધની જેમ સારવાર ટુકડી રચવાને બદલે હિંદી ફોજી ટુકડીઓ ઊભી કરીને બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે અનન્ય વફાદારી બતાવી હતી !

તેને માટે તા. ૨૬થી ૨૯ એપ્રિલ ૧૯૧૮ દરમિયાન હિંદનાં વાયસરોય લોર્ડ ચેમ્સફર્ડે બોલાવેલી ઈમ્પિરિયલ વોટ કાઉન્સીલમાં ભાગ લેવા ગયા હતા અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનાં પ્રસ્તાવને ટેકો આપતાં જાહેર કર્યું હતું : ''અમે યુધ્ધમાં અંગ્રેજોને હૃદયપૂર્વક સહકાર આપીશું. હું બ્રિટીશ રાષ્ટ્રનો ચાહક છું. અંગ્રેજોની જેમ હિંદની પ્રજા દેશને વફાદાર રહે તે માટે પ્રયાસો કરૂં છું.''

આ બનાવોની તેમજ ત્યાર પછી રોલેટ અને એક્ટ (૧૯૧૯) જલિયાનવાલા બાગનો હત્યાકાંડ (૧૯૧૯) અને અસહકારનાં આંદોલન, અને તેની સાથે ગાંધીજીએ ૧૯૨૦માં સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ પરત્વે પ્રજાબંધુ સમાચારોની સાથે અગ્રલેખો છાપીને પ્રજાને સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક ઘટનાઓથી જાગૃત કરતું હતું.જેમ કે ૭-૧૧-૧૯૧૫ના અંકમાં પ્રજાબંધુએ સમાચાર આપ્યા હતા કે ''ગાંધીજીએ મુંબઇમાં ''ઈમ્પિરીયલ ઈન્ડીયન સિટીજનશિપ એસોસિયેશન''''ની સ્થાપના કરી છે.

'' તે અગાઉ પ્રજાબંધુએ એનાં ૧૮-૭-૧૯૧૫નાં એડીટોરીયલમાં લખ્યું ''યુરોપમાં લડાઇ ચાલે છે ત્યારે હિંદ બ્રિટનને વફાદાર છે. હિંદનાં બે લાખ કરતાં વધુ સીપાઇઓ યુધ્ધમાં લડી રહ્યા છે. ઇંગ્લેંડ પોતાનો રાજ્યલોભ વધારવા મહાયુધ્ધમાં ઉતર્યું નથી પણ ન્યાય અને નબળાઓનું રક્ષણ કરવા તથા આખી દુનિયાની સ્વતંત્રતા જાળવવા ઉતર્યું છે. હાલની લડાઇ ન્યાય અને અન્યાય વચ્ચેની છે.''

પ્રજાબંધુનાં આગળપાછળનાં સમાચારો તથા અગ્રલેખોનું વિશ્લેષણ કરતાં એમ લાગે છે કે એક તરફ ગાંધીજી જે રીતે બ્રિટીશ સલ્તનત સામે ચંપારણ અને ખેડાનાં સત્યાગ્રહો કરી રહ્યા હતા અને બીજી તરફ એ જ ગાંધીજી યુદ્ધમાં બ્રિટિશ સલ્તનતને જીતાડવા શસસ્ત્ર યુદ્ધને ટેકો આપી રહ્યા હતા તેમાં વિરોધાભાસ જરૂર લાગે, પણ હકીકતમાં ગાંધીજી ''ઈમ્પીરીયલ આઇડેન્ટીટી'' અને હિંદમાં વિકસતી જતી ''નેશનલ આઇડેન્ટીટી'' રાષ્ટ્રિય ભાવના અને અસ્મિતા) વચ્ચે તાલમેલ સાધવાનો મહાપ્રયાસ કરી રહ્યા હતા. સાચા અર્થમાં ગાંધીજીનો આ ''સત્યનો મહાપ્રયોગ''  હતો.

આ મહત્વનાં મુદ્દા ઉપર અત્યાર સુધી આપણું ધ્યાન ગયું નથી. તેનું વિવરણ થયું નથી. ગાંધીજીએ રાજ્યભક્તિ દર્શાવતાં કહ્યું હતું : ''હું બ્રિટિશ વિરોધી નથી, પણ અસત્ય, અન્યાય અને છળકપટનો વિરોધી છું. જ્યાં સુધી અંગ્રેજ સરકાર અન્યાયને વળગી રહેશે ત્યાં સુધી એ મને પોતાનો કટ્ટર શત્રુ જ ગણશે.''

ગાંધીજીએ અંગ્રેજોને યુદ્ધમાં ટેકો આપવાનું એક મહત્વનું કારણ તે હિંદી વજીર લોર્ડ મોન્ટેગ્યુએ વિશ્વયુદ્ધ વખતે જ તા. ૨૦ ઓગસ્ટ ૧૯૧૭નાં રોજ કરેલી ઐતિહાસિક જાહેરાત. તેમાં એમણે કહ્યું હતું : ''હિંદમાં બ્રિટિશ સરકારનું અંતીમ ધ્યેય બ્રિટિશ સામ્રાજ્યના અંતર્ગત ભાગ તરીકે ક્રમશ: જવાબદાર રાજ્યતંત્ર વિકસાવવાનું છે.'' ગાંધીજીને બ્રિટિશ સામ્રાજ્યની ''જવાબદાર રાજ્યતંત્ર''ની ઓફરમાં વિશ્વાસ હતો. દક્ષિણ આફ્રિકાનો પાકો અનુભવ લઇને હિંદમાં આવેલા ગાંધીજીએ યુધ્ધ વખતે બ્રિટિશ સામ્રાજ્યની જરૂરિયાતો (ઈમ્પિરીયલ નીડ) અને હિંદની ઉત્કટ રાષ્ટ્રીય ઈચ્છાઓ વચ્ચે, બે વિરોધાભાસી પરિબળો વચ્ચે, સંકલન કરવાનો અદ્ભૂત પ્રયાસ કર્યો હતો અને ગાંધીજીનાં આ વલણ સાથે સમગ્ર દેશ જોડાયેલો.

આ ઠરાવને ટેકો આપતાં વલ્લભભાઇ પટેલે કહ્યું : ''યુધ્ધમાં ઇંગ્લેંડનો વિજય થયો એ આપણે માટે શુભ નીશાની છે. લડાઇ શરૂ થઇ ત્યારથી જ હિંદ સ્વાતંત્ર્યની માંગણી કરી રહ્યું છે. આપણે અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સનને પણ આપણી માંગણીની જાણ કરવી જોઇએ કારણ કે અમેરિકાની દરમિયાનગિરીને  લીધે  મિત્ર રાજ્યોની જીત થઇ છે.

અમદાવાદની મહીલાઓની હોમ રૂલ લીગની બેઠકમાં પ્રેમાભાઇ હોલમાં બોલતાં વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું : ''ઈશ્વરકૃપાથી યુરોપીય યુધ્ધમાં બ્રિટન અને મિત્ર રાજ્યોનો વિજય થયો તે બદલ આ સભા આનંદ પ્રદર્શીત કરે છે અને ઠરાવ પસાર કરે છે કે સામ્રાજ્યનાં બીજા ભાગોની જેમ હિન્દને પણ જવાબદાર રાજ્યતંત્ર મળે.'' 

જો કે આ તો કળીયુગનું મહાભારત યુધ્ધ હતું. તેમાં એક પક્ષે પાંડવો અને બીજે પક્ષે કૌરવો એમ નહોતું. ઇંગ્લેંડ, જર્મની, ઓસ્ટ્રીયા, ફ્રાન્સ, અમેરિકા અને ઈટાલી - એમ બધા જ ઈમ્પિરિયાલીસ્ટ દેશો કૌરવ હતા ! પાછલાં બનાવોએ બતાવ્યું કે અનુભવી અને વિલક્ષણ ગાંધીજીનું રાજકીય ગણીત ખોટું પડયું હતું ! બ્રિટને ગાંધીની ''વોર સર્વીસ'' બદલ હિંદને રોલેટ એક્ટ અને જલિયાનવાલા બાગની સામૂહિક હત્યા ભેટમાં આપી હતી ! તેની ચર્ચા પ્રજાબંધુએ એના ૧૩ એપ્રિલ ૧૯૧૯ના એડીટોરીયલ ''બ્લેક સન્ડે''માં કરી હતી. તેની ચર્ચા આવતા અંકમાં કરીશું. અત્રે એક મહત્વની વાત પ્રજાબંધુનાં શબ્દોમાં કરીશું.

૨૪ નવેમ્બર૧૯૧૮ના અંક મુજબ અમદાવાદની મહિલાઓએ તા. ૧૪મીએ શ્રી દેશી નાટક સમાજ દ્વારા ''સન્યાસી'' નામનો ખેલ રજૂ કર્યો હતા

પ્રજાબંધુએ એનાં તા. ૨૪ નવેમ્બર ૧૯૧૮ અને ૧ ડિસેમ્બર ૧૯૧૮ના અંકોમાં લખ્યું હતું તે મુજબ મહાયુદ્ધમાં બ્રિટનનાં વિજય બદલ અમદાવાદે ''પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતાર્યું છે.'' ૨૪ નવેમ્બરના અંક મુજબ અમદાવાદની મહિલાઓએ તા. ૧૪મીએ શ્રી દેશી નાટક સમાજ દ્વારા ''સન્યાસી'' નામનો ખેલ રજૂ કર્યો હતો અને તે જોવા નગરનાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કેળવણીકારો અને પ્રતિષ્ઠિત સ્ત્રીપુરૂષો આવ્યા હતા.

તે જ દિવસે ગુજરાત કોલેજનાં વિદ્યાર્થીઓને મીઠાઇ વહેંચવામાં આવી હતી. પ્રજાબંધુનો ડિસેમ્બરનો અંક તો કંઇ ઓર જ છે. એ દિવસોમાં ગાંધીજી અમદાવાદ હતા, પણ બીમાર હોવાથી સાબરમતી આશ્રમમાં જ રહ્યા હતા. પ્રજાબંધુએ ઉમેર્યું છે : ''૨૭ નવેમ્બર બુધવારનાં રોજ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓનાં બાળકોને, આર.સી. હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓને તથા સરકારી મીડલ સ્કૂલનાં વિદ્યાર્થીઓને ભેગાં કરીને ગુજરાતી અને અંગ્રેજીમાં વિજય ગીતો ગવડાવવામાં આવ્યા અને પ્રસંગની ખુશાલીમાં મીઠાઇ વહેંચવામાં આવી.''

શાહીબાગમાં અંગ્રેજ અમલદારો અને ''નેટીવ'' ગૃહસ્થોની એક ભવ્ય ''એટ હોમ પાર્ટી'' થઇ, ત્રણ દરવાજા, ખાસ બજાર ગેટ,  રોશની કરવામાં આવી હતી

શાહીબાગમાં અંગ્રેજ અમલદારો અને ''નેટીવ'' ગૃહસ્થોની એક ભવ્ય ''એટ હોમ પાર્ટી'' થઇ. એ રાતે વિકટોરિયા ગાર્ડનમાં મેળાવડો થયો. અંગ્રેજી બેન્ડવાજાની ધૂમ મચી. પરોણાઓનો સત્કાર ચા અને આઇસ્ક્રીમથી થયો. નદી કીનારે ભારે આતશબાજી થઇ. શહેનશાહ પંચમ જ્યોર્જ, શ્રીયુત ગાંધી, હિન્દ દેશી અને બ્રિટાનિયાનાં વિશાળ ચિત્રોની રચના જોવા જેવી હતી. ત્રણ દરવાજા, ખાસ બજાર ગેટ, પ્રેમાભાઇ હોલ, ભદ્ર તથા દીવાની કોર્ટો, પાનકોર નાકા પર આંખે ઉડીને બાઝે તેવી રોશની કરવામાં આવી હતી. ગુસા પારેખની પોળનાં દેરાસરમાં જૈનોએ અષ્ટ પ્રકારની પૂજા ભણાવી હતી. પોળોમાં રાસ અને ગરબાની રમઝટ જામી હતી.

પ્રજાબંધુનાં આ વર્ણન ઉપરથી એમ લાગે છે કે આ તો ગુલામી દશા ભોગવતા હિંદનું અટ્ટહાસ્ય હતું. નજીકનાં ભાવીની કોઇને પણ ખબર નહોતી; આશા અમર હતી તેથી જ સ્તો અમદાવાદમાં સ્વર્ગ ઉતર્યું હતું ! જાણે :

''ઘૂઘરવા બાજે ઘૂઘરવા બાજે,

કાનો રાસ રમે આજે... ઘૂઘરવા બાજે.

એક એક ગોપી, એક એક કાન,

રાસ રમે છે, ભૂલી ભાન,

ધૂમ મચી આજે,

ઘૂઘરવા બાજે...''



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39SMB5w
Previous
Next Post »