આત્મિય સંબંધો
ક્યાં રહી છે હવે લાગણીની ફોરમ સંબંધોમાં ?
વ્યાપી રહી છે માત્ર શૂન્યતા હવે સંબંધોમાં !
આંગળીના ટેરવે નિભાવ્યે
જાય સંબંધો માનવી,
સમય ક્યાં છે મળવાનો માનવીને હવે !!
રહી ગયા છે હવે માત્ર સ્વાર્થના સંબંધો-
દેખાડો કરતાં આવડે છે હવે માનવીને !
છોડો સુખના સમયને, દુ:ખના સમયે પણ-
કેવળ ઇૈંઁ ત્રણ અક્ષરોમાં, નિભાવે સંબંધો !!
સ્વજનો સિવાય કોણ અનુભવે
એ વજ્રઘાત (?)
અરે !નથી રહ્યાં મીઠાં શબ્દો હવે સ્નેહના,
આંધળી દોર છે માનવીની આ સંપતિ પ્રતિ !
વિસરાય હવે સંબંધોની
સુવાસ સંપતિના મદમાં-
બની ગયા છે માનવો અતિ આધુનિક ને-
ઘટી રહી છે માત્રા સ્નેહની કે બલિદાનની !
અરે ! સમર્પિતતા રહી છે ઘટી,
પ્રભુ પ્રત્યેની !!
માત્ર ડર અને સ્વાર્થ માટે
આસ્થા માનવીની (?)
શી વિસાત છે આ માનવીની
માનવ પ્રતિ (?)
સમયના વ્યાપમાંથી આપો
મીઠા શબ્દોને સમય,
રહી જાશે એક મધુરૂપ
સંબંધોમાં એ શબ્દોની !
અરે ! મૃત્યુ બાદ પણ
યાદ રહેશે એ મધુરતાની !!
કેવળ રહી જશે મૌન સંપતિ
મૂર્તિમંત માનવીની
નિરંતર વ્યાપી જાશે
ફોરમ આત્મિય સંબંધોની !!
-દિપક મહેશભાઇ પંડયા 'સ્નેહ'
(બીલીમોરા)
તમારૂં નામ
મારાં જીવનનાં પાનાં પર,
તમારૂં નામ લખી રાખ્યું છે,
મનમાં ને મનમાં મે નામ,
તમારૂં જપી રાખ્યું છે.
જીવનની સફરમાં મને
સાથ-સંગાથ દીધો તમે,
તમારો પ્યારનો વિશ્વાસ
મેં મનમાં ધરી રાખ્યો છે.
ઉઘાડી આંખે જોયાં છે
સ્વપ્ન તમારા, પરંતુ,
મેં તમારો પ્યાર આધાર
બની સંઘરી રાખ્યો છે.
જીવનના અક્ષરો ઉકેલવા
જરા પણ સહેલા નથી ,
ખારૂ જીવન મારૂં,
તમે મીઠું કરી રાખ્યું છે.
મનમાં છે વિશ્વાસ જરા
ડગવા દઇશ નહીં,
શ્વાસે શ્વાસે નામ તમારૂ દિલમાં
ભરી રાખ્યું છે.
તમારૂં નામ મારા જીવનમાં
કોતરી રાખ્યું છે,
હશે એ જ મરજી
ખુદાની આ ફાની દુનિયામાં
તમારૂં જીવનનું ઝરણું
મેં આંખમાં ભરી રાખ્યું છે.
ભરત અંજારિયા
(રાજકોટ)
પ્રેમ કેરી હવા
પ્રભુ કરે કોઇને પ્રેમ કેરી હવા ન લાગે -
દર્દ એવું તે એવું કે હાથ હવા ન લાગે...
પહેલાં તો નશો ખરો ચઢે તે મનવાણો -
ખોવાયા પછી-ખુદને કોઇ
શોધવા ન લાગે...
કંઇ ન પડે ખબર, કે શું તે ચાલ્યું છે !
ડૂબ્યા પછી ન હાથ,
પગ તરવા ન લાગે...
કંઇ સૂઝે નહીં કંઇ રૂચે નહીં- બધું ઝેર-
કોયલ કેરા ટહુકા પછી
મીઠવા ન લાગે...
રસ્તો પ્રેમ કેરો કઠીન,
તીર ઠેકાણે લાગશે ?
નહીં તો ટુકડા દિલના
કોઇ સાંધવા ન લાગે...
-જસમીન દેસાઇ 'દર્પણ' (રાજકોટ)
લાવવું છે
ઉગતા પ્રભાત સંગ દરરોજ વિધાયક
વિચાર તણું કિરણ મનડે પ્રગટાવવું છે.
તોફાન, ટાઢ-તાપ સહી હસતાં રહેતા,
પુષ્પો સમ ઉર ઉપવન મહેકાવવું છે.
જીવનની પ્રત્યેક કપરી પરિસ્થિતિઓમાં
સ્મિતને મુખ પરે કાયમ છલકાવવું છે.
સ્મરીને વડવાઓના અણમોલા સંસ્કાર
અંતરમહીં દિવ્ય અજવાળું લાવવું છે.
આ માટીના કણકણનું સ્વાભિમાન,
વિશ્વના ખૂણે-ખૂણામાં ફેલાવવું છે.
પટેલ પદ્માક્ષી (પ્રાંજલ)
(અંજલાવ-વલસાડ)
આ દુ:ખ કોને કહેવું ?
નાનપણાની યાદ તાજી
કરતા જીવ મુંજાય છે,
પ્રિયતમાના અકાળે અવસાનથી
દુ:ખી થયો છું.
સંપતિ જાય તો સાહેબ પાછી
મેળવી શકાય છે,
મનથી માનેલ પ્રિયતમાને
સ્વપ્નમાં જોવાય છે.
જેમ જેમ દિવસો મહિના
વર્ષો પણ વિતી જાય છે,
માણસ છું માટે વિચારોમાં
મુજ દિલડું ખોવાય છે.
દરેકના જીવનમાં પત્ની હોવા
છતાં કંઇક ખાસ હોય છે,
મારા નિજ વિચારો પણ કદી
પ્રિયતમા આગળ ખોલ્યા નથી.
શરીર સંબંધો ઘણાને નથી થતા
બસ મન મનાવે જાય છે,
શ્વાસ લેવા છતાં
નિશ્વાસ પણે જીવન વિતાવ્યે જાવ છું .
પ્રિયતમાના આત્માને શાંતી મળે
તે માટે ગંગામા નહાઉં છું,
પ્રિયતમા જેવી લગની પ્રભુ તારામાં
લાગે તો બેડો પાર છે.
પ્રદીપ કે મહેતા
(કાંદીવલી)
જીવી લઇએ
સપ્તરંગી દુનિયાના હજારો
રંગોથી રંગી લઇએ,
ચલને જીવી લીઇએ.
પહેલા વરસાદની મીઠી
માટીની સુગંધ અંતરમાં ભરી લઇએ,
ચલને જીવી લઇએ.
ઉગતા સુરજ અને ઢળતી
સાંજ ને આંખોમાં છાપી લઇએ,
ચલને જીવી લઇએ.
વાદળને સુરજના તડકા છાયાની
સંતાકુકડી રમી લઇએ.
ચલને જીવી લઇએ.
સુખ દુ:ખની વાર્તાથી થઇને પર,
ખુલ્લા-આકાશમાં વિશ્વાસમા
બીજ રોપી લઇએ,
ચલને જીવી લઇએ.
ખુણામાં બેઠા-બેઠા સાને કોશે ખુદને
ખુશીઓના ખજાનામાંથી
ખુશીથી મન ભરી લઇએ,
ચલને જીવી લઇએ.
ફાલ્ગુની એ. પટેલ
(સુરત)
ગઝલ
ઘટનાની છે
જરાક અસર કોઇ કેટલી,
અફવા સમી છે જાણે ખબર કોઇ કેટલી,
પાંપણ સહેજ ઝપકી અને દ્રશ્ય ગુમ થયું
મતલબ છે એવો, એક નજર કોઇ કેટલી,
જાણે કોઇ સફરની તો મંઝિલ બની ગઇ,
રાહીને માટે રાહ ગુજર કોઇ કેટલી,
પીછો કરે છે જાણે, દિવસ રોજ રાતનો,
ચક્કરમાં એમ શામો-સહર કોઇ કેટલી,
દરિયાની ખામોશીથી ખુલીતો ગઇ 'અસર' કે લ્હેર છે કિનારા ઉપર કોઇ કેટલી.
-મહેશ અઘેરા 'અસર'
(નવા થોરાળા રાજકોટ)
સાચી સમજણ વિના
તારો સમય વહી જાય સાચી સમજણ વિના
તારો ફેરો ફોગટ જાય
સાચી સમજણ વિના...
સંસાર સાગરમાં કદી કિનારો મળતો નથી
એમાં ગોથાં ખાય છે નાવ
સાચી સમજણ વિના...
તોફાનો આવે છે ઘણા વાયુ ભયંકર હોય
દિશા જડે ના ક્યાંય
સાચી સમજણ વિના...
સાચી વાણી અને ખારૂ
પાણી ખૂબ ચચળે છે
એ સમજતાં લાગે વાર
સાચી સમજણ વિના...
સત્કાર્યની સુવાસ તો ચારેકોર ફેલાય છે
જેને દુષ્કાર્ય દેખાય
સાચી સમજણ વિના...
જીવન નિર્મળ નીર છે,
હીરા માણેકની ખાણ છે
એ સહજમાં ના સમજાય,
સાચી સમજણ વિના...
પ્રેમ ભાવ માનવતાથી,
જગત જીતી શકાય છે.
એનો સાર ના સમજાય
સાચી સમજણ વિના...
-ભગુભાઇ ભીમડા (હલદર- ભરૂચ)
આંખોથી કંઇ પીધું
તને તું કીધું તો, કીધું,
તેય માથે લીધું તો, લીધું,
છે ખારાશ તોય દરીયાને,
એણે પાણી દીધું તો દીધું
અંદર વલોવાવા દીધું ભીતરે,
આંસુ જેવું પીધું તો, પીધું,
આંગળીના વેઢે ગણી લેજો,
ભૂલો જેવું દીધું તો, દીધું,
ફકીરી કેફ છે નહીં સમજો,
આંખોથી કંઇ પીધું તો, પીધું.
-મહેન્દ્ર ચાવડા (અમદાવાદ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vKl7jY
ConversionConversion EmoticonEmoticon