કોરોનાનો ઉપદ્રવ વધતાં સોનામાં વેગીલી તેજી ચાંદી ઉછળતાં હવે રૂ.50,000 પર નજર


વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઉંચામાં ૧૭૦૦ ડોલર નજીક પહોંચ્યા પછી નીચા ઉતર્યા: ભાવ આગળ ઉપર ફરી ઉછળી ૧૭૫૦ ડોલર થવાની બતાવાતી શક્યતા

વિશ્વબજારમાં બુધવારે ફેડ બેન્કે વ્યાજના દરમાં વિશ્વની નાણાકીય હાલતની કટોકટીને ધ્યાનમાં લઈને અડધા ટકાનો કાપ મૂકીને ૨૦૦૮ વર્ષની કટોકટી બાદ પ્રથમવાર એક સાથે અડધા ટકા વ્યાજના દરનો કાપ મૂકાયો. 

આ વ્યાજના ઘટતા દરના સમાચારે શેરબજારને તોડયું વિશ્વબજારમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના ચેપી રોગના ફેલાવાના આતંકે તથા ફેડના આ જલદ વ્યાજના દરના કાપે સોનાને તેજીની દીશા પકડાવી છે તેવું ફેડના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું. 

આ સાથે સાથે ફેડના વ્યાજના દરના કાપના પગલે ચાલીને કેનેડાની રીઝર્વ બેન્કે તથા ઓસ્ટ્રેલીયાની બેન્કે પણ વ્યાજના દરને ઘટાડયો. ત્યારે બેન્ક ઓફ જાપાને બજારમાં પુષ્કળ નાણા ઠાલવ્યા. પરિણામે સોનું તેજી તરફ ફંટાયું. સ્ટોક મારકેટ તૂટતા સોનાની તેજીને ટેકો મળ્યો અને સ્વર્ગસમા સોનાના રોકાણને ફેડના નાણાનો પ્રવાહ સાંપડયો.

૨૦૨૦ના વર્ષમાં સોનાના ભાવમાં ૧૫ ટકાનો ઉછાળો નોંધાયો છે અને કોરોના વાયરસના ચેપી રોગચાળાએ સૌને સ્વર્ગસમા રોકાણ 'સોના'માં  નાણા રોકવા આકર્ષ્યા છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉંચામાં ૧૬૯૦થી ૧૬૯૧ ડોલર થયા પછી  સપ્તાહના અંતે  ૧૬૫૪થી ૧૬૫૫ ડોલર રહ્યા છે.

નોંધ લેવી રહી કે લંડનની કિંમતી ધાતુની બજાર કોવીડ-૧૯ એટલે કે કોરોના વાયરસના આતંક બાદ પણ સરળતાથી ચાલુ રહી છે. લંડન બજારમાં સોનાના ઓકશન પણ રાબેતા મુજબ ચાલુ રહ્યું તથા બેન્કના સોનાના વોલ્ટ, બેન્કોની લેવડદેવડ તથા રીફાઈનરીઓને આંતરીકે ટેકો મળ્યો અને દરેક કામકાજ સરળતાથી થઈ રહ્યું. ઉપરાંત ઘણા નવા પ્રોબ્લેમો ઉભા તથા તેના ઉકેલો શોધાતા બજારનો વેપાર રાબેતા મુજબ કાર્યરત રહ્યો. ઉપરાંત માર્ચ માસમાં સમીટ મળવાની હતી તે કેન્સલ થઈ તથા સોનાની લેવડદેવડ રોજબરોજની જેવી  નોર્મલ રહીને કામકાજ આટોપાયા.

વિશ્વબજારમાં દરેક દેશોની સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી કરી રહી છે તેમાં ભારત તથા ચીનની માંગ કદાચ સાધારણ ઓછી રહે પણ અન્ય દેશોની સોનાની માંગ રહેતા અને દરેક દેશોના લોકો કોરોના વાયરસથી આવનારી મંદીને ધ્યાનમાં રાખીને સોનું ખરીદશે. પરિણામે સોનું ઉછળશે અને સોનું કદાચ ૧૭૩૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ૨૦૨૦માં દાખવે તો નવાઈ નહીં.

ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં ટુંકા ગાળાની ચાંદીની પોઝીશનમાં થોડોક ફેરફાર નોંધાયો છે પરંતુ લાંબા ગાળના કોન્ટ્રાક્ટોમાં વધારો થઈ રહ્યો છે જે સંકેત આપે છે. લાંબા ગાળે ચાંદી ૨૦થી ૨૧ ડોલર પ્રતિ ઔંસના ભાવને આંબીને ૨૦૨૦ના વર્ષને યાદગાર કરશે. તાજેતરમાં ઉંચામાં ૧૭.૬૦ ડોલર થઈ છેલ્લે ૧૭.૧૫થી ૧૭.૧૬ ડોલર રહ્યા છે. 

ચાંદીના આ ભાવે જુની ચાંદીનો સ્ક્રેપ ઓછા પ્રમાણમાં વેચાવા આવે છે. ચાંદીની ખાણોમાં ઉત્પાદન વધારવા નવા ફંડોની જોગવાઈ થઈ રહી છે. કોરોના વાયરસના કારણે ચીનમાં ચાંદીના સોલાર ક્ષેત્રની માંગ ઘટશે અને ચાંદીનું સ્થાનિક ઉત્પાદન તેની માંગને સંતોષશે.

એકંદરે ચાંદીમાં ધીમો સુધારો જોવા મળશે અને ચાંદી ૨૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવશે. સ્થાનિક સોના બજારની વિચિત્રતા જોઈ કે ઘરાકી નથી અને સોનાની ઉંચા  ભાવમાં માંગ રૂંધાઈ હોવા છતાં સોનાનો ભાવ વૈશ્વિક બજારના મજબૂત ભાવે ઉંચકાય છે. કારણ કે બજારમાં સટ્ટાકીય લે-વેચમાં મોટો વધારો નોંધાયો છે. વગર સોનાની લેતી દેતીએ વાયદા બજારમાં સૌ કોઈ તેજી- મંદીનો વેપાર કરવા લાગ્યા છે અને કોક'જ નફો તારવે છે અને મોટાભાગના લોકો નુકસાની વહોરી લે છે. હાજર સોનું જીએસટી વગર રૂપિયા ૪૪ હજાર પ્રતિ દસ ગ્રામનો ભાવ ક્વોટ કરે છે અને લોકો ફોરવર્ડ હાજર સોનું લેવાના સોદાઓ નથી કરતા. આજનો ભાવ અને આજે જ ડીલીવરી તેવું વલણ બુલીયનના વેપારી કરતા સોનાનો ફોરવર્ડ ભાવ નક્કી નથી થતો. ડોલર સામે રૂપિયો નરમ થતા સોનાની પડતર ઉંચી પડે છે અને આયાતકારો ખૂબ જ તકેદારી રાખીને થોડો થોડો માલ આયાત કરે છે.

જુના સોનાની આવક ભાવ ઉંચકાયા છતાં નથી વધતી અને લાગે છે કે ચાંદીની જેમ જુના સોનાનો સંગ્રહ લોકો આગળ ઓછો થયો છે. એકંદરે સોનું કોરોના વાયરસને કારણે પ્રભાવિત છે અને આ રોગ ઘટતા સોનું ઘટશે.

સોનું જીએસટી વગર રૂ.૪૩૦૦૦ અને રૂ.૪૪૦૦૦ પ્રતિ દસ ગ્રામ વચ્ચે રમશે તથા વાયદા બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળશે. સ્થાનિક ચાંદી બજારમાં ચાંદીએ જીએસટી વગર રૂ.૪૭૦૦૦ પ્રતિ કિલોનો ભાવ ક્વોટ કર્યો પરંતુ બુલીયન વેપારીઓ સ્ટોકનો ૩૦ ટકા ભાગ વેચીને નફો બાંધીને નવો સ્ટોક ભાવો નીચો થતા સ્ટોક યથાવત કરશે.

ચાંદી રૂ.૪૭૦૦૦ પ્રતિ કિલો અને વાયદો રૂ.૪૬૪૦૦ પ્રતિ કિલો બોલાતા હાજર ચાંદી રૂ.૬૦૦ પ્રતિ કિલો ઉંચો ક્વોટ થાય છે. સૌ કોઈ ચાંદી એકવાર રૂ.૫૦,૦૦૦ની સપાટી તોડશે તેવી આશાએ ચાંદી પકડી રાખે છે.

ચાંદીના શોરૂમમાં ઘરાકી ઠંડી પડી છે. હોળાષ્ટક બેસી જવાથી ઘરાકી ઠપ્પ થઈ હતી. હાજર ચાંદીની માંગ ખપપુરતી રાખીને શોરૂમવાળા નવો સ્ટોક નથી બનાવતા.

આયાતકારો મર્યાદીત ચાંદીની આયાત કરે છે. ઉદ્યોગ ક્ષેત્રની ચાંદી માંગમાં ઘટાડો નોંધાયો છે. એકંદરે ચાંદી જીએસટી વગર રૂ.૪૪૦૦૦થી રૂ.૪૮૦૦૦ પ્રતિ કિલો જેવો મોટા રેન્જની વચ્ચે અથડાશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vSPa95
Previous
Next Post »