પાયલનો પ્યાર .


ઘરનાને પણ લાગતું હતું કે કંઇ અજુગતું બની રહ્યું છે. તેઓ પણ આગ્રહ કરતાં હતા કે હનીમૂન માટે બન્ને બહારગામ જઇ આવે તો એકબીજાની નિકટતા અને પ્રેમ વધે

સગાઇ પછી પાયલને દિલમાં ઊંડે ઊંડે જાણેકે એવું લાગી રહ્યું હતું કે પર્વએ પરાણે હા પાડી છે. તેમ વિચારીને પાયલ લગ્ન માટે મન મનાવી પોતાની જાતને છેતરી રહી હતી.

અંતે લગ્નનો દિવસ પૂરો થઇ ગયો, અને મહેમાનો એક પછી એક વિદાય થઇ ગયા. સજીધુજીને લગ્નના પાનેતરમાં સજ્જ સોનાના આભૂષણોથી લદાયેલ પાયલ આખા દિવસના, લગ્ન અને રિસેપ્શનના પ્રસંગો પાર પાડી થાકીને તેના પતિ પર્વનો સુહાગરાતના રૂમમાં ઇંતેજાર કરતી, મીઠા સ્વપ્નોમાં ખોવાઇ ગઇ હતી.

આખા દિવસનો થાક હમણાં પર્વ આવશે અને તેની પ્રેમભરી વાતોથી ઉતરી જશે, તેવા વિચારોમાં મગ્ન પાયલ સુહાગરાત માટે સજાવેલા રૂમની સજાવટ જોઇ રહી હતી.

ડબલબેડને ફૂલોની સેજથી અને હારતોરાથી શણગારેલ હતો. બાજુમાં ટેબલ ઉપર બે ગ્લાસ અને સુગંધી હાર અને પાન દેખાઇ રહ્યા હતા. હલકી હલકી ખુશબો અને મંદ લાઇટથી  રૂમ મહેંકી રહ્યો હતો.

મીઠા સ્વપ્નોમાં ખોવાએલી પાયલે રૂમનો દરવાજો ખોલવાનો અને પર્વના આગમનનો અવાજ સાંભળ્યો, અને તેના દિલની ધડકનો તેજ થઇ ગઇ.

પર્વએ ધીમે પગલે નજીક આવી ધડાકો કર્યો, સોરી પાયલ આપણે સુહાગરાત નહિ મનાવી શકીએ અને ઘરવાળાએ પરાણે તારી સાથે લગ્ન કરવા મજબૂર કરેલ છે. હું તો કોલેજની શરૂઆતથી જ મારી કોલેજમાં ભણતી પ્રિયાને જ પ્રેમ કરતો હતો, પણ તેની જ્ઞાાતિ જુદી હોવાથી મને મમ્મી પપ્પા તરફથી લગ્નની પરવાનગી મળી જ નહિ. હું ને પ્રિયા ત્રણ વરસથી એકબીજાના પ્રેમમાં ગળાબૂડ હતા. પણ છેવટે મારે મમ્મીની મમતા અને પપ્પાની જીદ આગળ ઝૂકવું પડયું. અને મે તારી સાથે લગ્નની હા પાડી.''

ભલે, મેં તારી સાથે પરાણે લગ્ન કર્યા, પણ હું પ્રિયા વગર રહી શકું તેમ જ નથી.'' પાયલના માથે જાણે આભ તૂટી પડયું. જીવનમાં જોયેલા લગ્ન જીવનના સોનેરી સપના ચકનાચૂર થઇ ગયા. આખા દિવસનો થાક ડબલ થઇ ગયો.

પર્વ પોતાનું ઓશીકું લઇ બાજુના સોફા ઉપર અલગ સૂઇ ગયો. આખી રાત પાયલની આંખોમાંથી આંસુઓ નીકળતા રહ્યા. ઓશીકું પલળતું રહ્યું. તે વિચારતી રહી ''હવે શું કરવું ?''

પોતાના પિયરના કે સાસરાના ઘરના વડીલોને આવી અંગત વાત કહેવી કે નહિ ? તે એક સારા ઘરની સંસ્કારી છોકરી હતી. ગ્રેજ્યુએટ થયેલી અને દેખાવડી હોવા છતાં તેને આવો સખત અન્યાય ??

સવારે રૂમની બહાર નીકળતા તેની લાલઘુમ આંખો જોઇ, નણંદે મજાક કરતાં કહ્યું ''કેમ છો, ભાભી પર્વભાઇએ  આખી રાત સુવા નથી દીધા કે શું ?''

તેને ક્યાં ખબર હતી કે પરિસ્થિતિ તદન વિપરીત હતી. પાયલે ખોટું ખોટું સ્માઇલ આપી, રસોડામાં કામે વળગી ગઇ.

આમને આમ ચાર દિવસ અને ચાર રાત વિતી ગયા. પાયલ ખરેખર સંસ્કારી ઘરની દીકરી હતી. બધુ જ મુંગે મોઢે સહન કરતી રહી.

ઘરનાને પણ લાગતું હતું કે કંઇ અજુગતું બની રહ્યું છે. તેઓ પણ આગ્રહ કરતાં હતા કે હનીમૂન માટે બન્ને બહારગામ જઇ આવે તો એકબીજાની નિકટતા અને પ્રેમ વધે.

બહુ વિચારીને અંતે પતિવ્રતા નારી પાયલે ચોથી રાતે તેના પતિ પર્વ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો ? ''મારે મન પતિની ખુશી એ જ મારી ખુશી છે, જો તમને પ્રિયાને પામીને ખુશી મળતી હોય તો મને કાંઇ વાંધો નથી. હું સાથે આવવા તૈયાર છું. અત્યારે તે ક્યાં રહે છે ?''

પર્વ તેની સામે જોઇ રહ્યો હજુ ચાર દિવસ પહેલા જ લગ્ન કરેલી પત્ની પોતાના પતિને તેની પ્રેમિકા પાસે લઇ જવા તૈયાર થઇ ગઇ. કેટલી મહાનતા !  કેટલો ત્યાગ !

પર્વ પ્રેમના નશામાં તેની પ્રિયાને પામવા તૈયાર થઇ ગયો. એમાંય પાછી પત્ની જ સાથ આપતી હોય પછી વાંધો શું છે ? ઘરવાળાને પણ શંકા નહિ જાય.

તેણે વિચારીને કહ્યું, ''પ્રિયા અહીંથી ગ્રેજ્યુએટ થઇને જોબ માટે મુંબઇ જતી રહી છે, તેના મોબાઇલ પરથી તેનું એડ્રેસ મળી જશે.''

બીજે દિવસે વહેલી સવારે બન્ને જણા મુંબઇ જવા તૈયાર થઇ ગયા. ઘરના ખુશ થયા કે સારૂ બન્ને જણા હનીમૂન મનાવવા મુંબઇ જઇ રહ્યા છે. અંધેરીમાં પ્રિયાનું ઘર શોધતાં બન્નેને કલાક લાગ્યો. સિંગલ રૂમના એપાર્ટમેન્ટમાં એકલી રહી,  કોઇ કંપનીમાં જોબ કરતી હતી.

રાતના અચાનક પર્વને અને તેની સાથે આવેલી પાયલને જોઇ પ્રિયા અચંબામાં પડી ગઇ. સેંથીમાં સિંદુર અને કપાળે ચાંદલો કરેલી સાડીમાં સજ્જ પાયલ સુંદર દેખાતી હતી. પ્રિયાએ ઘરમાં હાફ પેન્ટ અને ટીશર્ટ પહેરેલ હોવાથી ગ્લેમરસ અને સેક્સી લાગી રહી હતી. પર્વ તો પ્રિયાના પ્રેમમાં પાગલ હોવાથી તેને જ જોઇ રહ્યો હતો.

પ્રિયા તેની સાથે પ્રેમ કરીને તેને છોડી દઇ, બીજે લગ્ન કરનાર પર્વ ઉપર ગુસ્સે જ હતી. તેણે ગુસ્સામાં પર્વને કહ્યું ''તારા લગ્ન તો થઇ ગયા, હવે શું કરવા આવ્યો છે ?''

પર્વ કરગરતા બોલ્યો, ''પ્રિયા તારા વગર તો હું રહી શકું તેમ જ ન હતો. આ તો મમ્મી પપ્પાના દબાણ આગળ આની સાથે પરાણે લગ્ન કરવા પડયા.

 પણ હું તો હજુ તને જ પામવા મથું છું. મેં હજુ તેની સાથે કાઇ સંબંધ હજુ સુધી કરેલ નથી.''

પાયલ નીચું જોઇને સાંભળી રહી. પ્રિયા આ સાંભળી ખુશ થઇ ગઇ. તેણે ખુશ થઇને કહ્યું ''શું વાત કરે છે ? તું હજુ મને જ પ્રેમ કરે છે ?''

ખુશીમાં પાગલ થઇ, તેણે પર્વનો હાથ પકડી લીધો અને અંદરના રૂમમાં લઇ ગઇ બારણું બંધ કરી દીધું. અંદર જઇ બન્ને એકબીજાના બાહુપાશમાં જકડાઇ ગયા.

બહાર રહેલી પાયલનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. પ્રિયાએ લેડી જેમ્સબોન્ડની  અદાથી પર્વને પૂછ્યું ''હવે આનું શું કરવું છે ?''

''એ મારી પત્ની પાયલ છે, તેની રાજીખુશીથી અહીં આવી છે.'' પર્વએ સત્ય હકીકત જણાવી.

''મૂર્ખ, એક મ્યાનમાં બે તલવાર ના સમાય, આનો કાંટો કાઢવો જ પડશે'' પ્રિયા હવે મૂડમાં આવી ગઇ હતી. ''એ મને સામેથી સહકાર આપીને મારી ખુશાલી ખાતર અહીં તારી આગળ આવી છે, અને તું તેના માટે આવું વિચારે છે ?''

પર્વ હવે અસમંજસમાં પડી ગયો. પાયલ તેની કાયદેસરની પત્ની હોવા છતાં કુરબાન થઇ હતી, જ્યારે આ ફક્ત પ્રેમિકા હોવા છતાં તેનો કાંટો કાઢવાની વાતો કરે છે ?

પ્રિયા હવે તેનો અસલ ચહેરો બતાવી રહી હતી. તેણે પર્વને સમજાવતા કહ્યું ''જો, મારી પાસે એક મિત્ર એવો છે, જેને સોપારી આપી દઇએ, અહીં મુંબઇમાં જ કામ પતી જશે. ત્યાં અમદાવાદ કોઇને ખબર પણ નહિ પડે, કે તારી પત્ની ક્યાં ગઇ ? પછી તું બધાને સમજાવી દેજે કે તે જુહુના દરિયામાં ડુબી ગઇ.''

પર્વ ભડકીને તેનાથી દૂર થઇ ગયો. તે પોતાની ખુશીઓનું બલિદાન આપનાર પત્નીને મોતને ઘાટ ઉતારવાનું વિચારનાર પર ગરમ થઇ ગયો. તેણે મનમાં વિચાર્યું આવી છોકરી સાથે આખું જીવન કઇ રીતે વીતાવાય ગમે ત્યારે મારાથી ઉબાઇ જાય અને બીજો કોઇ પ્રેમી મળી જાય તો મારો પણ આવો જ અંત આવેને !

એકદમ તેનો પ્રિયા પ્રત્યેનો પ્રેમનો નશો ઉતરી ગયો. બારણું ખોલીને તે બહાર આવ્યો, અને પત્નીનો હાથ પકડી કહ્યું ''ચલ, આપણે ઘેર.''

પ્રિયા અંદરથી દોડતી બહાર આવી અને બોલી ''તારા વગર હું જિંદગી કઇ રીતે વિતાવીશ ?''

''તારા કરતાં તો મારી પત્ની પાયલ હજાર દરજે સારી છે. હવે મારી રાહ ના જોતી'' આટલું કહીને પર્વ તેના એપાર્ટમેન્ટમાંથી પાયલનો હાથ પકડી નીકળી ગયો, અને  સીધો અમદાવાદની ટ્રેનમાં ઘેર પહોંચી ગયા.

એક જ દિવસમાં બન્નેને ઘેર પરત ફરેલા જોઇ ઘરનાને નવાઇ લાગી. રાત્રે ખુશખુશાલ પાયલ અને પર્વએ ઘરમાં જ મધુરજની ઉજવી લગ્ન જીવનની શરૂઆત કરી. પાયલને હજુ સુધી સમજ નહોતી પડતી કે રૂમમાં અંદરએવી તો શું વાતચીત થઇ કે તેનો પતિ તેની પ્રેમીકાને તરછોડી મારી પાસે આવી ગયો ?

- હર્ષદ કામદાર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uAcsA0
Previous
Next Post »