
હું આ હોડીનાં તળિયે ચત્તી પડીને સૂઈ રહેવા માંગુ છું, તને મારી બાજુમાં લઈને. પણ તારે મને અડવાની કે ભેટવાની કોશિશ પણ કરવાની નથી- ટૂંકમાં- મને પ્રેમભાવથી પંપાળવાની નથી જ નથી.
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
''આપણી યાદદાસ્ત આ સમગ્ર સૃષ્ટિ કરતા પણ વિશેષ યથાર્થ દુનિયા છે. એ એવાં લોકોને પણ સજીવન કરે છે, જે હવે હયાત નથી.'' દ. મોપાસા
( ઉત્તરાર્ધ )
(વહી ગયેલી વાર્તા: 'ડૂબીને મરેલાં માણસ પાસેથી મળી આવ્યું' : એવાં શીર્ષકની વાર્તા શરૂ થાય છે એક એવાં માણસની સ્વગતોક્તિથી, જે કોઈ દિવસ પ્રેમમાં પડયો જ નથી. એ આગળ કહે છે કે પ્રેમ કરવા માટે બેહદ જરૂરી છે એક વ્યક્તિનું સ્વયં પોતે આંધળા હોવું. એટલે એમ કે પોતાની જાતને સંપૂર્ણપણે શરણ થઇ જવું, કશું ય જોવું નહીં, આવું કેમ?- મનમાં એવો કોઈ પ્રશ્ન જ નહીં ઊઠવો જોઈએ. એ આગળ કહે છે કે આ રીતે આંધળા થવાની મારી કોઈ ક્ષમતા નથી. અને કોઈ પણ ગેરવાજબી પરાધીનતા સામે બળવો કરવાનો મારો સ્વભાવ છે. અને અંતમાં કહે છે કે ... અને તેમ છતાં, મને લાગે છે કે હું એ દિવસે એકાદ કલાક માટે પ્રેમમાં હતો. હવે આગળ...)
આસપાસનાં સંજોગોની અસરને હું આધીન થઈ ગયો. એ મારી મૂર્ખામી હતી. બીજું તો શું હોય? એ સલૂણી સવારનાં મૃગજળમાં હું છેતરાયો હતો. હું તમને મારી આ ટૂંકી વાર્તા કહું તો તમને ગમશે? એને સાંભળવાની તમારી ઈચ્છા છે?
હા તો એ નદી અને એ હોડી અને એ સુંદર, ઉત્સાહી નાનકડી સ્ત્રી જેણે મારી સાથે એક રાત ગુજારવાની કાવ્યમય ગુજારીશ કરી હતી. આ મિલન જો કે એક રૂમ અને એક પથારીમાં થાત તો મને વધારે અનુકૂળ હતું પણ મેં નદી અને હોડી માટેની એની દરખાસ્તને સંમતિ આપી હતી.
એ જુન મહિનો હતો. મારી એ રૂપાળી સાથીએ ચાંદની રાત પસંદ કરી હતી, જેથી એક સ્ત્રીસહજ કલ્પના સારી રીતે ઉત્તેજિત થઇ શકે. અમે નદીકાંઠે આવેલી રેસ્ટોરાંમાં ડિનર કર્યું અને પછી રાતે દસનાં શુમારે હોડીમાં બેસીને નીકળી પડયા. મને લાગતું હતું કે આ એક મૂર્ખાઇભરેલું પરાક્રમ હતું, પણ મારી સાથીને એ ગમતું હતું અને એટલે.. મને ગમ્યું હતું. અને એટલે મેં આ વિષે ખાસ ચિંતા કરી નહોતી. હું એની સન્મુખ બેઠો હતોત હલેસાં મેં લીધા હતા અને અમે નદીમાં સહેલગાહે નીકળી પડયા હતા. હું એની ના પાડી શકું એમ નથી કે એ દ્રશ્ય ચિત્રમાં શોભે એવું સુહાવનું હતું.
અમે એ નાનકડાં વનરાજીથી આચ્છાદિત ટાપુ પાસેથી પસાર થયા હતા, જ્યાં રાતનાં સમયે મધુર ગાતા નાઈટીંગલ પક્ષીઓનો નિવાસ હતો, અને જળનો પ્રવાહ અમને એ રૂપેરી તરંગો ઉપર થઈને ઝડપથી આગળ ખેંચી રહ્યો હતો. કિનારા પરનાં વૃક્ષો ઉપર રહેતાં મોટાં દેડકાંનો એકધારો તીણો અવાજત કિનારા ઉપરનાં ઘાસમાં વસતા નાના દેડકાઓની ડ્રાઉં ડ્રાઉં અને અમારી ફરતે વહેતા પાણીનો ચપ ચપ અવાજ - આ બધા અવાજ ભેગા થતા હતા ત્યારે મારી ચોગરદમ એક વ્યાકુળ ખળખળ જેવું હતુંત આમ સમજાય નહીં અને આમ જુઓ તો મનને અસ્વસ્થ કરી નાંખે એવું. અને એ વાતાવરણ એક રહસ્યમય ડરની કોઈ એક અસ્પષ્ટ સંવેદના જગાવતું જતું હતું.
એ ઉષ્માભરી રાતોની મધુર મનોહારિતા અને ચાંદનીમાં ચમકતો જતો નદીનો પ્રવાહ અમને વીંધીને અમારી અંદર આવી ચૂક્યો હતો. આ રીતે જીવવું અને આ રીતે જળ ઉપર સરકતા રહેવું અને આ રીતે સપનામાં સરી જવું અને.. અને.. એક સહાનુભૂતિસભર સુંદર જુવાન છોકરી પડખે હોવાનો અહેસાસ- આહા! એક આહ્લાદક લાગણી હતી એ.
મને એ વાતાવારણની થોડીઘણી અસર જરૂર થઇ હતી, મને પણ એ થોડી ઘણી ઉત્તેજના થઇ હતી. રાતનો એ મંદ મંદ ઉજાસ અને એક સુંદર છોકરીની નજીક હોવાનો અહેસાસ મને ભાન ભૂલાવી રહ્યા હતા.
''આવ અને મારી બાજુમાં બેસ.'' એણે કહ્યું.
મેં એ હૂકમનું પાલન કર્યું.
એ આગળ વધી.
''મને કોઈ કવિતા સંભળાવ.''
આ બધું હવે વધારે પડતું થતું જતું હતું. મેં ના પાડી, એણે હઠ પકડી. ચંદ્રથી લઈને કવિઓની કવિતાઓ સુધી એવી અનેક લાગણીઓનાં એ આખા ઓરકેસ્ટ્રાની હાજરીમાં, એ ચોક્કસ હતું કે એ મારી સાથે કોઈ રમત રમવા માંગતી હતી. આખરે મારે એની ઈચ્છાને વશ થવું પડયું. અને જાણે એક ઉપહાસ કરતો હોઉં એમ મેં લૂઈ બોઉંલીહેતની એક નાની મજેદાર કવિતાનું પઠન કર્યું, જેની આખરી પંક્તિઓ આ મુજબ હતી.
'હું એ કવિને ધિક્કારું છું
જે એની અશ્રુભરી આંખોએ
તારાઓ તરફ નજર કરીને દબાયેલાં અવાજે કોઈ છોકરીઓનાં નામ ગણગણે છે.
પૃથ્વી કે આકાશમાં કોઈ જાદુ છે,
એવું જે જોતો નથી,
સિવાય કે કોઈ છોકરીઓ હોય જે એની પાસે હોય.
એ કવિ જે કુદરતમાં કશું કાંઈ અલૌકિક જોતો નથી,
જ્યાં સુધી કામવાસનાની નજરે કોઈ સ્ત્રીનાં આંતરવોને
ઝાડની ડાળીએ એ બાંધતો નથી,
કે જ્યાં સુધી ઘાસમાં બેસીને મદિરાની પ્યાલી એ પીતો નથીત
આવો કવિ ભાગ્યે જ જ્ઞાાની ગણી શકાય.
એણે કુદરતનાં વિવિધ અર્થોનાં
સનાતન નાદ બ્રહ્મ સાંભળ્યા નથી.
વનરાજીમાં પણ એ બસ કોઈ સ્ત્રીની કલ્પનામાં જ રાચે છે.
એ કવિ જે પહાડો વચ્ચેની ખીણમાં એકલો સફર ખેડી શકતો નથી.
હું એ કવિને ધિક્કારું છું.'
મને લાગતું હતું કે આવી કવિતાનાં પઠન બદલ એ મને ઠપકો આપશે. પણ એવું કાંઈ પણ થયું નહીં. એ ગણગણી :
''કેવી સાચી વાત છે!''
મને ભારે નવાઈ લાગી. એને કવિતા સમજાઈ'તી ખરી?
અમારી હોડી હવે ધીરે ધીરે કિનારા તરફ આવી રહી હતી અને કિનારે નેતરનાં ઝાડની ડાળીઓની જાળમાં ગૂંચવાતી જતી હતી અને એ કારણે કિનારા તરફ જવાની ગતિ ધીમી હતી. મેં મારો એક હાથ મારી સાથીની કમર ઉપર મુક્યો અને એની ડોક તરફ થઈને એનાં હોંઠ સુધી પહોંચવાનો મેં એક નાજુક પ્રયાસ કર્યો. પણ એણે એક ઓચિંતી, તોછડી અને ગુસ્સાવાળી હિલચાલ કરી મને આઘો હડસેલ્યો.
''બસ હવે પૂરું, હું તને વીનવું છું! તું કેવો તોછડો છે?''
મેં એને મારી તરફ ખેંચવાની કોશિશ કરી. એણે સામનો કર્યો, એણે ઝાડને ઝાલી લીધું, હોડી હાલકડોલક થવા લાગી અને અમે બંને પાણીમાં ફંગોળાઈ જઈએ એવી સ્થિતિ થઇ ગઈ. મને લાગ્યું કે મારી માંગણી, મારા અત્યાગ્રહ, મારા આવેગને રોકી રાખવામાં જ સમજદારી છે.
એણે કહ્યું : ''આના કરતા તો હું તને ડૂબાડી દેવાનું પસંદ કરીશ. મને ખૂબ મઝા આવે છે. હું સ્વપ્ન જોવા માંગુ છું. કેવો આનંદ આવી રહ્યો છે.''
અને પછી થોડાં ધિક્કાર ભરેલાં અવાજમાં એણે કહ્યું :
''તું બિલકુલ ભૂલી ગયો તે હજી હમણાં જ કહી તે કાવ્ય પંક્તિઓ?''
એ સાચી હતી. હું ચૂપ થઇ ગયો. એ બોલતી રહી. ''ચાલ આવ હવે.''
અને મેં હલેસાં મારવાનું શરૂ કર્યું.
મેં વિચારવા માંડયું કે રાત લાંબી છે અને મારી સ્થિતિ હાસ્યાસ્પદ છે.
મારી સાથીએ મને કહ્યું :
''તું મને એક વચન આપશે?''
''હા. શું છે એ?''
''તું શાંત રહેશે. જો તારી વર્તણુંક સારી રહેશે. અને બોલવા કરવામાં જો તું સાવધ રહેશે તો હું તને પરવાનગી આપું ---''
''વ્હોટ? એટલે તું કહેવા શું માંગે છે?''
''જો આ છે મારી વાતનો મતલબ. હું આ હોડીનાં તળિયે ચત્તી પડીને સૂઈ રહેવા માંગુ છું, તને મારી બાજુમાં લઈને. પણ હું મનાઈ ફરમાવું છું. તારે મને અડવાની નથી, મને ભેટવાની કોશિશ પણ કરવાની નથી- ટૂંકમાં- મને પ્રેમભાવથી પંપાળવાની નથી જ નથી.''
મેં વચન આપ્યું. એણે ચેતવણી આપતા કહ્યું :
''જો તું હલશે કે આગળ વધશે તો હું હોડીને ડૂબાડી દઈશ.''
અને પછી અમે બાજુ બાજુમાં સૂઈ ગયા ત્યારે અમારી આંખો આકાશ તરફ હતી, જ્યારે હોડી પાણી ઉપર ખૂબ જ હળવેથી સરકતી જતી હતી. હોડીની હળવી હલનચલનથી અમે હલબલી રહ્યાં હતા. અમે હોડીનાં તળિયે સૂતા હતા અને એથી રાત્રિનો એ ધીમો અવાજ પણ અમને વધારે સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ક્યારેક અમને આશ્ચર્ય થતું. અને એક વિચિત્ર ઉત્કટ લાગણી મારામાં ઊછળતી હોય એવું મને લાગી રહ્યું હતું. એ અસીમ અમર્યાદ સુકોમળતા, એ અટકાવી ન શકાય એવો આવેગ કે હું મારા હાથો લંબાવીને એને મારી બાહોપાશમાં જકડી લઉં, દિલ ખોલીને એને પ્રેમ કરું, મારી જાત એને સમપત કરું, મારું શરીર, મારી જિંદગી, મારી આખી હસ્તી હું એને અર્પણ કરું.
મારી સાથી કાંઈ ગણગણી જાણે કે એ કોઈ સ્વપ્ન જોતી હોય.
''આપણે ક્યાં છીએત આપણે ક્યાં જઈ રહ્યાં છીએ? મને તો લાગે છે કે હું આ પૃથ્વી છોડીને જઈ રહી છું. કેવી મીઠી વાત છે! આહ, જો તું મને પ્રેમ કરે-થોડોક!!!''
મારું દિલ જોરથી ધડકવા માંડયું. મારી પાસે એનો કોઈ જવાબ નહોતો. મને એવું લાગ્યું કે હું એને પ્રેમ કરવા માંડયો છું. મારી એ હિંસક ઈચ્છા હવે મારી સાથે નહોતી. એની બાજુમાં ફક્ત ચત્તા પડી રહેવાની સ્થિતિમાં પણ હું ખૂબ ખુશ હતો, અને એ મારા માટે પૂરતું હતું.
અને અમે ત્યાં એમ ને એમ બહુ લાંબા સમય સુધી હાલ્યા ચાલ્યા વિના પડયા રહ્યા. અમે બંનેએ એકબીજાનાં
હાથ પકડી રાખ્યા હતાત કોઈ એવું આનંદદાયક જોર હતું, કોઈ એવું બળ કે શક્તિ જેણે અમને એકદમ સ્થિર કરી દીધા હતા, એવી કોઈ અજાણી શક્તિ
જે અમારા કરતા વધારે બળવાન હતી. આ એક એવું મૈત્રી જોડાણ હતું, જે પવિત્ર હતું, ગાઢ અને સંપૂર્ણ હતું. અમે એકબીજાની અડખેપડખે અડયા વિના સૂતા હતા અને.. એક બીજાનાં થઇ ચૂક્યા હતા. આ શું હતું? મને શી રીતે ખબર પડે? પ્રેમ? કદાચ...
ધીમે ધીમે પરોઢની ઘડી ગણાઈ રહી હતી. સવારનાં ત્રણ વાગ્યા હતા. આકાશમાં ધીમે ધીમે હળવો ઉજાસ છવાઈ રહ્યો હતો. હોડી કશાક સાથે અથડાઈ. હું ઊઠયો. જોયું તો અમે એ જ નાનકડાં ટાપુની નજીક હતા. પણ અમે તન્મયાવસ્થામાં પડી રહ્યાં. આ કોઈ જાદુ હતો. આ કોઈ તો કામણ હતું. અમારી સામે આકાશ હતું લાલ, ગુલાબી, જાંબલી. વાદળો હતા જે સળગી રહ્યાં હતા અને એનો ભેજ સોનેરી રંગનો ભાસી રહ્યો હતો. નદી જાંબુડી રંગની હતી અને એની એક તરફ દ્રષ્ટિગોચર થઈ રહેલાં ત્રણ ઘરો જાણે કે સળગી રહ્યા હોય, એવું લાગતું હતું.
હું મારી સાથી તરફ વળ્યો. હું એવું કહેવા જઈ રહ્યો હતો કે, ''ઓહ! જો તો ખરી!'' પણ એવું કહેવા જતી જીભને મેં રોકી, હું બાવરો બની ગયો હતો, અને મને બીજું કાંઈ પણ દેખાતું નહોતું સિવાય કે એ સ્ત્રી. એ ફૂલ ગુલાબી હતી, એનું શરીર ગુલાબી હતું, ક્યાંક ક્યાંક ઘેરું ગુલાબી હતું, જ્યાં આકાશની લાલિમા એની ઉપર પડતી હતી. એનાં વાળની લટ ગુલાબી હતી, એની આંખો ગુલાબી હતી, એની દંતપંક્તિ ગુલાબી હતી, એનું વસ્ત્ર, એની ફીત, એનું સ્મિત, એ સઘળું ગુલાબી હતું. એ ભ્રમણાએ મારી જાત ઉપર એવો તો કબજો જમાવ્યો હતો કે હું સાચે જ સાચું માની ચૂક્યો હતો કે આજે આ જીવતી જાગતી સલૂણી સવાર એનાં તનબદનમાંથી ઉદિત રહી છે.
એ હળવેથી ઊભી થઇ અને એનાં હોંઠ મારી તરફ ફેલાયેલા હતાત અને હું એની તરફ વળ્યો. હું કંપી રહ્યો હતો. એ સંનિપાત, એ આવેગ. ખરેખર એવું હતું કે હું સ્વર્ગ ચૂમવા જઈ રહ્યો છું, હું ખુશીને ચૂમી રહ્યો છું. આજે હું એ સ્વપ્નને ચુંબન કરીશ, એ સ્વપ્ન જે એક સ્ત્રી રૂપે મારી સન્મુખ છે. હું એ કલ્પના વિહારને ચૂમીશ, જે માનવ હાડમાંસનું રૂપ લઈને મારી સામે મૌજૂદ છે.
અને એણે કહ્યું : ''ઓ તારા વાળમાં તો ઈયળ છે.'' અને... અચાનક હું એવો દુ:ખી થઇ ગયો, જાણે કે મારી જિંદગીની તમામ આશાઓ ભાંગીને ભૂક્કો થઇ ગઈ છે.
બસ આટલું જ, મેડમ. આ આખી વાત બાલિશ, વાહિયાત અને ગાંડા જેવી છે. પણ હું ચોક્કસ માનું છું કે એ દિવસ પછી મારા માટે કોઈ પણ ને પ્રેમ કરવો અશક્ય બની ચૂક્યો છે. અને તેમ છતાં... કોણ કહી શકે?
એક યુવાનનો મૃતદેહ સીન નદીમાંથી, બોગીવલ અને માર્લીની વચ્ચેથી મળી આવ્યો. એક પરગજુ ખલાસી કે જેણે મરનારનું નામ જાણવા એનાં ખિસ્સા તપાસ્યા હતા ત્યારે એને આ કાગળ મળી આવ્યો હતો અને એ ખલાસી એ કાગળ આ લેખક સુધી લઇ આવ્યો.

સર્જકનો પરિચય
દ. મોપાસા
જન્મ ૫ ઓગસ્ટ, ૧૮૫૦
મૃત્યુ ૬ જુલાઈ, ૧૮૯૩
ફ્રેંચ લેખક, વાર્તાકાર દ. મોપાસાની જિંદગી ટૂંકી પણ ખૂબ ફળદાયી રહી. એમની વાર્તા અને નવલકથા આજે પણ વિશ્વભરમાં વંચાતા ફ્રેંચ સાહિત્યનો મોટો હિસ્સો છે. દ. મોપાસા વિરલ હતા. એવા લેખક જે એમનાં સમયમાં અતિ સફળ રહ્યાં. સાહિત્યને એમની કારકિર્દી બનાવવાની એમની આકાંક્ષા હતી અને એમનાં આગવા સાહિત્ય સર્જનનાં માધ્યમથી એમણે લોકોનાં દિલો પર રાજ કર્યું પણ એ મહત્વકાંક્ષાની પ્રાપ્તિએ જ એમને તારાજ પણ કર્યાં. તેઓ અતિશય સંવેદનશીલ પણ હતા અને હતોત્સાહ પણ જલદીથી થઇ જતા. એમની મિત્ર લેખિકા એમિલી ઝોલા અનુસાર તેઓ એવા મનુષ્ય હતા જે સૌથી વધારે સુખી પણ હતા અને સૌથી વધારે દુ:ખી પણ હતા.
દ. મોપાસાની અંગત જિંદગી રંગીન હતી. યુવાનીમાં અનેક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધોને કારણે તેઓ ગુપ્ત રોગ સીફીલીસનાં શિકાર બન્યા હતા અને એમની સર્જનશીલતા પર રોગનું ગ્રહણ લાગ્યું હતું. તેંતાલિસ વર્ષની વયે એમનું અવસાન થયું. એમની કબર પરનું લખાણ એમણે પહેલેથી જાતે જ લખી રાખ્યું હતું 'મેં દરેક વસ્તુને ચાહી છે. કોઈમાંથી પણ મેં ખોટી રીતે આનંદ મેળવ્યો નથી.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SOvjjW
ConversionConversion EmoticonEmoticon