'તો ઇ ઘોડા આ જશો જામ જીતશે.'


બીજા દિવસે જશા જામે ભરી કચેરીમાં લશ્કરને હુકમ દીધો કે 'હળવદના રાજા ચંદ્રસિંહની ઘોડારના ઘોડા જામનગરના પાદરમાં હાજર કરો, તબેલો સાફ કરો.'

આ ભમાં અષાઢી વાદળાનાં સાત સાત પડ બંધાઇ ગયાં છે. નવલખ તારે ઝૂલતો આભનો ચંદરવો ઢબુરાઇ ગયો છે. મેઘલી રાત જામી ગઇ છે. વનના મોરલા ગળાના ત્રણ ત્રણ વળાંકા લેતા ગહેંકી રહ્યા છે.

એવે વખતે હાલાર હાકેમ જામ જશોજી ઝાલી રાણીને ઓરડે રાણી સાથે શેતરંજના દાવ ખેલી રહ્યો છે. રાણીવાસનો ઓરડો હાંડી - ઝુમ્મરથી ઝળહળી રહ્યો છે. સામસામા દાવ ખેલાઇ રહ્યા છે. નવાનગર (જામનગર)નો ધણી જશોજી આજે મોજમાં છે. દાવમાં જશોજી રાણીનું ઘોડું જીત્યા એટલે જશોજી પહોળી છાતી ઉપર ડાબા હાથના પંજાની પ્રાછટ મારતાં બોલ્યા,

'રાણી, જામનગરનો ધણી જીતમાં જ હોય.' જામના વેણ સાંભળી રાણી બોલ્યા,

'મરેલા ઘોડે જીત્યે કાંઇ મરદાઇ નોં લેખાય.' સાંભળતાં જ જામ જશાની ભ્રકુટી ત્રિભત્રંગ થઇ. એણે સામો સવાલ કર્યો :

'ત્યારે ?'

'જીવતા ઘોડા જીતો તે દિ' મોતીડે વધાવું બાકી આ તો રમતના ઘોડા.'

'એ વાત ! કોની ઘોડાસરમાં ઘોડા બાંધ્યા છે તે આ જશો જામ તેને જીતે ?'

'જામના ગર્વમાં ગરકાવ થયેલા વેણને રાણી ગળી ના શકી. જામને સાચો જવાબ દીધો, 'મારા ભાઇની - હળવદની ઘોડાસરમાં બાંધ્યા છે.'

'તો ઇ ઘોડા આ જશો જામ જીતશે.' બોલીને શેતરંજને પડતી મૂકીને ધગેલ ત્રાંબા જેવો થઇને જશો જામ ઝાલી રાણીના ઓરડાનાં પગથીઆં ઊતરી ગયો.

બીજા દિવસે જશા જામે ભરી કચેરીમાં લશ્કરને હુકમ દીધો કે 'હળવદના રાજા ચંદ્રસિંહની ઘોડારના ઘોડા જામનગરના પાદરમાં હાજર કરો, તબેલો સાફ કરો.'

હુકમ મળતાં જ ફોજ ઊપડી હળવદ માથે. રાજચંદ્રસિંહનું સોળે કળાએ રાજ તપે. હળવદની ફરતા રણબંકા રજપૂતોનાં રખવાળાં. ચકલુંય ફરકે નહિ ને સળીએ સરે નહિ એવો જામોકામી જાપ્તો. હાથ ઘસીને જામનું લશ્કર પાછું વળ્યું. જામ જશાએ બીજા ચુનંદા માણસોનું કટક મોકલ્યું, પણ એણે ય પારોઠનાં પગલાં ભર્યા, એટલે જામ જશાને પગથી તે માથા સુધી અગનઝાળ લાગી ગઇ હવે તો હળવદના ઘોડા નહિ પણ હળવદના ધણીને પકડાવું એવો મનસૂબો કરીને રાણાવાવના થાણદારને તેડું મોકલ્યું. તે દિ' રાણાવાવના થાણદાર - પદે શંકરદાસ દામોદરદાસ નાગરનાં બેસણાં. બુદ્ધિને બાવડાનો બળીઓ બ્રાહ્મણ જામના વેણે હાજર થયો. હાજર થયેલા શંકરદાસને જશા જામે મનની મૂંઝવણ કીધી. શંકરદાસે વેણ કાઢ્યાં,

'બાપુ, સવામણની તળાઇમાં સૂઇ રહો. હવે હું છું ને ચંદ્રસિંહ છે. બે દિ'માં જામનગરના ભર્યા દરબારમાં હાજર ન કરું તો હું બ્રાહ્મણ બચ્ચો નહીં.' બોલીને શંકરદાસ ચારસે ઘોડે હળવદ માથે ચડયો. શંકરદાસ લાંબો પંથ કાપીને હળવદ પુગ્યો ત્યારે અંધારાં ઊતરી ગયાં હતા. હળવદ આખું શોકમાં ગરકાવ હતું. ચંદ્રસિંહના કુંવર દેવ થયા હતા. શંકરદાસે વાતને પારખી લીધી. પોતાની ફોજને રાજમહેલ ફરતી ગોઠવી. એકલ પંડયે ચંદ્રસિંહના રંગમહેલમાં પુગ્યો. ચંદ્રસિંહને એકલો જોઇ ડણક દીધી :

'રાજ, તમે મારા કેદી છો !'

ડણક સાંભળી ચંદ્રસિંહનાં બા આરોડામાંથી બહાર આવ્યાં. મહેલ ફરતી રાજમાતાની નજર ફરી. મહેલ આખો ઘેરાઇ ગયેલો જોયો. મૂંઝાતાં રાજમાતા સામે મીટ માંડી શંકરદાસે વેણ કાઢ્યાં :

'બા, થોડા દિવસ ચંદ્રસિંહને લઇ જાઉં છું પાછો હું મૂકી જાશ.'

'પણ ....'

રાજમાતા સામે સવાલ કરે એ પહેલાં શંકરદાસ બોલ્યો.

'બા, બ્રાહ્મણનો બોલ. બ્રહ્માંડ ફરે તો આ બોલ ફરે.'

શંકરદાસે ચંદ્રસિંહને કેદ કરીને જામ જશાના દરબારમાં હાજર કર્યો.

જામ જશો મૂછમાં હસીને બોલ્યા,

'રાજ ....પધારો...'

'જામ, એક બ્રાહ્મણના હાથે હું હાર્યો એમાં નામોશી નથી. નામોશી તો તે દિ' લાગે, જે દિ' તમે હળવદને હરાવો.'

રાણીએ ચકમાંથી ભાઇને બંદીવાન જોયો. તેણે શંકરને તાકીદનું કહેણ મોકલ્યું કે ચંદ્રસિંહને સહી સલામત હળવદ પુગતા કરવા.

જામ જશા સામે ચંદ્રસિંહને રજૂ કરી વચન પળ્યા પછી શંકરદાસ ચંદ્રસિંહને ચારસો ચુનંદા અસ્વારના રખવાળા નીચે હેમખેમ હળવદ પાછા પુગાડવા વળી નીકળ્યો.

જામ જશાને ખબર પડતાં જ તેણે પછવાડે વાર છોડી. જામની ફોજના ઘોડા છૂટયા. આ બાજુ શંકરદાસના ઘોડાને પાંખું ફૂટી. એને તો હળવદના રાજમાતાના દીધેલ વેણ પાળવું હતું. એનો દીકરો હેમખેમ પાછો દેવો હતો. હાલારથી તે ઠેઠ ઝાલાવાડની ધરતીનો મારગ ઘોડાની ખેપટે ધૂંધળો થઇ ગયો હતો. હળવદનો સીમાડો આવતાં જ જામનું લશ્કર શંકરદાસની ફોજને આંબી ગયું પડકારા થયાં. શંકરદાસે અંગરક્ષકો સાથે ચંદ્રસિંહને હળવદમાં હેમખેમ પુગાડી ઘોડા મરડયા જામની ફોજ સામે ધીંગાણે પડયો. ઘોર રણસંગ્રામ ખેલતાં શંકરદાસ કંઇકનાં ઢીમ ઢાળી પોઢી ગયો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vWeYRr
Previous
Next Post »