ડાકોરમાં કાઠિયા ખાક ચોક મંદિરના બે મહંતોની હત્યા કરનાર આરોપીને આજીવન


નડિયાદ, તા.26 ફેબ્રુઆરી 2020, બુધવાર

નવ મહિના અગાઉ યાત્રાધામ ડાકોરના એક મંદિરમાં થયેલ સનસનાટીભર્યા ડબલ મર્ડર કેસમાં આજે નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.મંદિરના મહંત દ્વારા તાંત્રિક વિધિ કરાતી હોવાની શંકાના આધારે બહારગામથી આવેલા સાધુએ ઉંઘતા મહંતની બોથડ પદાર્થથી હત્યા કરી હતી. ઉપરાંત મહંતને બચાવવા વચ્ચે પડેલા અન્ય સાધુની પણ હત્યા કરી હતી. 

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કાઠીયા ખાક ચોક મંદિર આવેલું છે. અહીં બહારગામથી આવેલા સાધુઓ વસવાટ કરતા હોય છે. આ મંદિર ડાકોરનું ખૂબ જ જાણિતું કાચનું મંદિર છે. ડાકોર આવતા યાત્રાળુઓ આ મંદિરમાં અચૂક જતા હતા. આ મંદિરમાં ૬૫ વર્ષિય રામભૂષણ મહાત્યાગી અને  ૬૦ વર્ષિય દત્તગીરી મહારાજ  જે મૂળ મહારાષ્ટ્રના છે તે છેલ્લાં ૧૨-૧૩ વર્ષથી રહેતા હતા.ગત્ ૪ થી એપ્રીલના રોજ મંદિરમાં ખૂન કરનાર  ૬૫ વર્ષિય કાશીદાસ મહારાજ ડાકોરમાં દર્શન કરવા હેતુથી રહેવા આવ્યા હતા. ગત્ ૯મી મેના રોજ બપોરે રામભૂષણ મહાત્યાગી મહારાજ અને દત્તગીરી મહારાજ મંદિરના ઉપરના માળે સૂઇ ગયા હતા.

તે સમયે કાશીદાસ મહારાજે લાકડાના દસ્તા અને ટાઇલ્સ વડે રામભૂષણ મહાત્યાગી મહારાજ પર હૂમલો કર્યો હતો.જે દરમ્યાન જેમાં બાજુમાં સુતેલા દત્તગીરી મહારાજ વચ્ચે પડતા કાશીદાસે તેમના પર પણ હૂમલો કર્યો હતો. આ હૂમલામાં રામભૂષણ મહાત્યાગી મહારાજનું માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે દત્તગીરી મહારાજ ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલીક સારવાર અર્થે ડાકોરની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. 

આ બનાવમાં પોલીસે ઘટના સ્થળેથી જ હત્યારા કાશીદાસ મહારાજને ઝડપી લીધો હતો. જેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી  કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આજ રોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટે માં ચાલી જતા સરકારી વકીલ પ્રેમ તિવારીએ કોર્ટમાં કુલ-૨૫ દસ્તાવેજી લીસ્ટ તથા મૌખિક પૂરાવાઓ રજૂ કરી દલીલ કરી હતી,કે આપણા સમાજમાં આવા પ્રકારના ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે.તેમજ મરણ જનાર બંને વ્યક્તિઓ સન્યાસી  હતા.ફક્ત તાંત્રીક વિધિ કરતા હોવાની શંકાના આધારે ઉંઘતા સમયે જીવલેણ હુમલો કરી મૃત્યુ નિપજાવ્યુ હતુ.તેવી ઉગ્ર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી કાશીદાસ નારાયણદાસજી મહારાજને તકસીરવાન ઠેરવ્યા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PshVzY
Previous
Next Post »