
આચરણ એ જ જિંદગીનું વ્યાકરણ છે. અધમણ ઉપદેશ કરતાં અધોળ આચરણ ચડી જાય છે. આખી ભગવદ્ ગીતા મોંઢે હોય પણ કર્મ ચૂકી જાવ તો એ જ્ઞાાન શા કામનું ? ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપવા જેવો ઘાટ થાય છે
મૌનનું મહત્વ સમજાવવા ઘણા કલાકોના કલાકો પ્રવચન આપનારાની બહુમતી છે. સલાહ આપવા માટેની હરિફાઈ યોજાય તો બધા પહેલો નંબર લઈ જાય
માણસ જેવો દેખાય છે તેવો હોતો નથી અને એ જેવો હોય છે તેવો દેખાતો નથી. રેલવેમાં શુટેડ બુટેડ દેખાતો અને હાથમાં અંગ્રેજી છાપું વાંચતા હોવાનો ડોળ કરતો માણસ તમારી આખે આખી કિંમતી શૂટકેસ ઉપાડી છૂમંતર થઈ જાય એની ખબર સુદ્ધાં કોઈને ય પડવા દેતો નથી અને ભીડમાં તમારી સીટ આગળ બંડી-ધોતી પહેરેલો બેઠેલો ગામઠી માણસ પાંચ હજાર રૂપિયા ભરેલું નીચે પડી ગયેલું તમારું પાકીટ તમને પરત કરી દે ત્યારે આખી આ વાત ચોખ્ખા ઘીનો શીરો ગળે ઉતરી જાય તેમ સમજમાં આવી જાય છે. અહીં ફકીરના વેશમાં રાવણ નીકળે છે અને તવાયફના કંઠે ભજન નીકળે છે.
આખો દિવસ માણસ વાતો કરે છે આસ્તિકની અને જીવે છે નાસ્તિકની જેમ. બોલવાનું જયશ્રીકૃષ્ણ, જયશ્રીકૃષ્ણ અને આચરણ પેલા દુ:ર્યોધનનું કરવાનું. એક મહાભારત સમજી લઈએ પછી કોઈના ય ઘરમાં મહાભારત નથી સર્જાતું. માણસે શું શું કરવું જોઈએ એ રામાયણ શીખવે છે અને શું શું ન કરવું એ મહાભારત શીખવે છે. કુરુક્ષેત્ર અને અયોધ્યા બેમાંથી કોની પસંદગી કરવી એ તમારા હાથમાં છે. આચરણ એ જ જિંદગીનું વ્યાકરણ છે. અધમણ ઉપદેશ કરતાં અધોળ આચરણ ચડી જાય છે. આખી ભગવદ્ ગીતા મોંઢે હોય પણ કર્મ ચૂકી જાવ તો એ જ્ઞાાન શા કામનું ? ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપવા જેવો ઘાટ થાય છે. આચરણ વિનાનું જ્ઞાાન એકડા વગરના મીંડા જેવું છે.
એસ.ટી.બસ સ્ટોપ ઉપર 'લાઈનમાં ઉભા રહો' ની સૂચનાનું પાલન કેટલા કરે છે ?' અહીં વાહન પાર્ક કરવું નહિ'- બોર્ડ આગળ જ વાહનો ખડકાય છે. કચરો રસ્તા ઉપર ફેંકાય છે ત્યારે કચરાપેટીને પણ અપમાન જેવું લાગે છે. કેળું ખાધા પછી છાલ ક્યાં ફેકાય છે એની બધાને ખબર છે. તમામ ધાર્મિક સ્થળોએ પ્રભુદર્શન માટે જે પડાપડી, અફડાતફડી અરાજક્તા સર્જાય છે એની વૃદ્ધોને, અશક્તને, બિમારને માટે કાયમી દુ:ખદ ઘટના બની રહે છે. હાથ ઉપર કિંમતી ઘડિયાળ દેખાવ માટે હોય છે. અહીં સમયપાલન સદાકાળ લઘુમતીમાં હોય છે. આવાં તો અસંખ્ય ઉદાહરણો દરેક આપી શકે જેમાં આચરણના નામે મીડું હોય છે.
મૌનનું મહત્વ સમજાવવા ઘણા કલાકોના કલાકો પ્રવચન આપનારાની બહુમતી છે. સલાહ આપવા માટેની હરિફાઈ યોજાય તો બધા પહેલો નંબર લઈ જાય. કારણ વગર પાણીનો નળ ખુલ્લો રહી જાય તો કોઈને ય શરમ નથી આવતી. ચાર રસ્તે લાલ લાઈટ હોવા છતાં ય વાહન પસાર થયાના કિસ્સા રોજની બાબત છે. પણ જો બિલાડી આડી ઉતરે તો... લીલી બત્તી હોય તો ય.. શું ? સમજી ગયાને ! મંદિર આગળ ફૂલોના હાર ભગવાનને ચડયા પછી વેચનારને પૂજારી પાછા આપી જાય છે. જેથી એ જ હાર ફરી ચડાવી શકાય ! અહીં પણ ગાંધી-વૈદ્યનું સહિયારું. એક જ ફીક્સ ભાવે તો અહીં નાળિયેર પણ નથી મળતું. ધાર્મિકતા પણ કેવી ? આ યક્ષ પ્રશ્નો જવાબ દરેકે પોતાની જાતને પૂછી ન્યાય કરવાનો છે.
આપણે બધા વાતે વાતે શાસ્ત્રોની દુહાઈ આપીએ છીએ કે શાસ્ત્રમાં તો આમ લખ્યું છે તો આપણે એ રીતે જ આચરણ કરવું જોઈએ, ત્યારે બહુ દ્વિધા અનુભવાય છે. કોઈ સમજાવશે કે લાંચ આપવાનું- લેવાનું ક્યા શાસ્ત્રમાં લખ્યું છે ? જૂઠું બોલવું, ગંદકી કરવી, ભેળસેળ કરવી, કાળા બજાર કરવા, ચોરી કરવી, હત્યા કરવી, વ્યસનો કરવાનું, બાળવિવાહ કરવાનું, માબાપને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું ક્રોધ કરવાનું, અપશબ્દો બોલવાનું ક્યા શાસ્ત્રમાં લખ્યું છે ? નથી લખ્યું ને ? છતાં આ બધું જ કરવામાં આવે છે અને પછી રોજ મંદિરે દર્શન કરવા તો જવાનું જ. ધર્મ હવે ધંધો થઈ ગયો છે, અને ધંધામાં હવે ધર્મ રહ્યો નથી. આચરણ વગર બધું જ નકામું છે. અખાની વાત યાદ આવે છે. તિલક કરતાં ત્રેપન વહ્યાં... એક મૂરખને એવી ટેવ.. વગેરે વગેરે. અંતમાં આચરણમાં મૂકવા જેવી એક સાર્વજનિક વાત કહી સમાપન કરું છું.
અત્યારે લગ્નોની મોસમ પૂર-બહારમાં જામી છે. બૂફે ડીનરનો જમાનો છે. જમ્યા પછી થાળી મૂકવા જઈએ ત્યાં થાળીઓમાં અન્નનો જે બગાડ નરી આંખે જોયા પછી એક પ્રશ્ન થાય છે કે આજે જમીને ગયા એ ખરેખર ભણેલા-ગણેલા માસણો જ હતા કે ? સામાન્ય રીતે આવા જમણવારમાં હજાર બે હજાર માણસો તો સામાન્ય રીતે હોય છે જ. જો એક જ માણસ પોતાની થાળીમાં માત્રને માત્ર પચાસ ગ્રામ ભાત એઠાં મૂકે તો ૨૦૦૦ ટ ૫૦ ગ્રામ = ૧૦૦ કિલો (પૂરાપાંચમણ) ભાત નિરર્થક વેડફાય છે. આવી બીજી વાનગીઓની ગણતરી કરીએ તો ભલભલાને ચક્કર આવી જાય તેવી વાત છે. અન્નમ્ બ્રહ્મ અને અન્નપૂર્ણા દેવીની પૂજા કરનારા આપણે આજથી જ પ્રતિજ્ઞાા કરીએ કે હવે પછી મારી થાળીમાં એક દાણાનો પણ એંઠવાડ હું નહીં છોડું. શાબાશ. આચરણનું આજ શુધ્ધ વ્યાકરણ છે. આવું કર્યા પછી મંદિરે જવું ફરજિયાત નથી. બેસ્ટ લક.
- પી.એમ.પરમાર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T2o0oX
ConversionConversion EmoticonEmoticon