દેવાધિદેવ શિવ અને માતા પાર્વતીનાં ગાઢ પ્રણયનું સ્વરૂપ 'અર્ધનારીશ્વર'


શિવજીને થયું કે પાર્વતીજીએ મને પામવા કેટલો મોટો ત્યાગ કર્યો ! મારા માટે આવી ઉગ્ર તપશ્ચર્યા કરનાર પાર્વતી હવે મારા વિના એક ક્ષણ નહીં રહી શકે. આથી જ એમણે અર્ધાગિની પાર્વતીને હંમેશને માટે પોતાના દેહનાં ડાબા અર્ધ અંગમાં સ્થાન આપ્યું. 

પૂર્વની સંસ્કૃતિમાં વસંત ઋતુનો સમય પ્રણયનાં આદાન-પ્રદાન માટે ઉત્તમ ગણાયો છે. તો ભગવાન શિવજીનાં અવતરણનો દિવસ 'શિવરાત્રિ' આજ માસમાં આવે છે. શિવજીનો પ્રણય સંબંધ માત્ર પાર્વતીજી સાથે જ રહ્યો. એમાંય એ યુગલનું 'અર્ધ નારીશ્વર' સ્વરૂપતો સ્ત્રી-પુરુષ, નર-નારી, પતિ- પત્નિનાં નિર્મળ અને ગાઢ પ્રેમનાં પ્રતીક સમાન છે. આ વિષે એક કવિ કહે છે,' દેવી પાર્વતીને દેવ શિવ, બંન્ને અર્ધ નારીશ્વર થયા, પ્રેમની આ તે શી વ્યાકુળતા ?'

સૂર્ય અને તેનો પ્રકાશ, ચંદ્રમાંની ચાંદની અને ફૂલમાં સુગંધની જેમ શિવનું પુરુષત્વ અને પાર્વતીનું પ્રકૃતિત્વ એ બંન્નેએ એક બીજામાં ઓત-પ્રોત થઇને આ સૃષ્ટિનું સર્જન કર્યાનું મનાય છે. એમ તો શિવ-પાર્વતી તો જન્મ-જન્માતરથી દાંપત્ય- પ્રીતિનાં પ્રણયયોગથી જોડાયેલા છે. આમાં'શિવ-પુરાણ' અને કવિ કાલિદાસનાં 'કુમાર સંભવ'માં વર્ણવેલી શિવ-પાર્વતીનાં વિવાહની વાત તો તેમનાં પ્રેમ, પ્રણય અને પરિણયનું મોટું ઉદાહરણ પુરું પાડે છે. એમની કથા અનુસાર, શિવજીનાં દર્શન માત્રથી સૌન્દર્ય સામગ્રી પાર્વતીનાં હૃદયમાં પ્રેમનું ઝરણું ફૂટયું, એ વખતે એમને શિવજીને વરવાનાં કોડ જાગ્યા.

પણ શિવજી તો રહ્યા સ્મશાનવાસી તથા તપસ્યા કરતા વૈરાગી, તો બીજી તરફ, હિમાલયપુત્રી, સુખ-વૈભવમાં ઉછરેલા પાર્વતી. બંન્ને વચ્ચે પરિણય કેવી શક્ય બને ? વાસ્તવમાં સાચા પ્રેમથી સર્જાયેલા દાંપત્યનો આધાર દેહની સુંદરતા પર નહી, પણ હૃદયમાં જાગૃત થયેલી શુદ્ધ પ્રેમ ભાવના છે. આવા સંસ્કાર પામેલા પાર્વતીજીએ શિવજી પ્રત્યેની પ્રીતિને તપશ્ચર્યાથી પરિપક્વ અને પરિશુધ્ધ કરી. તો શિવજી પણ પાર્વતીની પ્રેમ ભક્તિથી પ્રસન્ન થયાને, પાર્વતીનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો. ત્યારબાદ એમનો વિવાહ યજ્ઞા સંપન્ન થયો અને એક પ્રેમ- સન્માનભર્યા પ્રસન્ન દાંપત્યનો શુભારંભ રચાયો.

ત્યારે શિવજીને થયું કે પાર્વતીજીએ મને પામવા કેટલો મોટો ત્યાગ કર્યો ! મારા માટે આવી ઉગ્ર તપશ્ચર્યા કરનાર પાર્વતી હવે મારા વિના એક ક્ષણ નહીં રહી શકે. આથી જ એમણે અર્ધાગિની પાર્વતીને હંમેશને માટે પોતાના દેહનાં ડાબા અર્ધ અંગમાં સ્થાન આપ્યું. અહીં તેઓ બંન્ને શબ્દ અને અર્થની જેમ એકરૂપ- અદ્વૈત થઈ ગયા, ત્યારથી તેઓ 'અર્ધનારીશ્વર' કહેવાયા. સત્યમ્, શિવમ્, સુંદરમની એક પ્રેમમૂર્તિ રચાઈ ગઇ.

સ્ત્રી અને પુરુષ, પતિ-પત્ની એ બંન્ને જો પોતાના ગૃહસ્થાશ્રમનું સ્નેહભાવથી સીંચન કરે તો તેમનું જીવન ધન્ય બની જાયને સંસાર ફૂલોની સુગંધથી મહેકી ઉઠે, ને પ્રેમની કાયમી વસંત ખીલી ઉઠશે.

ઉત્તરનું કાશીતો શિવજીની લીલાભૂમિ છે. અહીં શિવજી હૃદયશ્વરી દેવી અન્નપૂર્ણા, (પાર્વતીનાં એક સ્વરૂપ) સાથે હંમેશને માટે નિવાસ કરે છે. આ તીર્થમાં શિવ અન્નપૂર્ણાથી કદી વિખૂટા પડતા નથી. તેથી તેઓ 'અવિમુક્તેશ્વર' કહેવાયા. આજે પણ ભગવાન વિશ્વનાથનાં મંદિરની બાજુમાં જ અન્નપૂર્ણાનું મંદિર શોભે છે.

એક પૌરાણિક કથા પ્રમાણે પહેલાં ભોળાનાથ શ્વસુરગૃહે હિમાલયમાં રહેતા હતા. પરંતુ દેવીએ હઠ લેતાં, તેમના પ્રેમાગ્રહથી તેઓ કાશીમાં આવીને વિશ્વનાથરૂપે રહેવા લાગ્યા. એકવાર તો શિવજીએ ભિક્ષુકનું સ્વરૂપ લઈ ભિક્ષા માગવા દેવી અન્નપૂર્ણાને ત્યાં 'ભિક્ષાંદેહિ' કહીને ઉભા રહી ગયા. ત્યારે દેવીએ તેમને પ્રેમપૂર્વક ભિક્ષા આપેલી !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V62xwU
Previous
Next Post »