ભાલેજ રેલવે ફાટક સમારકામના કારણે સાત દિવસ બંધ કરાતા લોકોને તકલીફ


આણંદ,તા.22 ફેબ્રુઆરી 2020, શનિવાર

આણંદ શહેરના પૂર્વ ભાગમાં આવેલ ઈસ્માઈલનગર સ્થિત ભાલેજ ઓવરબ્રીજ નજીક આવેલ ભાલેજ રેલ્વે ફાટક સમારકામને લઈને આજથી સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના રહીશોને ભાલેજ ઓવરબ્રીજ પરથી અવર-જવર કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાલેજ ઓવરબ્રીજ ઉપર પહેલેથી જ પીકઅપ અવર્સ દરમ્યાન ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી ત્યારે હવે ભાલેજ રેલ્વે ફાટક બંધ કરાતા ટ્રાફિકનું ભારણ વધવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધવાની શક્યતા જોવાઈ રહી છે.

વધુમાં મળતી વિગત મુજબ આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રીજ નજીક આવેલ અમીના મંઝિલ સામેનું ભાલેજ રેલ્વે ફાટક નં.-૨૬૦નું રેલ્વે તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવતા તા.૨૨ ફેબ્રુઆરીના રોજથી આ રેલ્વે ફાટકને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આગામી સાત દિવસ સુધી આ ફાટક બંધ રહેતા વાહનોની અવર-જવર થઈ શકશે નહી. 

ફાટકનું સમારકામ પૂર્ણ થયા બાદ આ ફાટક ફરીથી ખુલ્લુ કરવામાં આવશે. રેલ્વે ફાટકના સમારકામને લઈને રેલ્વે તંત્ર દ્વારા તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી આ ફાટક પરના વાહનવ્યવહારને બંધ કરવાના આદેશ અપાયા છે. જેને કારણે આ વિસ્તારમાં આવેલ રહેણાંક સોસાયટીઓ સહિતના આસપાસના વિસ્તારમાં વસતા શહેરીજનોને ભાલેજ ઓવરબ્રીજ ઉપરથી પસાર થવાની ફરજ પડશે.

ઉલ્લેખનીય છે કે ભાલેજ ઓવરબ્રીજ ઉપર પહેલેથી જ ટ્રાફિકની સમસ્યા વકરી છે. ખાસ કરીને સવાર તેમજ સાંજના પીકઅપ અવર્સ દરમ્યાન ટ્રાફિકનું ભારણ વધુ રહેતા ભાલેજ ઓવરબ્રીજ ઉપર છાશવારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે ત્યારે ભાલેજ રેલ્વે ફાટકને બંધ કરાતા આ ટ્રાફિક ભાલેજ ઓવરબ્રીજ ઉપર ડાયવર્ટ થતા હવે ટ્રાફિકનું ભારણ વધશે અને ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે તેવી શક્યતા વાહનચાલકોમાં જોવાઈ રહી છે. જેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા ભાલેજ ઓવરબ્રીજ ઉપર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરી ટ્રાફિક પોલીસ મુકવામાં આવે તેવી માંગ જાગૃત વાહનચાલકો દ્વારા કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HNQyfq
Previous
Next Post »