ભક્ત ચક્રિકે પોતાનું ગળું કાપી એઠું ફળ ભગવાનને અર્પણ કર્યું


ભગવાન જેના પર પ્રસન્ન થાય છે, એને જ દર્શન આપે છે. ભક્તિથી વંચિત રહેલો જીવ ભગવાનનાં દર્શન કયારેય પામી શક્તો નથી. જે નિષ્કામપણે કર્મ કરે છે, તે જ પરમેશ્વરને પામે છે. ભગવાનની ભક્તિ અને સેવા કરવાનો અધિકાર તમામ વર્ણના લોકોને આબાધિત છે. તેમાં નાત-જાત કે વર્ણભેદને અવકાશ નથી.

ભગવાનને રીઝવવા મોંઘા અને ખર્ચાળ યજ્ઞાો, પાઠપૂજા કે ઠાઠયાઠ વગેરેની આવશ્યકતા નથી. ભગવાન તો સાચાં હૃદયથી સમર્પિત કરેલ એકાદ પાંદ, ફળ કે પુષ્પથી પણ સંતોષ માને છે. પ્રભુને શુધ્ધ હૃદયના ભક્તિભાવની જ જરૂર છે.

તુલસીદલમાત્રેણ જલસ્ય ચુલુકેન વા ।

વિક્રિણીતે સ્વમાત્માન ભક્તેભ્યો ભક્તવત્સલ ।।

ભક્તવત્સલ ભગવાન માત્ર તુલસીના એક પાંદડા સાટે કે પાણીના એક ખોબા સાટે પોતાનું પંડ ભક્તને વેચે છે. ભગવાન પોતાના ભક્તોમાં નાત, જાત, રૂપ, ગુણ, વિદ્યા, ધન અને ક્રિયા આદિનો ભેદ નથી જોતા. દુરાચારી હોય અને તેના પગલાં પ્રભુ તરફ વળે તો ભગવાન તેને દૂર નથી રાખતો. તેને તરત સ્વીકારી લે છે. ભગવાનની નજરમાં શૂદ્ર કે સંવર્ણ જેવો ભેદ નથી.

ભારતવર્ષમાં પ્રાચીનકાળમાં અનેક ભક્તો થઈ ગયા છે. તેમાં નિષાદ, કિરાત, ચાંડાલ, શ્વપાક, ભીલ જેવી જાતિઓમાં થઈ ગયેલા ભક્તોએ પ્રભુની કૃપા મેળવી પોતાનું જીવન ધન્ય કરી પરમપદ પ્રાપ્ત કર્યું છે. વાલ્મીકિ, શબરી, વસુ, ચંડરાજ અને ચંડાવતી તેનાં ઉદાહરણ છે.

દ્વાપરયુગના અંતિમ ચરણમાં સાતમા મન્વંતરમાં વિસરખ ગામ પાસેના જંગલમાં ચક્રિક નામનો એક ભીલભગત થઈ ગયો. તે મિતભાષી, દયાળુ અને અહિંસક હતો. પ્રાણીમાત્ર પર તેને અનુકંપા હતી. તેણે પોતાની કુટિરમાં સસલાં-હરણાં જેવાં નાનાં પ્રાણીઓ પાળ્યાં હતાં. વનમાંથી વનફળ, જડીબુટીઓ વગેરે લાવીને તે પોતે ખાતો અને પાળેલાં પ્રાણીઓને પણ પોતાના હાથે ખવડાવતો.

જંગલના એક ભાગમાં પુરાતનકાળનું ખંઢેર હાલતનું એક વિષ્ણુમંદિર હતું. તેમાં ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનની પ્રાચીન મૂર્તિ હતી. ચક્રિક રોજ સવારે મંદિરે જતોને વનમાંથી મેળવેલાં સ્વાદિષ્ટ ફળો મૂર્તિને અર્પણ કરતો. આ જ તેની ભક્તિ હતી. તે અભણ, અજ્ઞાની અને શાસ્ત્રશ્રવણથી અનભિજ્ઞા હતો. ભક્તિ કેવી રીતે કરાય તેવું જ્ઞાન તેનામાં ન હતું. માત્ર વિષ્ણુ ભગવાનનું નામ તેની જીભ ઉપર અહર્નિશ રમ્યાં કરતું હતું.

ચક્રિકનો એક નિયમ હતો કે વનમાં પાકેલાં સ્વાદિષ્ટ ફળો ભગવાનને અર્પણ કરવાં અને સ્વાદહીન ફળો પોતે ખાવાં. ભગવાને જ વન બનાવ્યું છે અને વનફળ બનાવ્યાં છે. માટે ભગવાને સરજેલી વસ્તુઓ ઉપર ભગવાનનો પ્રથમ અધિકાર ગણાય. પાકાં અને સ્વાદિષ્ટ ફળો ભગવાને પોતાના માટે જ ઉગાડયાં છે અને સ્વાદરહિત ફળો માણસ તથા પશુ-પ્રાણીઓના આહાર માટે જ ઉત્પન્ન કર્યા છે. ચક્રિકની આવી સમજદારી અને માન્યતા હતા.

તે દરરોજ પ્રાતઃકાળે જંગલમાં જઇને જુદાં જુદાં ફળો લઈ આવતો ને તે ફળો ખાટા, કડવાં, તૂરાં કે મધુર-સ્વાદિષ્ટ છે કે કેમ તેની ખાતરી કરવા દરેક ફળ ચાખતો, ને જે ફળ સ્વાદિષ્ટ હોય તે તે ફળને અલગ કરી ભગવાન. વિષ્ણુની મૂર્તિ સમક્ષ અર્પણ કરતો. ચાખેલું એંઠું ફળ ભગવાનને ન ધરાય એવું જ્ઞાન તેનામાં ન હતું. ચક્રિકની પ્રેમલક્ષણા ભક્તિ હતી. તેની ભક્તિમાં પ્રેમ-સ્નેહનું પ્રાધાન્ય હતું. અને ભગવાનના સુખાર્યેની ભક્તિ હતી. તેને મોક્ષની ઇચ્છા ન હતી કે કોઈ પદ-પ્રતિષ્ઠાની લાલસા પણ ન હતી. તેને તો પોતાના ભગવાનને સ્વાદિષ્ટને મધુરાં ફળો અર્પણ કરીને તેને રાજી રાખવાની જ ઉત્કંઠા રહેતી. ભગવાન વિષ્ણુ સાથેનો પોતાનો પ્રેમભાવ અસ્ખલિત વહેતો રહે એ જ અભિલાષા હતી.

આવા નિષ્કામ અને નિર્મળ હૃદયના ભક્ત વિશે નારદજી કહે છે.

તત્પ્રાપ્ય તદેવાવલોકયતિ તદેવ શૃણોતિ,

તદેવ ભાષયતિ, તદેવ ચિન્તયસિ ।।

પ્રભુપ્રેમની આ તદરૂપતામાં ભક્તને બધું જ પ્રેમમય ભાસે છે. વાણીમાં પણ તેને પ્રેમનું જ શ્રવણ થાય છે. તેનું બોલવું પ્રેમમય હોય છે. અને ભગવાનના પ્રેમના વિચારોમાં જ તે દિનરાત મગ્ન હોય છે.

ભગવાનને ફળ ધરાવ્યા પછી ચક્રિક પોતે તૃપ્તિનો અનુભવ કરતો હતો. તેણે ભગવાનની નિષ્કામ ભક્તિને પોતાના આનંદમાં લપેટી લીધી હતી. ભગવાન રાજી કેમ રહે તેવો ભાવ તેને પરમ આનંદ આપતો હતો.

એક દિવસ તેને પિયાલ નામના વૃક્ષ પરથી સોપારી જેવડું પાકું ફળ હાથ લાગ્યું. ફળનો સ્વાદ પારખવા તેણે તે ફળને મોઢામાં મૂક્યું. ફળ ઘણું જ સ્વાદિષ્ટ હતું. ફળને મોંમા જ રાખીને તે નાચવા લાગ્યો એટલામાં મુખમાં રહેલું ફળ ગળામાં સરકી ગયું. ભગવાનના અધિકારનું ફળ પોતે ખાઈ લે તો એ દુઃખની વાત ગણાય. તે ભારે વ્યથિત થઈ ઉઠયો. ફળ ગળાની નીચે ન ઉતરી જાય તે માટે પોતાના ડાબા હાથથી ગળું દબાવી રાખ્યું ને જમણા હાથની આંગળીઓ ગળામાં નાખીને ફળ બહાર કાઢવા પ્રયત્નો કર્યા. પણ ફળ નીકળ્યું નહિ. તેણે વમન (ઉલટી) કરવા કોશિશ કરી, છતાં ફળ બહાર ન આવ્યું.

ફળ પેટમાં ઉતરી ન જાય તે માટે બન્ને હાથથી ગળું દબાવી તે જ્યાં વિષ્ણુમંદિર હતું ત્યાં ગયો ને પોતાની પાસે રહેલી કુહાડીથી ગળું કાપી કાઢી તેમાંથી ફળ બહાર કાઢયુંને ભગવાનને ચરણે ધર્યું. ગળું કપાઈ જવાને લીધે તે બેશુદ્ધ થઈને જમીન પર ઢળી પડયો.

ભક્ત ચક્રિકની આવી નિસ્વાર્થ અને સમર્પિતભાવવાળી પ્રેમ લક્ષણા ભક્તિ જોઈને ચતુર્ભુજ વિષ્ણુ પ્રગટ થયા ને મનમાં જ કહેવા લાગ્યા.

યથા ભક્તિમતાનેન સાત્વિકં કર્મ વૈ કૃતમ ।

યદત્વાનૃણ્યમાપ્નોમિ તથા વસ્તુ કિમસ્તિ મે ।।

બ્રહ્મત્વં વા શિવત્વં, વા વિષ્ણુત્વં વાપિ દિયતે ।

તથાપ્યાનૃણ્યમેતસ્ય ભક્તસ્ય નહિ વિધતે ।।

અર્થાત્ : આ ભીલરાજ ભક્તએ એવું સાત્ત્વિક કર્મ કર્યું છે કે મારી પાસે એવી કઇ વસ્તુ છે કે જે તેને આપીને હું તેના ઋણમાંથી મુક્ત થઈ શકું ? બ્રહ્મપદ, શિવપદ અથવા વિષ્ણુપદ પણ જો આપી દઉં, તો પણ આ ભક્તના ઋણમાંથી કદી પણ છૂટી શકું તેમ નથી.

જે પરાત્પર પરબ્રહ્મ ચતુર્ભુજ ભગવાન શ્રીવિષ્ણુ સામે ત્રણભુવન ઝૂકે છે એ જ ત્રિલોકના નાથને ચક્રિકે ભાવથી ધરેલું એક એઠું ફળ ઝુકાવી દે છે. આ જ સાચી ભક્તિ છે, અને સાચો ભક્ત છે. 

ભગવાન વિષ્ણુએ બેભાન થઈને પડેલા ભક્ત ચક્રિકના મસ્તક ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને બેઠો કર્યો. ભગવાનના સ્પર્શથી ચક્રિકના ગળાનો છેદ પુરાઈ ગયો ને તેને નવું જીવન મળ્યું. ભગવાને જાતે જ ભક્તના ખરડાયેલાં કપડાં ખંખેરી સાફ કર્યા. ચક્રિકે ભગવાનના ચરણમાં મસ્તક નમાવી દીધું ને બોલ્યો :

'હે મારા દેવતા ! હું મૂર્ખ છું. મને તમારા ગુણગાન કે ભક્તિ કરતાં આવડતું નથી. માત્ર તમારું નામ આવડે છે. વનનાં ફળોવડે હું તમારી પૂજા કરું છું. છતાં તમે મારી ભક્તિ સ્વીકારી મને દર્શન આપી મને ધન્ય ધન્ય કર્યો છે.'

ભગવાને ચક્રિકને વરદાન માગવા કહ્યું ત્યારે ચકિક બોલ્યો :

' હે દેવતા ! તમારાં દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું. મારે વરદાનનું કામેય શું છે. મારી એક અરજ છે કે, મારું ચિત્ત હંમેશાં આપની સેવામાં લાગેલું રહે એટલી કૃપા કરજો દેવતા.'

ભગવાને તથાસ્તુ કહી કહ્યું : ' હે ભગત ! અહીંથી તું દ્વારકા જ્જે. અને મારી ભક્તિ આ રીતે જ કરતો રહેજે. દ્વારકામાં શ્રીકૃષ્ણરૂપે પધારીને હું તને વૈકુંઠનું સુખ આપીશ.' એમ બોલી ભગવાન અંતર્ધાન થઈ ગયા.

ચક્રિક ત્યાર પછી વિસરખનું જંગલ છોડી દ્વારકા ગયો. શ્રીકૃષ્ણ જ્યારે પરધામ પધાર્યા ત્યારે ચક્રિકે પણ પરમધામ પ્રાપ્ત કર્યું.

- ચંદ્રકાંત પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V8l7V4
Previous
Next Post »