પ્લે સ્ટોરમાં ગમી ગયેલી કોઈ એપ ઇન્સ્ટોલ કર્યા વિના પહેલાં ટ્રાય કરો!


ગૂગલ પ્લે સ્ટોર એપમાં તમે વિવિધ એપ્સ તપાસી રહ્યા હો ત્યારે કેટલીક એપ્સ એવી મળે જે તમને ખરેખર ઉપયોગી થશે કે કેમ તેની ખાતરી ન હોય. આપણે ફક્ત તેની અજમાયશ કરવાની હોય. જો એપની સાઇઝ ઘણી વધુ હોય તો આપણે લગભગ આવી અજમાયશ કરવાનું માંડી વાળીએ.

આના ઉપાય તરીકે પ્લે સ્ટોરમાં હવે ‘ઇન્સ્ટન્ટ એપ્સ’ નામની એક સુવિધા છે. આ સુવિધાની મદદથી આપણે જુદી જુદી એપ્સ પૂરેપૂરી ડાઉનલોડ કર્યા વિના, લગભગ તેના મૂળ સ્વરૂપમાં અજમાવી શકીએ છીએ. 

જોકે આ સુવિધા બધી માટે ઉપલબ્ધ હોતી નથી. જે એપ ડેવલપર પોતાની એપનું ‘ઇન્સ્ટન્ટ વર્ઝન’ પણ તૈયાર કરે તેમાં આ લાભ મળે છે. આ સુવિધાનો લાભ લેવા માટે આપણે પ્લે સ્ટોરના સેટિંગ્સમાં ગૂગલ એકાઉન્ટના સેટિંગ્સમાં ‘ઇન્સ્ટન્ટ એપ્સ’નો વિકલ્પ ઓન કરવો પડે છે (તમારા ફોનમાં આ સુવિધા હજી ન મળે એવું બની શકે).

એ પછી તમે પ્લે સ્ટોરમાં જુદી જુદી એપ્સ કે ગેમ્સ સર્ચ કરશો ત્યારે કેટલીક એપમાં ઇન્સ્ટોલની સાથોસાથ ‘ટ્રાય નાઉ’નું બટન જોવા મળશે. તેને ક્લિક કરીને તમે એ એપ ઇન્સ્ટોલ કર્યા વિના અજમાવી જોઈ શકશો. એપ સારી લાગે તો ઇન્સ્ટોલ કરો, બાકી બીજી એપ્સ કે ગેમ્સ તરફ આગળ વધી જાઓ! 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I6fkYk
Previous
Next Post »