
હૈદર અને કબીર ફિલ્મની સોનેરી સફળતાથી મારો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે
કબીર ફિલ્મનો સમાવેશ સૌથી વધુ કમાણી કરનારી ૧૦ સુપરહીટ ફિલ્મોમાં થયો હોવાથી શાહિદ કપૂરનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ આસમાને પહોંચ્યો છે.
હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારો એવા પણ છે જેમની કારકિર્દી ધીમી પણ મક્મમ ગતિએ આગળ ધપતી હોય છે.શાહિદ કપૂર આવો જ અભિનેતા છે.વળી,આજે બોલીવુડના સફળ અને પ્રતિભાશાળી અભિનેતા ગણાતા શાહિદ કપૂર વિશે એક તબક્કે નિષ્ફળ અને થોડો તરંગી હોવાની વાતોે પણ ફેલાઇ હતી.
ગયા જૂન ૨૦૧૯માં રજૂ થયેલી કબીર ફિલ્મમાં શાહિદ કપૂરના અભિનયનાં ખોબલે ખોબલે વખાણ થયાં.કબીર ફિલ્મમાં શાહિદ કપૂરે એક પ્રતિભાશાળી પણ ભારે ક્રોધી માનસ ધરાવતા ડોક્ટરની અફલાતૂન ભૂમિકા ભજવી છે.કબીર ફિલ્મને ભારતભરનાં દર્શકોએ ભારે ઉમળકાભેર વધાવી હતી અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ૨૫૦ કરોડ કરતાં વધુ રૂપિયાનો જબરો વકરો પણ કર્યો હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.
કબીર ફિલ્મની સુપરહીટ સફળતાના પગલે એવા અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા કે હવે શાહિદ કપૂરે તેના ફિલ્મમાં કામ કરવાના ચાર્જમાં મોટો વધારો કરી દીધો છે.એટલે કે શાહિદ કપૂર હવે એક ફિલ્મમાં કામ કરવાના ૧૦ કરોડ રૂપિયા લેશે વગેરે વગેરે.
બોલીવુડના આલા દરજ્જાના અભિનેતા પંકજ કપૂરનો પુત્ર શાહિદ કપૂર કહે છે,સામાન્ય રીતે બોલીવુડનાં કલાકારોની ફિલ્મ બોક્સ ઓફિસ પર શરૂઆતના તબક્કે ૭૦ કરોડ, ત્યારબાદ ૧૦૦ કરોડ અને પછી ૧૫૦ કરોડની કમાણી કરતી હોય છે.મારી એકલાની ફિલ્મોએ ક્યારેય ૭૦ કરોડની કમાણી નથી કરી. જોકે મારી કબીર ફિલ્મે તો જાણે ચમત્કાર કર્યો હોય તેમ તેણે બોક્સ ઓફિસ પર ૨૫૦ કરોડ કરતાં પણ વધુ આવક મેળવી છે.કબીર ફિલ્મની આવી સુપરહીટ સફળતાથી મારો આત્મવિશ્વાસ બુલંદ થયો છે.વળી,આ સુપરહીટ સફળતા મારી કારકિર્દી માટે મોટી છલાંગ છે. હું તો એમ કહીશ કે આ બધું કાંઇ મેં નથી કર્યું ,બસ,થઇ ગયું છે.
૧૯૯૦માં અમુક ફિલ્મોમાં ડાન્સર બનેલો શાહિદ કપૂર અને ત્યારબાદ મ્યુઝિક વિડિયોમાં પણ કામ કરનારો શાહિદ કપૂર હવે તેની નવી ફિલ્મ જર્સી માટે વ્યસ્ત થઇ ગયો છે.મૂળ તેલુગુ સ્પોર્ટસ ફિલ્મ જર્સીના આધારે હવે આ જ નામની હિન્દી ફિલ્મ બની રહી છે.જર્સી ફિલ્મ આમ તો રમતગમત પર આધારિત છે અને તેમાં ઘણા નાટયાત્મક પ્રસંગો પણ છે.શાહિદ કપૂરને જર્સીની સફળતા માટે પૂરી આશા છે.
૨૦૦૩માં ઇશ્ક વિશ્ક ફિલ્મ( આ પહેલી જ ફિલ્મમાં શાહિદ કપૂરને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો)થી બોલીવુડમાં પા પા પગલી ભરનારો શાહિદ કપૂર એક ફિલોસોફરની અદાથી કહે છે,હવે મારે મારી જવાબદારીઓ પ્રત્યે પૂરી સભાનતા રાખવી જરૂરી છે.વળી,આ બધી જવાબદારીઓ સાથોસાથ મારે મારી કાર્યપદ્ધતિનો પણ ખ્યાલ રાખવાનો છે.હું કર્મના પવિત્ર સિદ્ધાંતમાં માનું છું.હું જે કાંઇ કર્મ કરું છું તે કરતો રહીશ.ઘણાં લોકો ઝાઝું બધું વિચારતાં હોય છે.તેઓ એમ કહેતાં હોય છે કે હવે હું શું કરું ? જોકે મારું તો એક જ સૂત્ર છે,કર્મ કરતા રહો.
વિવાહ,જબ વી મેટ, કમીને, હેમ્લેટ, ઉડતા પંજાબ અને હૈદર ને પદ્માવત વગેરે ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનારો શાહિદ કપૂર બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે,હૈદર ફિલ્મમાં મને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો તે પ્રસંગ મારા માટે સોનેરી બની રહ્યો છે. આ એવોર્ડથી બોલીવુડમાં મારી અભિનય પ્રતિભાનો જાહેર સ્વીકાર થયો તેનો અનહદ આનંદ છે.
સાથોસાથ મારી કબીર ફિલ્મ પણ સુપરહીટ થઇ એટલે જાણે કે સોનામાં સુગંધ ભળી.કબીર ફિલ્મનો સમાવેશ સૌથી વધુ કમાણી કરનારી ૧૦ સુપરહીટ ફિલ્મોમાં થયો હોવાથી મારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ આસમાને પહોંચ્યો છે.કબીર ફિલ્મથી હું ભારતભરનાં ફિલ્મ દર્શકોેનાં હૃદય સુધી પહોંચ્યો છું.ખરું કહું તો કબીરની સફળતાથી મારાં મન-હૃદયને બહુ રાહત મળી છે.
શાહિદ કપૂર ભારોભાર આત્મવિશ્વાસ સાથે કહે છે,હું સારાં,વિશિષ્ટ અને પડકારરૂપ પાત્રો ભજવી શકું છું તેમ હંમેશાં માનતો હતો.ફિલ્મ દર્શકોના બહોળા વર્ગ સુધી પહોંચી શકું છું તેમ માનતો હતો અને હજી પણ માનું છું.આમ છતાં મારી અમુક ફિલ્મ સફળ રહી તો કેટલીક નિષ્ફળ પણ રહી. હા,દરેક અભિનેતા કે અભિનેત્રીની એક ચોક્કસ ક્ષમતા હોય છે તેમ હું નમ્રતાપૂર્વક માનું છું.ભૂતકાળમાં વિવાહ(૨૦૦૬) અને જબ વી મેટ(૨૦૦૭) બંને ફિલ્મોને દર્શકોનો બહોળો આવકાર મળ્યો હતો.ત્યારબાદ પદ્માવત ફિલ્મને પણ દર્શકોએ ઉમંગભેર આવકારી હતી.
જોકે પદ્માવત ફિલ્મ મારી ભૂમિકા આસપાસ ફરતી નહોતી.જ્યારે કબીર ફિલ્મમાં મારું કબીર રાજધીરનું પાત્ર કેન્દ્રમાં છે અને ફિલ્મની કથા-પટકથા મારા આ જ પાત્ર ફરતે ફરે છે.ખરું કહું તો મને પહેલી જ વખત એવો અહેસાસ થયો હતો કે આ આખી ફિલ્મનો ભાર મારે વહન કરવાનો છે.આવી પડકારરૂપ અને અભિનયનું આખું આકાશ ખુલ્લું હોય તેવી ફિલ્મમાં કામ કરવાની ઉજળી તક મળે ત્યારે તમારાં મન-હૃદયમાં એક ખાસ પ્રકારની લાગણી પણ ઉભરાય તે હકીકત છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HDZvYP
ConversionConversion EmoticonEmoticon