
આચાર્ય રજનીશે કહેલી આ પ્રસંગકથા છે. બે આરબ રણમાંથી પસાર થતા હતા. માણસ બે અને ઉંટ એક.
માણસ પોતાની હાંકે, ઊંટ પોતાની હાંકે.
રાતના ટાઢ, દિવસના તાપ.
રણનો પ્રવાસ એટલે બાપ રે બાપ.
લાંબા પ્રવાસને જરૂર પડે લાંબી પ્રાર્થનાની.
જે ભક્ત આરબ હતો તે તસ્બી ફેરવે રાખતો.
તસ્બી એટલે માળા. તેનું રટણ અલ્લાહ જુએ છે, અલ્લાહ જુએ છે, અલ્લાહ જુએ છે, અલ્લાહ...'
ઊંટ ઉપર ઝૂલતાં બીજું કરવાનું ય શું હોય ?
માળા ચાલુ, ભક્તિ ચાલુ, સ્મરણ ચાલુ, રણ ચાલુ.
દિવસ તો નીકળી જાય પણ રાતની તૈયારી કરવી પડે. તંબૂ તાણવા પડે. રક્ષણ ગોઠવવું પડે. બધું જાણે બરાબર પતાવ્યું હોય તેમ બંન્ને પ્રવાસી સૂતા. માળાપ્રિય માળા ફેરવતો ફેરવતો કયારે ઊંઘી ગયો તેની ખબર જ પડી નહિ. રણની રાત ખબર પડવાય દેતી નથી. ઠાર જેમ જેમ જામતો જાય તેમ તેમ ઊંઘેય જામતી જ જાય.
વહેલી પડે સવાર. સૂરજનો હળવો તડકો જ ઉઠાડે. ઊઠયા બંન્ને આરબ. માળાનો આરબ માળા ફેરવતો જ ઊઠયો.
જોયું તો ઊંટ ન હતું.
દોડાદોડી કરી ચારે બાજુ જોયું. બાવરા અને બેબાકળા બનીને બૂમો પાડી. ઊંટ ન હતું. સાંભળે કોણ ? ઊંટ કદાચ સાંભળવાની સીમાથી બહાર નીકળી ગયું હતું.
માળા ફેરવનાર આરબ ભક્તે કહ્યું :' સારી રાત મેં ખુદા-તાલાકા નામ લેતા રહા. અલ્લાહ જુએ છે, અલ્લાહ જુએ છે, અલ્લાહ ... ! શું અલ્લાહ આવું જુએ છે ? એક ઊંટનું પણ ધ્યાન રાખી શક્તાં નથી ?
બીજો આરબ કહે : 'દોસ્ત ! અલ્લાહ તો બધું જુએ જ છે પણ આપણે ઊંટને બાંધવું જ રહ્યું. અલ્લાહ એ પણ જુએ છે કે આપણે ઊંટને બાંધ્યું છે કે નહિ.
આચાર્ય રજનીશ કહે છે : ' માળા ફેરવનાર કરતાં માળા નહિ ફેરવનાર, ઘણું જોતાં હોય છે. તેમણે જ આરબ દેશોને આ કહેવત આપી છે.
અલ્લાહ તો બધું જુએ જ છે પણ આપણે ઊંટને બાંધવું જ રહ્યું.
અલ્લાહ એ પણ જુએ છે કે આપણે ઊંટને બાંધ્યું છે કે નહિ ?
આ પ્રસંગકથાથી અંગ્રેજીમાં પણ કહેવત ફેલાઈ રહી :
God Sees Everything
But We Have to Tie our Camel.
માળા ફેરવનાર આરબની સાથોસાથ આ પ્રસંગનો સંગ પણ માણી લઈએ.
સંતે પ્રવચનમા કહ્યું : ' આપણે બીજું કંઈ કરીએ કે નહિ, રોજ ત્રણ માળા ફેરવીએ તો ય ઘણું.'
શ્રતિના મનમાં વાત બેસી ગઈ. તે રોજ ઝાડ પર ચઢે અને ત્રણ માળા ફેરવે. આમથી તેમ અને તેમથી આમ. માળાઓ ફેરવવાનો આ તેમનો નિયમ થઈ રહ્યો.
એક દિવસ તે ઉદાસ હતો. સંતે પૂછયું : શું થયું, માળાનો ક્રમ જળવાયો કે નહિ ?'
ભક્ત કહે : ક્યાંથી ? હવે તો ઝાડ પર માળા જ રહ્યા નથી. કોઈ ઝાડ પર માળા જ બાકી નથી.'
સંતે ફરીથી એ જ વાત કહી : માળા નહિ ફેરવનાર માળાઓ ફેરવનાર કરતાં વધુ જુએ છે, વધુ જાણે છે. ક્યારેક આપણે ઇચ્છીએ કે માળા જેમ છે, તેમ જ થતી રહેશે, પંખીઓ પીડાતા રહેશે.
આચાર્ય રજનીશ કહે છે : તેથી જ સંતકવિઓએ લલકાર્યું છે.
માળા ફેરવવાથી નહિ ખૂલે, પ્રભુ કેરી પાઠશાળા
ગણવું હોય તો ગણતાં રહેજો સતકર્મનાં સરવાળા.
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PgelJ5
ConversionConversion EmoticonEmoticon