
ગ્રાહકો મુફલિસ થતા રહેશે તો કંપની એક દહાડે પ્રોફિટમાંથી લોસમાં જશે. માટે ભલે ધંધાકીય હરીફ નવો પેદા કરવો કોઈને ન ગમે, પણ ખરીદશક્તિ ધરાવતો સ્ટ્રોંગ મિડલ ક્લાસ ઘડાશે, તો જ ટેકનોલોજીની વસ્તુઓ વેંચાશે અને અમીરોની અમીરી પણ તો જ લાંબો સમય ટકશે
૨૦૦૪ સાલ. અમેરિકામાં રહેતી પણ ભારતીય મૂળની એવી એક યુવતી મુંબઇ ઉતરી. એ જગવિખ્યાત એવી સરટોચની હાવર્ડ યુનિ.માં ભણી હતી. એ અભ્યાસ માટેના જ એક પ્રોજેક્ટ માટે એને ભારત આવવાનું થયેલું, એક આઉટસોર્સિંગ કંપનીની મુલાકાતે. એ વખતે ખાસ તો કોલ સેન્ટરની ઇકોનોમીની બોલબાલા હતી. (ચેતન ભગતની વન નાટિ એટ કોલ સેન્ટર એ અરસા આસપાસ હતી, યાદ છે ને ?) અમેરિકન કંપનીઓ માટેના કોલ ભારતીયો રિસિવ કરી અમેરિકન છાંટમાં જવાબો આપતા. હજુ ય ચાલે છે એ.
પેલી યુવતી ઓટોરીક્ષામાં બેસીને કોલ સેન્ટરમાં ગઇ. એમાં રસ્તામાં ધારાવીની ઝૂંપડપટ્ટી આવી. મુંબઇમાં તો ઇન્ટરનેશનલ એરપોર્ટને અડીને જ ઝૂંપડપટ્ટી છે. પછી એ પેલી કોલ સેન્ટર કંપનીમાં ગઇ તો જોયું કે મોટા ભાગના સ્ટાફમાં તો સરસ સુઘડ વસ્ત્રો પહેરીને આવતા યુવકયુવતીઓ છે જે અમીર નથી, તો સાવ છેવાડાના ગરીબ પણ નથી. હાયર/અપર મિડલ ક્લાસના સંતાનો છે. અલગ અલગ પરાથી આવે છે. હાવર્ડ ગ્રેજ્યુએટ યુવતીએ બેઝિક ક્વેશ્ચન કર્યો : તમારી સાવ નજીક ઝૂંપડપટ્ટી છે, જ્યાં કામના અભાવે સબડતા ગરીબ બેકારો વધુ છે. (એટલે તો ઝૂંપડપટ્ટી છે) તો એને નોકરી કેમ નથી આપતા ?
અને અહીંથી એની યાત્રા જુદી દિશામાં શરૂ થઈ. એ યુવતીનું નામ લૈલા. એના માતાપિતા પહેર્યા કપડે બે સૂટકેસ સાથે 'અમેરિકન ડ્રીમ'ની તલાશમાં દાયકાઓ પહેલા ભારતથી અમેરિકા આવ્યા હતા. મૂળ અટક ચરીયથ. પણ લૈલાએ બોલવામાં સરળ એવી માની અટક જનાહ પ્રોફેશનલી અપનાવી લીધી. ભારે સંઘર્ષમાં બચપણ વીત્યું. માતા રેસ્ટોરાંમાંકામ કરે, નાનકડી લૈલા એથી નાના બાળકોની બેબીસીટર અને પછી ટયુટર બને. પણ હાઈસ્કૂલમાં હોશિયાર વિદ્યાર્થીની તરીકે એને સ્કોલપશિપ મળી. કેલિફોર્નિયાથી ઘાનાએ જવાની. એ આફ્રિકન દેશમાં એણે ભણાવવા જવાનું હતું. બાળકોને. ઘાનાના ેક ગામડે એ પહોંચી અને એણે જોયું કે દારૂણ ગરીબીને લીધે મોટા ભાગના બાળકો તો અંધ છે ! એ બ્રેઇલ લિપિ ત્યારે શીખી.
આ અંધાપો આસપાસ આવ્યો એનાં એની આંખો ખુલી ગઈ. હાવર્ડમાં ય પીએચડીનો વિષય એણે આફ્રિકન દેશોનો જ રાખેલો, જેના રિસર્ચની નોંધ વર્લ્ડ બેન્કમાં ય લેવાઈ. પછી આવી આ મુંબઇ મુલાકાત. અને એમાંથી વલોવાયેલા વિચારમંથનમાંથી પ્રગટી અનેક એવોર્ડસ જીતી ચૂકેલી એક કંપનીની જ્યોતિ : સમાસોર્સ. ઇન્ફેક્ટ, 'સમ' સોર્સ. ભારતીય મૂળ માત્ર કહેવા ખાતર નહિ, એવી એ લૈલાએ સંસ્કૃત શબ્દ 'સમ' યાને સમાન એ અર્થમાં એમ્પ્લોયમેન્ટ એજન્સી જેવું કામ કરતી કંપનીને 'સમ' સોર્સ નામ આપ્યું. (લૈલાના ભાઈનું નામ 'વેદ' છે.)
અને ઝટપટ પપ્રગતિ કરતી એ કંપનીએ ગૂગલ, ફેસબૂક, માીક્રોસોફ્ટ, વોલમાર્ટ, જનરલ ઇલેક્ટ્રોનિક્સ વગેરે ધૂરંધર કંપનીઓના ડિજીટલ ડેટા એન્ટ્રીના કામ ભારત અને આફ્રિકાના સાવ નીચલા સ્તરે જીવતા ગરીબોને અપાવ્યા ! જેમ કે, ગ્રેટ્ટી ઇમેજીસ કંપની ઓફિશ્યલ પોતાના ફોટોગ્રાફ્સ સેલિબ્રિટીઓના રાખે છે. જેની ઓનલાઈન કોપી મફતમાં થવા નથી દેતી. એ માટેના સોફ્ટવેર કોઈ સેલિબ્રિટીના ચહેરા હન્ડ્રેડ પરસેન્ટ 'ઓળખે' નહિ. નિર્જીવ મશીન એમાં ગોટાળા કરે જ. ક્યાંક ફોટામાં લાઇટ ઓછી હોય, ક્યાંક એંગલ જુદો હોય. ત્યાં મેન્યુઅલ હેલ્પ, માણસની આંખ જોઇએ. આવા કામો લૈલાની સમસોર્સ કંપનીએઅપાવ્યા ભારત અને આફ્રિકાના ગરીબોને.
અને દસેક હજારથી શરૂઆત થતાં આજે પચાસેક હજાર આવા દરિદ્રોનું જીવન બદલી ગયું ! જેમને ભીખ ન મળી. ચેરિટી ન મળી. આર્થિક સહાય ન મળી. લોન કે સરકારી યોજનાઓ ન મળી. મળી નોકરી ! જોબ. ગરીબી નિવારણનો રામબાણ ઇલાજ. મહેનત કરો, નીતિ અને નિષ્ઠાથી નિયમોનું પાલન કરો. અને પરિશ્રમથી પૈસા કમાવ. પણ મૂળ વાંધો જ એ છે કે આવું કરવું હોય તો ય સમાન તક કોણ આપે ? જે તક છે, એમાં ઉપલા વર્ગના લોકો પહેલા ગોઠવાઈ જાય.
લૈલાની એવી જેન્યુઇન માન્યતા કે કોઈ તદ્દન કંગાળ હોય એટલે બેવકૂફ હોય એવું જરૂરી નથી. એને પૂરતી તાલીમ કે તક નથી મળી. બાકી મેરિટોક્રસીનો અર્થ એવો નહિ કે ફાંકડું અંગ્રેજી બોલી, સોફિસ્ટિકેટેડ કપડાં પહેરીને સમ સ્કૂલોમાં ભણનારા 'એલાઇટ' જ મેરિટવાળા હોય. કોઈ અનામત જેવા પોલિટિકલ હોબાળા વિના 'સોશ્યલ જસ્ટિસ'ના એજેન્ડાથી લૈલાએ ભારત આફ્રિકાના ગરીબ વિસ્તારોમાં અમીર દેશોની તોતિંગ કંપનીઓના 'કામ' ટ્રાન્સફર કર્યા.
પછી ટ્રેનિંગ પ્રોગ્રામ સમસ્કૂલ શરૂ કર્યાો ને 'સમહોપ'નામનો કોન્સેપ્ટ મૂક્યો. જેમાં મેડિકલ હેલ્પ માટે એક્સપર્ટ ડોક્ટરને ડાયરેક્ટ ફંડ ટ્રાન્સફર કરી, છતાં કોઈ દૂરના ગરીબ દર્દીને સ્પોન્સર કરી શકે ! મતલબ, બે પાર્ટીને કનેક્ટ કરવાનું કામ 'સમહોપ'નું. વિશ્વસનીયતા અને પારદર્શિતા સાથે.
લૈલાનું કહેવાનું એવું કે મોટા કોર્પોરેટ 'ટેક ટાયકૂન્સ'ને એટલી સમજણ છે કે પોતે જ અસાધારણ અમીર થતા રહે (દુનિયાના સૌથી અમીર શખ્સ જેફ બેઝોસ એમેન્ડોનવાળાએ ગલફ્રેન્ડ ખાતર વિશ્વનું સૌથી મોઘું અંદાજીત બારસો કરોડ રૂપિયાનું મહાલય ખરીદ્યાનો અંદાજ છે !) તો એમનો પૈસો જરૂર વધશે. પણ ગ્રાહકો મુફલિસ થતા રહેશે તો કંપની એક દહાડે પ્રોફિટમાંથી લોસમાં જશે. માટે ભલે ધંધાકીય હરીફ નવો પેદા કરવો કોઈને ન ગમે, પણ ખરીદશક્તિ ધરાવતો સ્ટ્રોંગ મિડલ ક્લાસ ઘડાશે, તો જ ટેકનોલોજીની વસ્તુઓ વેંચાશે અને અમીરોની અમીરી પણ તો જ લાંબો સમય ટકશે.
લોજીક અટપટું પણ સાચું છે. અમદાવાદના કામા મોટર્સવાળા સ્વર્ગસ્થ કામા શેઠે એક વાતચીતમાં કહેલું કે માણસ જ્યારે જંગલજીવનમાં શિકારી હતો, ત્યારે વન્યજીવોની વસતિ લુપ્ત થતી નહોતી. કારણ કે, શિકાર કરવા માટે ય પ્રાણીઓ મળી રહે એ તો અનિવાર્ય છે. જૂના રજવાડાંમાં અમુક રાજાઓ નવાબો ય શોખથી શિકાર કરતા તો વન્યસંવર્ધન પણ એ હેતુથી કરતા. પણ પછી બધે વેપાર ઘૂસી ગયો, ને નફાખોરીએ સંતુલન ખોરવી નાખ્યું નેચરનું !

'ગરીબીકલ્યાણ જેવી દેખીતી શુષ્કતાને બદલે લૈલાએ 'દરિદ્રતાથી આત્મનિર્ભરતા''ની વાત કરી. ના, વાત નહિ, વિચાર નહિ. નક્કર અમલ. 'સમસોર્સ'ની સફળતા પછી એણે વિચાર્યું કે આમાં તો આપણું કામ વચેટિયા જેવું છે. કોઈ કંપનીનું કામ ગરીબ બેરોજગારોએ ટ્રાન્સફર કરીએ છીએ. પણ આપણે ય રૂપિયાવાળા થયા, તો આવી કંપની ન બનાવીએ ?
એન્ટર એલએક્સએમઆઈ. ન સમજાયું ? લક્ષ્મી ! હા, ઐશ્વર્ય-સૌંદર્યના ભારતીય દેવી પરથી જ નામ રાખીને લૈલાએ 'લક્ષ્મી' (ત્યાંના ઉચ્ચારમાં લક્સ-મી) નામની કોસ્મેટિક ક્રીમ કંપની શરૂ કરી. મૂળ તો પ્રવાસની જબરી શોખીન અને એડવેન્ચર સ્પોર્ટસ, સ્ક્યુબા ડ્રાઈવીંગની એક્સપર્ટ લૈલા યુગાન્ડા ગયેલી. સતત રખડપટ્ટીથી થાકેલી ચીમળાયેલી એની ત્વચાને ત્યાં 'દેશી' બજારમાં મળતા એક તૈલી પદાર્થથી રાહત થઈ, ચમક મળી. એ હતા નિલોટિકા નટ્સ. ગરીબી અને લોહિયાળ સત્તાની સાઠમારીવાળા ઇસ્ટ આફ્રિકામાં આવા શિયા નટ્સની ખેતી પારંપારિક છે, જેના 'બટર'ની અમેરિકા-યુરોપમાં ધૂમ ડિમાન્ડ કોસ્મેટિક ક્રીમ્સ માટે છે. નિલોટિકા શિઆ કૂળના જ બીજ. પણ વધુ પાવરફૂલ એમિનો એસિડ ધરાવતા. લૈલાએ ત્યાંની મહદ અંશે ગરીબ ખેડૂત મહિલાઓને એના ઉત્પાદન/ખેતીના કામમાંજોડી અને કો-ફાઉન્ડર તરીકે લક્ષ્મી બ્રાન્ડ બનાવી. જેને લીધે ફરી હજારો પરિવારોનો ભીષણ દરિદ્રતામાંથી ઉદ્ધાર થઇ ગયો ! ભલે, ક્રીમ જીવનજરૂરિયાતની ચીજ ન ગણાય, પણ એ સતત વપરાશને લીધે નવી ખરીદી નવી માંગ બનાવતા સપ્લાય ખાતર રોજગારી ઉભી કરી શકે !
લૈલા સ્ટેનફોડ ર્ યુનિ.માં ભણાવવા જતી, એ અરસામાં જ એણે વર્ષો પહેલા લખેલું કે ''ગરીબી હટાવોની લોકલુભાવન યોજનાઓથી ગરીબી હટતી નથી (અમુક નેતાઓની ગરીબી દૂર થાય છે ખરી !) કારણ કે, એમાં ગ્લોબલ માર્કેટ સાથેના કનેકશનની કોઇ વાતો જ નથી. કોઇકને જૂતાં બનાવતા શીખવો, પણ પછી એના બનાવેલા જૂતાંની ડિમાન્ડ જ નહિ હોય તો એ બેકાર જ રહેશે. યાંત્રિકતાનો અતિરેક ઝડપભેર માણસોની જરૂરિયાત 'સ્કિલ્ડ લેબર'માં ય ઘટાડી રહ્યો છે, ત્યારે આપણે કોઇ ખૂણાની માંગ અને કોઇ ખૂણાના ઉત્પાદન વચ્ચે ડિજીટલ 'સેતુ' બનાવવો પડશે. માત્ર દેખાવ ખાતર શ્રમ નહિ, પણ કાયમી વળતર મળતું રહે એવું કામ આપવું પડશે.''
લૈલાના એકમાત્ર પુસ્તકનું શીર્ષક પણ એનું આ એન્ટીપોવર્ટી સોલ્યુશન છે : 'ગિવ વર્ક.' કામ આપો. જે એણે થયું એટલું સાકાર કરી બતાવ્યું. એકને કામ મળે તો એના પર આધારિત ત્રણ-ચારનું જીવનધોરણ સુધરે. એ બધાની માંગ બજારમાં આવે તો આપોઆપ વેપાર અને ઉત્પાદન વધતા વધુ રોજગારીનું સર્જન થાય. ને અર્થતંત્ર પોઝિટિવ સાઈકલની તેજીમાં આવે, જો ક્રોની કોપિટાલિઝમ યાને મુઠ્ઠીભર પાવરફુલ કંપનીઓ પોલિટિકલ તડજોડથી એનો દબદબો ટકાવે એવી નફાખોરી ન થાય તો !
વેલ, લૈલાએ હજુ ૨૦૧૭માં જ મેક્સીકન હસબન્ડ તિસોલો સાથે લગ્ન કર્યા. એક દત્તક દીકરી મિયા પણ છે. પણ ગત ૨૦૧૯માં બીજાના જીવનમાં વસંત લઇ આવનાર લૈલાના જીવનમાં અકાળે પાનખર આવી. નેચરલવર, કેરિંગ ચેરિટી ગિવર લૈલાને દુર્લભ કહી શકાય એવું સોફ્ટ ટિસ્યુઝનું કેન્સર થયું. આ કેન્સર જીનેટિક છે, ને અસાધ્ય પણ. બહુ ઓછાને થાય. લૈલાએ સાયન્ટિફિક રિસર્ચ સેમિનાર એનો ય ગોઠવ્યો. શરીરે સાથ આપ્યો ત્યાં સુધી ફરવાનું ય ચાલુ રાખ્યું. પણ નિદાનના થોડા જ મહિનાઓ બાદ ૯ ઓકટોબર ૧૯૮૨ના રોજ જન્મેલી લૈલા ૨૮ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કેવળ ૩૭ વર્ષની ઉંમરે જગતને અંજલિઓ લખતા મૂકીને દુનિયા છોડી ગઇ !
લૈલાનો આઇડિયા નવો નહોતો. આપણે ત્યાં સહકારી ક્ષેત્રે મહિલા ગૃહ ઉદ્યોગમાં લિજ્જત પાપડ જેવા આવી સફળતાના મોડલ છે. ભાવનગરના નિશીથભાઇ માત્ર ફિઝીકલ ચેલેન્જ્ડને રોજગારી આપતી કંપની ચલાવે એવા ઉદાહરણો છે. ગોંડલ ઉદ્યોગભારતી ખાદીસંસ્થા છે. અમદાવાદમાં રૂડી છે. કચ્છમાં સૃજન છે. આખું ભુજવડી ગામ છે. સામખિયાળીમાં 'એવરીડે હર્બલ કેર' છે. પતંજલિ થોડે અંશે ગણાય. બારડોલીમાં સ્વરાજ આશ્રમ છે. મૂળ તો આ મોડલ ગાંધીયન થૉટ્સનું છે. પણ ગાંધીજી અતિશુદ્ધ સાત્વિકતાના ચુસ્ત આગ્રહી. જેમાં લૈલા જેવાઓ ગ્લોબલ ફ્લેક્સિબિલિટી લઇ આવ્યા, જે આજના યુવાસમય માટે અનિવાર્ય છે.
આ વિચાર આપણા માટે નવો નથી. સુરતના ઘણા કાઠિયાવાડી હીરાના વેપારીઓ પણ આ તો કરી ચૂક્યા છે, ને અમદાવાદના ધોતિયું પહેરતા પુરાતન જૈન મહાજન શેઠિયાઓ પણ. પણ આપણને એનું લોંગ ટર્મ બ્રાન્ડબિલ્ડિંગ કરતું ગ્લોબલ લેવલ માર્કેટિંગ ફાવતું નથી. પ્રોજેક્શનમાં કાં આપણા 'મહાન વારસા'નો અહંકારી ઉપદેશ આવી જાય, કાં મેલોડ્રામેટિક સિરિયલો જેવા વેવલા રોગણા આવી જાય. આમાં તો પબ્લિક બોર થઇ જાય. લૈલા જેવા વેસ્ટર્ન ઈન્ફ્લુઅન્સ્ડ મોડલમાં આવી ટણીની અણી નથી હોતી. ગુરૂ કે ગળગળા ડૂસકાં નથી હોતા. સિમ્પલ ક્લેરિટી અને ક્વોલિટી પેકેજીંગ હોય છે. બહુ મોટા. આસમાની દાવાઓને બદલે માઇક્રો એડમિનિસ્ટ્રેશન હોય છે. અને વિઝન કદી લોકલ નથી હોતું. ઈન્ટરનેશનલ હોય છે. દુનિયાને દુશ્મન માનવાને બદલે દોસ્ત બનાવીને એને સાથે જોડી દેવાનું.
શ્રેષ્ઠતાના બણગા ફુંકવાથી આ શીખી શકાતું નથી. ચીન એની ફિલ્મોમાં ય આપણા આયુર્વેદની જેમ ચમત્કારિક ચાઈનીઝ ઔષધિઓના ગુણગાન મશરૂમ સહિત ગાય છે. પણ કોરોના વાયરસ ત્રાટક્યો, એમાં કામ નથી લાગી એ ચાઈનીઝ મેડિસીન. એમ તો ટેકનોલોજી સ્ટીવ જોન્સ કે ઈરફાનને ય કેન્સરથી ઉગારી નથી શકી, પણ એટલીસ્ટ સાયન્સ આ મામલે ઓનેસ્ટ છે.
પેરેસાઇટ જેવી જગતમાં ગાજેલી ફિલ્મો એમાં એક ગરીબ પરિવાર ગોઠવાઇ જાય શ્રીમંત ઘરમાં એ પ્લોટને લીધે નહિ, પણ એમાં બારીકાઇથી બતાવાયેલા ઈકોનોમિક સોશ્યલ ગેપને લીધે નોંધપાત્ર બને છે. એ સમસ્યા તરફ આંગળી ચીંધે છે, અને લૈલા જેવાઓ ઉકેલ તરફ. લૈલાએ એ માટે પોતાના પર ભારતીય મૂળના અર્થશાસ્ત્રી નોબેલ વિનર અભિજીત બેનર્જીની અસર પણ સ્વીકારેલી.
લૈલાને તો ભારત માટે દેખીતો લગાવ હતો, એ એની કંપનીઓના નામોમાં જીવંત છે. પણ કોઇ ભારતીય મૂળના બ્રિટનમાં મંત્રી બને તો કાખલી કૂટવા લાગતા આપણે એ વિચારવું જોઇએ કે આપણી શિક્ષણવ્યવસ્થામાં એ શું ઘટે છે, જે પશ્ચિમ શિક્ષણ પાસે છે. કેમ અપવાદો બાદ કરતાં આવું વિઝન આપણી યુનિવર્સિટીઝમાં મૌલિક પાંગરતું નથી ? આપણી સીસ્ટમ પોતાનાને પારકાં ગણે ને પરદેશમાં 'પારકાં' ટેલેન્ટેડ હોય તો પોતાના થઇ જાય છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીના સીઇઓ થઇ જાય છે. વાતોમાં છલકાતી મુક્તિ અને ઉદારતા આપણા વર્તનવ્યવહારમાં કેમ નથી ?
વેલ, સવાલ તો એ ય છે જેનો જવાબ કદાચ કોઇને કદી જડવાનો નથી. કંઇક નાલાયક શેતાનો બચી જતા હોય અને લૈલા જેવા પ્રકૃતિપ્રેમી, હોશિયાર, ફેમિલી લવિંગ, ગરીબોની બેલી બનીને દુઆઓ લેનાર અચાનક અકાળ મૃત્યુ પામે ? વ્હાય ? આખિર ક્યોં ?
ઝિંગ થિંગ
સાંઈ ઈતના દીજીયે, જા મેં કુટુંબ સમાય
મૈં ભી ભૂખા ન રહું, સાધુ ના ભૂખા જાય (કબીર)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37De4X1
ConversionConversion EmoticonEmoticon