
આણંદ, તા.19 ફેબ્રુઆરી 2020, બુધવાર
આણંદ જિલ્લાના સારસા-ખંભોળજ માર્ગ ઉપર ગઈકાલ સમીસાંજના સુમારે પુરપાટ ઝડપે જતા એક આયસર ટેમ્પાએ ઓવરટેકની લ્હાયમાં એક મોટરસાયકલને અડફેટે લેતાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જો કે મરણ જનાર યુવાન એક પોલીસકર્મીનો પુત્ર હોઈ આકસ્મિક મરણને લઈને પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે આયસર ટેમ્પાચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ મથકમાં ફરજ બજાવતા જયેશભાઈ પારેખનો પુત્ર દેવલ (ઉં.વ.૨૨) સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોઈ આણંદ ખાતે ગઈકાલે સમીસાંજના સુમારે ટયુશન ક્લાસ પતાવી પોતાની મોટરસાયકલ લઈને પરત આણંદથી ખંભોળજ જવા નીકળ્યો હતો.
દરમ્યાન તેઓની મોટરસાયકલ સારસા સીમમાં આવેલ દાણની ફેક્ટરી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી ઓવરટેકની લ્હાયમાં આવી ચઢેલ આયસર ટેમ્પાના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી દેવલકુમારની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આયસર ટેમ્પાની સ્પીડ વધુ હોવાના કારણે મોટરસાયકલ લગભગ ૫૦ ફુટ સુધી ઘસડાયું હતું. આ અકસ્માતમાં દેવલકુમારે હેલ્મેટ પહેર્યું હોવા છતાં માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થવાના કારણે તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો ટેમ્પાચાલક ટેમ્પાને ઘટના સ્થળે બિનવારસી હાલતમાં મુકીને ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતાં પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. ખંભોળજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજતાં પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે ટેમ્પાચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પુત્રના સમાચાર જાણી પિતાની તબિયત લથડી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉમરેઠ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી મુંબઈ તરફ ફરવા ગયા હતા ત્યારે તેઓનું મુંબઈ તરફ માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું ત્યારે પોલીસ જવાનના પુત્રનું સારસા નજીક અકસ્માતમાં મોત નીપજતાં પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. બીજી તરફ જુવાનજોધ પુત્રના મોતના સમાચાર પિતા જયેશભાઈને મળતાં તેઓની તબિયત અચાનક લથડી ગઈ હતી અને તેઓને તુરંત જ આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામના મૂળ વતની જયેશભાઈ પારેખ ખંભોળજ પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને પોલીસ લાઈન ખાતે રહે છે. એકના એક પુત્ર દેવલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવાના કારણે તેઓના પરિવાર ઉપર આભ તુટી પડયું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V52QrD
ConversionConversion EmoticonEmoticon