વરસડામાં ચૂંટણીની અદાવતમાં ફાયરિંગ, બેને ઈજા


આણંદ,તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના વરસડા ગામે ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીની અદાવતમાં બે પક્ષોએ રીવોલ્વર તેમજ બંદૂકમાંથી સામસામે હવામાં ફાયરીંગ કરતા ગામમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી હતી. દરમ્યાન બે જૂથો વચ્ચે થયેલ મારામારીમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે તારાપુર પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તારાપુરા તાલુકાના વરસડા ગામે નાના દરબારમાં રહેતા સિરાજભાઈ દિલુભા ગોહિલ ગત તા.૧૬મીના રોજ રાત્રિના સુમારે ગામના પરબડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ વિસ્તારમાં રહેતા જશપાલસિંહ જયદિપસિંહ ગોહેલે અવર-જવરના રસ્તા ઉપર ટ્રેક્ટરની ટ્રોલી મુકેલ હોઈ તેને હટાવવાનું જણાવતા જશપાલસિંહ ઘરમાંથી ચાવી લઈને આવું છું તેમ જણાવી ઘરમાં ગયા બાદ હાથમાં રીવોલ્વર લઈ આવી ચઢ્યા હતા. તેઓની સાથે અર્જુનસિંહ રણજીતસિંહ ગોહિલ ધારીયું લઈને તેમજ જયદીપસિંહ ફતેસિંહ ગોહિલ અને રણજીતસિંહ ફતેસિંગ ગોહિલ પણ ત્યાં આવી ચઢ્યા હતા. 

તેમજ રસ્તો તારા બાપનો છે, તુ કહે તેમ અમારે કરવાનું તેમ જણાવી ગમે તેમ અપશબ્દો બોલ્યા હતા. દરમ્યાન અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ જયદીપસિંહે ઉગ્ર બોલાચાલી કરતા અર્જુનસિંહે પોતાની પાસેનું ધારીયું સિરાજભાઈને મારવા માટે ઉગામ્યું હતું. જો કે સિરાજભાઈ ખસી જતા ઈકબાલભાઈને ડાબા હાથે ધારીયું વાગી જતા ઈજાઓ પહોંચી હતી. દરમ્યાન જશપાલસિંહ પોતાની પાસેની રીવોલ્વરમાંથી ફાયરીંગ કરતા સિરાજભાઈ નીચે પડી જતા તેઓનો બચાવ થયો હતો. ઉપરાંત અર્જુનસિંહે ધારીયા વડે ઈકબાલ તથા સિરાજભાઈને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે મનોજભાઈ મગનભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ વરસડા ગામે યોજાયેલ સરપંચની ચૂંટણી હારી જતા મનોજભાઈ પટેલ સરપંચ બન્યા હતા અને ગત તા.૧૬ના રોજ પરબડીથી કનુભા ગોહિલના ઘર સુધી રસ્તાનું આરસીસી કામ ચાલુ કરાયું હતું. આ કામ ચાલુ હતુ ત્યારે ઈકબાલભાઈ અમરસિંહ ગોહેલ રસ્તા ઉપરથી પસાર થતા દિલુભા પ્યારાસાહેબ ગોહિલ હાથમાં બંદૂક લઈને ત્યાં આવી ચઢ્યા હતા. તેઓની સાથે અહેમદ ઈબ્રાહીમભાઈ ગોહિલ, ભાલો તથા ઈકબાલ જીસાહેબ ગોહિલ રીવોલ્વર લઈને અને સિરાજ દિલુભા ગોહિલ ધારીયુ લઈને આવ્યા હતા અને ચૂંટણીની અદાવત રાખી ગમે તેમ અપશબ્દો બોલી પૂરા કરી નાખો તેમ જણાવી ઈકબાલભાઈને ધારીયા વડે ઈજાઓ પહોંચાડી હતી.

બાદમાં મનોજભાઈ અને ઈકબાલભાઈ દોડીને જયદીપસિંહના ડેલામાં ઘુસી જતા ચારેય શખ્શો તેઓની પાછળ-પાછળ ત્યાં આવી ચઢ્યા હતા અને ડેલાનો દરવાજો બંધ કરી દેતા આ ચારેય શખ્શોએ અપશબ્દો બોલી ઈકબાલ જીસાહેબે પોતાની રીવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કર્યું હતું. સાથે સાથે જયદિપસિંહ પણ હવામાં ફાયરીંગ કર્યું હતું. જો કે ફાયરીંગની ઘટનાને લઈને ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થઈ જતા આ તમામ શખ્સો ઘટના સ્થળેથી ચાલ્યા ગયા હતા. આ બનાવ અંગે તારાપુર પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P6vTHB
Previous
Next Post »