પરાજયનું ધ્વજવંદન .


નંદનવન જો સ્થાપવું હોય તો, કરો હારને વંદન મૈત્રી એવી જોડો, નીકળે સદા યુદ્ધનિકંદન

શિલ્પી જરાય ડગ્યો નહિ. ઊંચે માથે, છાતી કાઢીને તે ઊભો રહ્યો, કહેવા લાગ્યો : 'હૃદય ગુમાવવા કરતાંમાથું ગુમાવવું વધુ સારું છે શ્રીમાન ! ચલાવો તલવાર...'

મહારાજા વિજયસિંહનો વિજય થયો. વિજયના ઉન્માદમાં વાજતેગાજતે વિજયસિંહ પરાજિત રાજાના પાટનગરમાં દાખલ થયા.

નગર ભવ્ય હતું. મકાનો, મંદિરો, મહેલો પૂરી જાહોજલાલીમાં હતાં. કળા-કૌશલ્ય પૂરબહારમાં ખીલ્યાં હતાં.

ત્યાં જ વિજયસિંહની નજર એક પૂતળા પર પડી. પરાક્રમની સાચી પ્રતિમા સમું એ પૂતળું હતું. પથ્થરમાં એક પૌરુષયુક્ત માનવી પગે વિંટળાયેલા સર્પોને દૂર કરતો હતો. વિકરાળ સર્પોનાં મોઢાં તેણે દબાવી દીધાં હતાં. જે રીતે ગરુડ નિર્ભય અને નીડર બની રહે છે, તેવી જ રીતે પુરુષની નજર ઊંચી હતી. તે સાવ બેફિકર અને બેપરવાહ હતો. સર્પો તેને મન તુચ્છ હતા.

વિજેતા વિજયસિંહ તો એ પથ્થરની પ્રતિમા જોઈને વાહવાહ પોકારી ગયો. તેણે ગર્જના કરી : 'આ પ્રતિમાનો શિલ્પી કોણ છે ? સામે આવે.'

વિજયસિંહના મનમાં એમ કે કળાકાર સામે આવીને વંદન કરશે. ઝૂકીને સલામ કરી કહેશે : 'હેં-હેં હું છું એ મૂર્તિનો શિલ્પી, હજૂર.'

પણ મહારાજાની કલ્પના જૂઠી પડી. કોઈ આગળ ન આવ્યું.

ત્યારે રાજાએ ચારેબાજુ માણસો મોકલ્યા. લશ્કર અને જાસૂસોની મદદ પણ લીધી અને શિલ્પીને શોધી કાઢવામાં આવ્યો.

વિજેતા રાજવીએ પૂછ્યું : 'તું છે આ પ્રતિમાનો શિલ્પી ?'

'કદાચ હું જ હોઈશ.'

'બતાવ, એ મૂર્તિની રચના તેં કેવી રીતે કરી ?'

'ફૂલો કેવી રીતે ખીલી ઊઠે છે ? સવાર કેવી રીતે થાય છે ! ધરતીમાંથી સુગંધ કેવી રીતે મહેકી ઊઠે છે. વર્ષાઋતુનું આગમન થતાં જ વાદળો કેવી રીતે ઘેરાઈ રહે છે ?'

'તું કહેવા શું માગે છે ?'

'એ જ શ્રીમાન ! કે જેમ એ બધી વાતો સ્વાભાવિક છે, તેમજ આ પ્રતિમાની રચના પણ સ્વયંભૂ રીતે જ થઈ છે. મને લાગ્યું કે આવી રચના થવી જોઈએ અને તે મેં કરી.'

'કોની છે આ પ્રતિમા !' વિજયસિંહે રુઆબથી પૂછ્યું.

'જે રાજાને આપે હરાવ્યા છે, તે અમારા રાજાની.'

એકાએક વિજયસિંહે વિજયના તોરમાં કહ્યું : 'પરાજિત રાજાની જો તું આવી અદ્ભુત પ્રતિમા બનાવી શકે તો હું એક વિજેતા છું...'

'નહિ.'

'શું નહિ ?'

'હું આપની પ્રતિમા નહિ બનાવું.'

'કેમ નહિ ? આવા પરાજિત પુરુષમાં પરાક્રમની રજૂઆત કરવી એ કળાનો દ્રોહ નથી કળાકાર ?'

કળાકારે કહ્યું : 'જ્યારે એ રાજવીએ આ નગર જીતી લીધું હતું ત્યારે તે પરાક્રમી જ હતા, આજે જે દશા આપની છે તે ગઈ કાલે એમની હતી અને લડાઈમાં હારવું એમાં પરાક્રમ ગુમાવવા જેવું ક્યાં છે ? જો અમારો એ રાજા પીઠ બતાવીને ભાગ્યો હોત તો એના પુરુષાતનને લાંછન લાગત. એ તો બહાદુરીથી લડયો છે.'

'તો તું હાથમાં છીણી લેવાનો ઈનકાર કરે છે ?'

'જી હા શ્રીમાન, કેમ કે જેમ આ મૂર્તિને આજે તમે ખંડિત કરવા માંગો છો તેમજ કાલે કોઈક બીજો રાજા આપની મૂર્તિને ખંડિત કરશે અને એવી ખંડિત થતી મૂર્તિઓનો સર્જક હું નથી.'

શિલ્પીની આવી ચોખ્ખી વાત સાંભળી વિજેતા રાજાનું ગુમાન ખળભળી ઊઠયું. તેણે તલવાર ખેંચીને કહ્યું : 'હું એક જ ઝાટકે તારું માથું ઉડાવી શકું છું કળાકાર, પણ હું એનાથી મોટી સજા તને દઈશ. તું તારા હાથમાં હથોડો લઈ તારી જાતે જ આ પુરુષાતનની પ્રતિમાને તોડી નાખ, ભાંગીને એના ભુક્કા કરી નાખ. જો એમ કરવામાં વિલંબ થશે તો આ તલવાર...'

થોડીવાર શાંતિ રહી. શિલ્પી જરાય ડગ્યો નહિ. ઊંચે માથે, છાતી કાઢીને તે ઊભો રહ્યો, કહેવા લાગ્યો : 'હૃદય ગુમાવવા કરતાંમાથું ગુમાવવું વધુ સારું છે શ્રીમાન ! ચલાવો તલવાર...'

વિજયસિંહ બાવરો બની ગયો, તેણે ફરી પૂછ્યું : 'શું તેં કદી તારી કોઈ મૂર્તિનો નાશ નથી કર્યો ?'

'મેં મારી ઘણી મૂર્તિઓનો નાશ કર્યો છે મહાનુભાવ ! પણ એ બધી મારી કાચી મૂર્તિઓ હતી. મારી કોઈ મૂર્તિમાં મારી કળા પૂર્ણ રીતે ઊતરી નથી. એવી મૂર્તિ તો એકમાત્ર આ જ છે અને શ્રીમાનજી ! મારું કામ સૌંદર્યનું નિર્માણ કરવાનું છે, તેનો નાશ કરવાનું નહિ. એ કામ તો રાજાઓનું જ છે.'

વિજય પામેલા વિજયસિંહ સામે આવો પ્રતાપ ! સમજો કે સીધું અપમાન જ હતું. ઘોર અપમાન.

સહુને લાગ્યું કે વિજયસિંહની તલવાર કળાકારની ગરદન ફરતે ફરી જ સમજો.

પણ તલવાર ફેંકાઈ ગઈ.

બધા ચકિત થઈ ગયા.

વિજયસિંહ કહે : 'કળાકાર ! મેં તમારા રાજાને જીત્યો છે પણ આ પથ્થરની પ્રતિમા મને જીતી ગઈ. તું મને જીતી ગયો, શસ્ત્રની જીત છેવટની જીત છે. એ માન્યતા મારે બદલવી પડશે. મારે તમારું, તમારી પ્રજાનું, તમારા રાજાનું સન્માન કરવું પડશે, કેમ કે આજે તો તમે મને સોંદર્યનું જ્ઞાાન આપ્યું છે. સૌંદર્યના રક્ષણનું જ્ઞાાન આપ્યું છે.'

સ્નેહસંબંધના નવા જ હુકમો જ્યારે છૂટવા લાગ્યા ત્યારે વિજયસિંહ જોઈ રહ્યો શિલ્પીને અને તેના શિલ્પને.

તેને લાગ્યું કે શું શિલ્પકારનું પોતાનું જ એ શિલ્પ તો નથી ?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I7yrRX
Previous
Next Post »